શનિવાર, 27 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 28 જૂન 2017 (17:13 IST)

મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીનો રાજકોટના પ્રત્યેક નાગરિકને ૨૯ જુને સાંજે સાડા સાતથી આઠ વચ્ચે ઘરમાં દીવો પ્રગટાવવા પ્રેમભર્યો અનુરોધ

મુખ્યમંત્રીશ્રીએ રાજકોટવાસીઓ માટે ૨૯ જુનના દિવસને સોનાના સૂરજ સમાન ગણાવ્યો હતો. આજી નદીમાં આવેલા નર્મદા નીરે રાજકોટને પાણી-પાણી કરી મુકયું છે, ત્યારે નર્મદાના વારિને વધાવવા ખાસ રાજકોટ પધારતા દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના રાજકોટના રાજમાર્ગો પર યોજાનારા રોડ શોમાં પણ અચૂક ભાગ લેવા મુખ્યમંત્રીશ્રીએ રાજકોટના રહીશોને મીઠાશભર્યું ઇજન પાઠવ્યું હતું.
 
રાજકોટની વિવિધ ખાસિયતોથી સુપેરે પરિચિત રહેલા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના આગમનને જીવનભરનું સંભારણુ બનાવવા મુખ્યમંત્રીશ્રી વિજયભાઇએ રાજકોટના નાગરિકોને હાકલ કરી હતી. નર્મદાનું પાણી રાજકોટવાસીઓની પીવાના પાણીની જરૂરિયાત તો પુરી કરશે જ, તદુપરાંત, રાજકોટ જિલ્લા તથા શહેરના આસ-પાસના ગામડાંઓને પિયત માટે પણ પૂરતા પ્રમાણમાં પાણી પ્રાપ્ત થશે, એવી રાજકોટવાસીઓને શ્રી રૂપાણીએ બાંહેધરી આપી હતી.
 
એક સમયમાં પાણીની કારમી અછત ભોગવતા રાજકોટ શહેર તથા જિલ્લાને માં નર્મદા આવનારા સૈકાઓ સુધી પાણી પૂરૂં પાડશે, એવો આશાવાદ મુખ્યમંત્રીશ્રીની વાણીમાંથી સ્પષ્ટ છલકાતો હતો. મુખ્યમંત્રીશ્રીએ તેમના પ્રજા જોગ નિવેદનમાં ખાસ ઉમેર્યું હતું કે, રાજયના મુખ્યમંત્રી તરીકે નહીં, પરંતુ રાજકોટના પ્રતિનિધિ તરીકે તેઓ રાજકોટની જનતાને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીની રાજકોટ મુલાકાતને ચિરસ્મરણીય અને સીમાચિન્હ સ્થાપક બનાવવા હૈયાના હેતથી નિમંત્રણ પાઠવે છે. તમામ રાજકોટવાસીઓને સાંજે સાડા સાતથી આઠ વચ્ચે પોતાના ઘરમાં એક દીવો અચૂક પ્રગટાવવા તેમણે આગ્રહભર્યું આમંત્રણ આપ્યું હતું.