શુક્રવાર, 22 ઑગસ્ટ 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 14 જૂન 2019 (10:40 IST)

PM મોદીએ બિસ્કેકથી મુખ્યમંત્રી સાથે ટેલિફોનિક વાતચીત કરી ‘વાયુ’ વાવાઝોડાની જાણકારી મેળવી

PM Modi
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના વતન રાજ્ય ગુજરાતમાં સંભવિત ‘વાયુ’ વાવાઝોડાની કુદરતી વિપદા પ્રત્યે ચિંતા વ્યકત કરી આગવી સંવેદનાની અનૂભુતિ કરાવી છે. SCO સંમેલનમાં ભાગ લેવા બિશ્કેક ગયેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બિશ્કેક એરપોર્ટ પર ઉતરતાની સાથે જ ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી સાથે ટેલિફોનિક વાતચીત કરીને રાજ્યમાં આવી રહેલા સંભવિત ‘‘વાયુ’’ વાવાઝોડા અંગે વિગતવાર ચર્ચા કરીને વિગતો મેળવી હતી.  
 
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વડાપ્રધાનને રાજ્ય સરકાર દ્વારા આ સંભવિત વાવાઝોડાની આફતને પહોંચી વળવાની તંત્રની સજ્જતા અને હાથ ધરાયેલા આગોતરા આયોજનથી માહિતગાર કર્યા હતાં. 
વડાપ્રધાને સંભવિત આપત્તિની આ ઘડીમાં કેન્દ્ર સરકાર ગુજરાતના પ્રજાજનોના પડખે ઊભી છે અને કેન્દ્ર સરકાર તરફથી તમામ પ્રકારની મદદ અને સહાય પૂરી પાડવાની ખાતરી આપી હતી.
 
વિજય રૂપાણીએ રાજ્યમાં જે ગામોમાં વિજ પૂરવઠો સલામતીના કારણોસર બંધ કરવામાં આવ્યો હતો તે હવે મહદઅંશે પૂર્વવત કરી દેવામાં આવ્યો છે તેની જાણકારી આપતા એમ પણ કહ્યું કે હજુ દ્વારકા, પોરબંદર, ગીરસોમનાથ અને અમરેલી આ ચાર જિલ્લાઓમાં વધુ સાવચેતી સંબંધિત જિલ્લા તંત્રો રાખી રહ્યા છે.