1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 22 ઑક્ટોબર 2019 (12:03 IST)

1100ના લક્ષ્ય સામે ગુજરાતમાં માત્ર આટલા જ PUC સેન્ટરો ખુલ્યા

નવો મોટર વાહન કાયદો અમલમાં આવ્યા બાદ અને ઊંચા દંડની જોગવાઈના કારણે સપ્ટેમ્બર માસમાં હજારો વાહનચાલકોને કામધંધા પડતા મકીને પીયુસી કઢાવવા લાંબી લચ્ચક કતારોમાં ઊભા રહેવું પડયું હતું. રાજ્યમાં ૨.૫૩ કરોડ વાહનો સામે ૯૬૭ પીયુસી સેન્ટરો છે તે કેવી રીતે ચાલે ? ૧,૧૦૦ નવા પીયુસી સેન્ટર સ્થાપવાની જાહેરાત કરી તેનું સુરસુરિયું થયું છે. ૧,૧૦૦ની સામે માત્ર ૧૬૦ સેન્ટરને મંજૂરી મળી છે. આગામી ૩૧મી ઓક્ટોબર સુધીમાં બાકીના પીયુસી સેન્ટરો ઊભા નહીં થાય તો લોકોને ફરીથી લાઈનમાં ઊભા રહેવાનો વારો આવશે તે નક્કી વાત છે.અમદાવાદમાં ૪૩ લાખ વાહનોમાંથી ૩૫ લાખ વાહનો પાસે પીયુસી નથી. આ વાહનોને પીયુસી આપવા માટે માત્ર ૧૦૮ સેન્ટરો છે. આ સેન્ટરો ૧૨ કલાક ચાલે તો ૬૧ દિવસની જરૂર પડે. જો ૨૪ કલાક સેન્ટરો ચાલે તો ૩૧ દિવસ થાય. તેની સામે સરકારે ૧૩મી સપ્ટેમ્બરે ફક્ત ૩૦ સપ્ટેમ્બર સુધીની મુદત આપી હતી. પરંતુ ઢંગધડા વગરના આયોજનના કારણે ફરી મુદત લંબાવવાની જાહેરાત કરવી પડી હતી. સ્ટેટ ટ્રાન્સપોર્ટ કમિશનર કચેરીએ ૧,૧૦૦ પીયુસી સેન્ટર સ્થાપવાની જાહેરાત કરી હતી. તેની સામે માત્ર ૨૧૩ અરજી વિભાગને મળી હતી. તેમાંથી ૧૬૦ને મંજૂરી મળી છે. ૧૬૦ પૈકી અમદાવાદ શહેરના ૧૦ સેન્ટરનો સમાવેશ થાય છે. શહેરમાં હાલ ૧૦૮ સેન્ટરો છે. સરકારે ડીજી લોકર અને વાહન પરિવહન સોફ્ટવેર મારફતે પીયુસી સર્ટિફિકેટ મળે તે માટે પીયુસી સેન્ટરોને જોડવાનું શરૂ કર્યું છે. જેથી લોકો સરળતાપૂર્વક પીયુસી સર્ટિ મેળવી શકે. પરંતુ વાહન સોફ્ટવેર સાથે ૯૭૬ પૈકી માત્ર ૩૫૦ સેન્ટરો જ વાહન સોફ્ટવેર સાથે લિન્ક હતા. હવે જો કે તેની સંખ્યા વધીને ૭૦૦ થઈ છે.