સોમવાર, 27 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 30 નવેમ્બર 2018 (12:14 IST)

શિયાળાનો માહોલ જામ્યો: આગામી 3 દિવસમાં ઠંડીનો પારો 2 થી 3 ડિગ્રી ઘટી શકે છે: અમદાવાદમાં 16.1

ગુજરાતમાં શિયાળાનો માહોલ ધીરે-ધીરે જામી રહ્યો છે. નલિયા 13.4 ડિગ્રી સાથે ઠંડુંગાર રહ્યું હતું. આગામી ૨-3 દિવસમાં ઠંડીનો પારો 3 ડિગ્રી સુધી ઘટી શકે છે તેવી હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. અલબત્ત, આ વખતે ગાત્રો થીજવતી ઠંડીનો પ્રારંભ હવે ડિસેમ્બરના પ્રથમ સપ્તાહ બાદ જ થઇ શકે છે.
હવામાન વિભાગે જણાવ્યું છે કે, 'હાલમાં ઉત્તરથી ઉત્તરપૂર્વની દિશાનો પવન છે. ગુજરાતના કેટલાક શહેરમાં આગામી બે-ત્રણ દિવસમાં ઠંડીનો પારો ત્રણ ડિગ્રી સુધી ઘટી શકે છે, જેના પગલે ઠંડીમાં વધારો થશે. '  અમદાવાદમાં 16.1 ડિગ્રી ઠંડીનો પારો નોંધાયો હતો.
આગામી ત્રણ દિવસ અમદાવાદમાં ઠંડીનો પારો 15 ડિગ્રીની આસપાસ જ રહેશે. હવામાન અંગે આગાહી કરતી ખાનગી સંસ્થાના મતે અમદાવાદમાં 8 ડિસેમ્બર બાદ જ ઠંડીમાં વધારો થશે અને ત્યારે પારો 10 ડિગ્રીથી નીચે જઇ શકે છે.
અમદાવાદમાં સામાન્ય કરતા 1.6 ડિગ્રી વધુ સરેરાશ લઘુત્તમ તાપમાન નોંધાયું હતું. રાજ્યના અન્ય શહેર કે જ્યાં 17 ડિગ્રીથી ઓછું તાપમાન નોંધાયું છે તેમાં વલસાડ, ગાંધીનગર, ડીસા, વડોદરા અને દીવનો પણ સમાવેશ થાય છે. રાજસ્થાનમાં આવેલા હિલસ્ટેશન માઉન્ટ આબુમાં 5.5 ડિગ્રી તાપમાન નોંધાયું છે