બુધવાર, 24 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 31 ઑક્ટોબર 2018 (10:40 IST)

ગુજરાત કોંગ્રેસમાં કકળાટ, રાહુલ ગાંધીએ સહ પ્રભારીઓને કર્યા આ આદેશ

ગુજરાતમાં લોકસભા પહેલાં કોંગ્રેસની સ્થિતિ મજબૂત છે. ભાજપ ચિંતામાં છે કે 26 સીટો કંઇ રીતે બચાવી શકાશે.  દરમિયાન ભાજપને હાથે કરીને તાસકમાં ચૂંટણી ધરી દેતાં હોય તેવો ઘાટ ગુજરાતનો છે. ગુજરાતમાં કોંગ્રેસનું સંગઠન નથી. કોંગ્રેસની સભામાં 5,000 લોકોને હાજર રાખવા ભારે પડી તેવી સ્થિતિ છે. હાલમાં રૂપાણી સરકાર સામે એન્ટિ ઇન્કમ્બસીનો લાભ કોંગ્રેસને મળી રહ્યો છે. જેને પણ કોંગ્રેસ ગુમાવી રહી છે.
રાહુલ ગાંધી મોદીને પછાડવા માટે રાતદિવસ એક કરી રહ્યાં છે. ગુજરાતમાં ભાજપની સીટ ઘટે તો મોદી ભારતમાં જીતે તો પણ નાલેશી થાય તેમ કોંગ્રેસ સારી રીતે જાણે છે પણ ગુજરાતમાં ઘર ફૂટે ઘર જાય તેવી સ્થિતિ છે. કોંગ્રેસી નેતાઓ એક બીજાના ઝઘડામાંથી ઊંચા આવતા નથી. અમિત ચાવડા અને ધાનાણીની લડાઈનો ભાજપ ફાયદો ઉઠાવી રહી છે. ભાજપ માટે કોંગ્રેસના આ બંને નેતાઓ જીત આસાન કરી રહ્યાં છે. આ સ્થિતિ રહી તો ગુજરાતમાં રાહુલ ગાંધીનું સપનું ચકનાચૂર થઈ જશે. ગુજરાતની પ્રજા ભાજપથી કંટાળી છે પણ પ્રજા પાસે મજબૂત વિકલ્પનો અભાવ છે. કોંગ્રેસ પાસે મજબૂત નેતાના અભાવે ગુજરાતમાં કોંગ્રેસ પાછળ રહી ગઈ છે.
આ ઘટનાથી કોંગ્રેસનું હાઈકમાન્ડ પણ ચિંતિંત છે. આગામી લોકસભાની ચૂંટણીને લઇને કોંગ્રેસે ગુજરાત માટે પણ તૈયારીઓ આરંભી દીધી છે. ચૂંટણી ઢંઢેરાની કવાયત બાદ હવે હાઈકમાન્ડે ગુજરાતના બે સહપ્રભારી બિશ્વરંજન મોહંતી અને જિતેન્દ્ર બધેલને તબક્કાવાર રીતે 15-15 દિવસ ગુજરાતમાં રહીને કામગીરી કરવાનો આદેશ કર્યો છે. સહપ્રભારી બઘેલને સૌરાષ્ટ્ર ઝોન અને મોહંતીને ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતની કામગીરી સોંપાઈ છે. હાઈકમાનેડે બંને સહ પ્રભારીને ગુજરાતમાં રોકાઇને કામ કરવા નિર્દેશ કર્યો છે.  પ્રદેશ સંકલન સાધીને કાર્યક્રમો કરવા, જનમિત્રની કામગીરી, મિશન શક્તિ પ્રોજેક્ટ હેઠળની કામગીરી. જન સંપર્કની સાથે ધન સંપર્ક કાર્યક્રમ વધુ સારી રીતે થાય તે માટે આદેશ કરાયા છે. 
ગુજરાતમાં સૌથી ખરાબ સ્થિતિ એ બૂથ મેનેજમેન્ટ છે. કોંગ્રેસ તેમાં સૌથી વધારે નિષ્ફળ રહે છે. આ વર્ષે કોંગ્રેસે પોતાની દાવેદારી નોંધાવવી હશે તો સૌથી પહેલાં સંગઠનને મજબૂત કરવું પડશે. જે આ સહ પ્રભારીઓ માટે સૌથી મોટો ચેલેન્જ છે. આગામી બીજી નવેમ્બરે કોંગ્રેસની એક ટીમ ગુજરાત આવી રહી છે. જે શિક્ષણ ક્ષેત્રના મહાનુભવો સાથે પારમર્શ કરીને યોગ્ય મામલાઓને ઢંઢેરામાં સામેલ કરવાનો પ્રયાસ કરશે