ગુરુવાર, 26 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 10 જૂન 2021 (13:25 IST)

કેરળ અને મુંબઈમાં થઈને ચોમાસુ દક્ષિણ ગુજરાત સુધી પહોંચી ગયું, હવે જૂનના અંત સુધીમાં સમગ્ર રાજ્યમાં પધારશે

દક્ષિણ-પશ્ચિમ મોન્સૂન આગળ વધી રહ્યું છે, જે દક્ષિણ ગુજરાત સુધી પહોંચી જતાં વલસાડ, નવસારી, ડાંગ ઉપરાંત દાદરા-નગરહવેલી વિસ્તારમાં વરસાદ શરૂ થશે. એની સાથે જ બંગાળની ખાડીમાં પણ લો-પ્રેશર સર્જાવાની શક્યતા છે, એની અસરને પગલે 14 જૂન પછી દક્ષિણ ગુજરાતમાં ચોમાસાની વધુ અસર જોવા મળશે. જ્યારે 20 જૂન પછી અમદાવાદ સહિત રાજ્યના અન્ય ભાગોમાં પ્રી-મોન્સૂન એક્ટિવિટી શરૂ થવાની સાથે વરસાદી માહોલ સર્જાશે અને જૂનના અંતિમ સપ્તાહ સુધીમાં રાજ્યમાં વિધિવત્ ચોમાસું બેસી જશે. એની સાથે જ 12થી 15 જુલાઈ સુધી રાજ્યમાં સામાન્ય વરસાદ નોંધાયા બાદ સારો વરસાદ પડી શકે છે.આ વર્ષે ચોમાસાની સીઝન દરમિયાન રાજ્યમાં 98થી 102 ટકા વરસાદ થવાની શક્યતા છે. હાલમાં વરસાદની ગેરહાજરીને કારણે અમદાવાદ સહિત રાજ્યમાં ગરમી અને બફારાથી લોકો ત્રસ્ત થયા છે. હવામાન વિભાગના આંકડાઓ મુજબ, બુધવારે અમદાવાદમાં દિવસ દરમિયાન પવન વચ્ચે ગરમી અને બફારાનું જોર યથાવત્ રહ્યું હતું. અમદાવાદનું મહત્તમ તાપમાન સામાન્ય કરતાં 1.7 ડીગ્રી વધીને 39.0 ડીગ્રી તેમજ લઘુતમ તાપમાન પણ સામાન્ય કરતાં 0.4 ડીગ્રી વધીને 28.4 ડીગ્રી નોંધાયું હતું, જેને કારણે શહેરમાં ગરમી અને બફારાથી લોકો પરેશાન થયા હતા.અમદાવાદ સહિત રાજ્યનાં 8 શહેરમાં ગરમીનો પારો 38 ડીગ્રી કે એનાથી વધુ નોંધાયો હતો. જ્યારે સમગ્ર રાજ્યમાં 39.8 ડીગ્રી સાથે ડીસા, 39.7 ડીગ્રી સાથે કંડલા પોર્ટ અને 39.4 ડીગ્રી સાથે સુરેન્દ્રનગરમાં સૌથી વધુ ગરમી નોંધાઈ હતી. આગામી ચારથી પાંચ દિવસ દરમિયાન દક્ષિણ ગુજરાતના વિવિધ વિસ્તારોમાં વરસાદી ઝાપટાંથી મધ્યમ વરસાદ પડવાની શક્યતા છે.