શુક્રવાર, 29 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 3 જુલાઈ 2017 (10:03 IST)

ગુજરાત જળબંબાકાર - સિદ્ધપુરમાં 5 કલાકમાં 12 ઈંચ, અનેક ટ્રેનો રદ્દ કરાઈ

રાજ્યમાં શનિવારથી મેઘરાજાની અવિરત સવારી ગઇકાલે પણ ચાલુ રહી હતી અને આજે પણ રાજ્યમાં ઠેર-ઠેર વરસાદ પડી રહ્યો છે. અમદાવાદ શહેરમાં અડધો ઇંચ વરસાદ સાથે દિવસભર ઝાપટા ચાલુ રહ્યા હતા. જ્યારે ઉત્તર ગુજરાતમાં સિદ્ધપુરમાં પાંચ કલાકમાં 12 ઇંચ વરસાદ વરસી જતાં સર્વત્ર જળબંબાકારની સ્થિતિ સર્જાઇ છે. પાલનપુરના દેલવાડામાં ત્રણ યુવકોના ડૂબી જતા મોત નીપજ્યા હતા. સિદ્ધપુરમાં 12, દાંતીવાડામાં 9, રાધનપુરમાં 7, હારીજમાં 6, પાલનપુરમાં 6, વડગામમાં 5, સમીમાં 5, સાંતલપુરમાં 4, ભાભરમાં 4 અને શંખેશ્વરમાં 3 ઇંચ વરસાદ વરસી ગયો હતો.

છેલ્લાં બે દિવસથી પડી રહેલાં વરસાદે અમદાવાદ મ્યુ.ના પ્રિ-મોનસૂન પ્લાનના લીરે લીરા ઉડાડ્યા છે. પાણીના નિકાલ માટે અપૂરતી વ્યવસ્થાના લીધે પૂર્વના મોટાભાગના વિસ્તારમાં રસ્તાઓ પર પાણી ભરાતા શહેરીજનો પરેશાન બન્યા હતા.
ગઇકાલે સવારથી ઝરમર ઝરમર વરસાદી માહોલ વચ્ચે 24 કલાકમાં અડધો ઇંચ વરસાદ પડ્યો હતો. શહેરમાં છ મોટા ઝાડ ધરાશાયી થયા હતા. પાલનપુર-અમદાવાદ અને અમદાવાદ-આબુ વચ્ચેનો રેલવે વ્યવહાર પણ ખોરવાયો હતો. તેના લીધે ટ્રેનમાં મુસાફરી કરી રહેલા પાંચ હજારથી વધુ મુસાફરો અટવાઇ ગયા હતા.
 
વરસાદને કારણે ઉત્તર ગુજરાતમાં અનેક ટ્રેનો રદ્દ કરાઈ છે. જાણો રદ્દ થયેલી ટ્રેનો વિશે 
 
જોધપુર- બાંદ્રા, બીકાનેર- દાદર, બરેલી-ભૂજ, બાંદ્રા-જમ્મુ-તાવી, દાદર-અજમેર, બાન્દ્રા-બીકાનેર, બાન્દ્રા-જયપુર, યશવંતપુર-અજમેર, અમદાવાદ-જોધપુર, આબુરોડ-અમદાવાદ, દિલ્હી-બાન્દ્રા, પોરબંદર-દિલ્હી.
અટવાઈ ગયેલા ટ્રેન પ્રવાસીઓની મદદે રેલવે તંત્ર
મહેસાણા પંથકમાં શનિવાર અને રવિવારની મધરાતે પડેલા ભારે વરસાદને લીધે જમીનનું ધોવાણ થઈ ગયું હતું. રેલવે લાઈનો પર પાણી ફરી વળ્યાં હતાં. ટ્રેન સેવા અટકાવી દેવામાં આવી હતી. રેલવે પ્રશાસને અટવાઈ ગયેલા પ્રવાસીઓ માટે પીવાનું પાણી, ચા અને બિસ્કીટની વ્યવસ્થા કરી હતી.
 
રવિવારે સવારે સિદ્ધપુર-કાંબલી અને ભાંડુ-ઊંઝા વચ્ચે પાટાનું સમારકામ કરી દેવાયા બાદ ટ્રેન સેવા ધીમે ધીમે ફરી શરૂ કરવામાં આવી હતી.
 
પશ્ચિમ રેલવેના જનસંપર્ક અધિકારી પ્રદીપ શર્માના જણાવ્યા મુજબ 12915 આશ્રમ એક્સપ્રેસના અટવાઈ ગયેલા પ્રવાસીઓને મધરાત અને વહેલી સવારે ચા-બિસ્કીટ, સમોસા, પૂરી-ભાજીનું વિતરણ કરાયું હતું.
 
એવી જ રીતે, ટ્રેન નંબર 14707 અને 14717ના પ્રવાસીઓને પણ ચા-નાસ્તો પૂરો પાડવામાં આવ્યો હતો.
 
સિદ્ધપુરની માર્કેટયાર્ડમાં ખેતપેદાશો વરસાદનું પાણી ઘૂસી જવાથી પલળી જતા વેપારીઓને લાખો રૂપિયાનું નુકસાન ગયું છે.