શનિવાર, 27 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 23 મે 2017 (13:25 IST)

પાણીનો સદઉપયોગ આજના સમયની માંગ - PM મોદી

પીએમ મોદીએ ભચાઉ ખાતે એવો સંકલ્પ લેવડાવ્યો હતો કે પાણી આવવાનો આનંદ છે પણ સિંચાઈ માટેનું પાણી આપણે સાચવીને વાપરવાની જરૂર છે. આપણે આજે પાણી બચાવવાનો સંકલ્પ લેવાનો છે. પાણીનો સદઉપયોગ અને જાળવણીએ આજના સમયની માંગ છે. ગત સપ્તાહે અમરકંટકમાં પૂજન કર્યા બાદ આજે હું તેના દર્શન કરવા આવ્યો છું તેમ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભચાઉ ખોત સરદાર સરોવર નિગમ લિમિટેડના કચ્છના ત્રીજા અને છેલ્લા પમ્પિંગ સ્ટેશનનું લોકાર્પણ કર્યા બાદ જણાવ્યું હતું.

તેમણે લોધિડા પાસે ઇલેક્ટ્રોનિક મોટર ચાલુ કર્યા બાદ ગુલાબના ફુલ પધરાવીને નર્મદામૈયાના નીરના ઓવારણા લીધા હતા. પાણી બચાવોની વાત ભારપૂર્વક કહીને તેમણે એવી ટકોર સાથે સંકલ્પ લેવડાવ્યા હતા કે રાજ્યમાં નર્મદાનું પાણી વહી રહ્યું છે અને ખેતીવાડી સમૃદ્ધ બની છે ત્યારે આપણે તેની ટપક પદ્ધતિ કે અન્ય ફૂવાર પદ્ધતિથી જાળવણી કરવાની છે. વડાપ્રધાન તરીકે  પોતાનો અનુભવ વ્યક્ત કરીને તેમણે કહ્યું કે જ્યારે અન્ય રાજ્યોના લોકો સાથે એમ વાત કરે છે કે ગુજરાતમાં પાણી માટે વધુ બજેટ ફાળવવું પડે છે. રાજ્યમાં નર્મદા વહેતી કરવા માટે કેશુભાઇ પટેલથી માંડીને વિજયભાઇ રૂપાણી સુધીની સરકારે પાણીની ચિંતા સેવી છે.ગરીબો માટે પ્રાથમિક શાળાના ઓરડા, હોસ્પિટલની સુવિધાઓ જેવી વિવિધ પ્રાથમિક સુવિધાઓમાં કાપ મૂકીને પાણી પાછળ વધુ ખર્ચ કરવામાં આવતો રહ્યો છે. હવે આપણ સહુની જવાબદારી છે કે પાણી બચાવીને બજેટમાં ઘટાડો. કરીને તે ખર્ચ ગરીબો પાછળ ફાળવવામાં આવે. ગરીબોને ભોગે પાણી રાજ્યમાં પહોંચ્યા છે તો હવે આપણી ફરજ તેમને પાણી બચાવીને વળતર આપવાની છે. ભાજપ સરકારના લોકાર્પણ કાર્યક્રમમાં પૂર્વ નાણામંત્રી બાબુભાઇ શાહ પણ પહોંચ્યા હતા. હોલમાં કોંગ્રેસના નેતા શંકરસિંહ વાઘેલા ભાજપમાં જોડવાના છે ત્યારે તેમના ચુસ્ત સમર્થક મનાતા મૂળ ભાજપી એવા બાબુભાઇ પણ કોંગ્રેસ સાથે છેડો ફાડીને ભાજપમાં જોડાઇ શકે તેમ માનવામાં આવે છે. જોકે તેઓ સમારોહમાં આવ્યા છે તો શું ભાજપમાં જોડાઇ રહ્યા છે તેવો સવાલ પૂછતાં તેમણે કહ્યું કે નર્મદા માટે હું હકારાત્મક વલણ ધરાવું છું, અને તેના સંદર્ભે મારો અભ્યાસ પણ છે. નર્મદા નિગમના આમંત્રણને માન આપીને તેઓ વડાપ્રધાનની હાજરીવાળા કાર્યક્રમમાં આવ્યા હોવાનું કહી ભાજપમાં જોડાયો નથી તેમ ચોખવટ કરી હતી.