શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શનિવાર, 18 માર્ચ 2017 (12:12 IST)

ગુજરાતના ત્રણ શહેરોને સ્માર્ટ સિટી બનાવવા કરોડો ખર્ચાયા પણ સ્થિતિ યથાવત રહી

વિધાનસભામાં પ્રશ્નોત્તરી સમયમાં ધારાસભ્ય દ્વારા પૂછાયેલા પ્રશ્નનાં જવાબમાં સરકારે જણાવ્યું હતું કે, અમદાવાદ, વડોદરા અને સુરત શહેરને સ્માર્ટ સિટી બનાવવા પાછળ કરોડોનો ખર્ચ કરાયો છે. તેમજ આગામી વર્ષોમાં આ ત્રણેય શહેરો પાછળ અધધધ કહી શકાય તેટલો રૃપિયા ૭૦૯૮ કરોડનો ખર્ચ કરાશે. જેનાં વિવિધ પ્રકારનાં ૯૩ કામોનો સમાવેશ કરાયો છે. જો કે કરોડો રૃપિયાનો ખર્ચ થયા પછી પણ સ્થિતિ યથાવત જ રહી છે. સ્માર્ટ સિટી અંતર્ગત લોકઉપયોગી તમામ સેવાઓને વધુ સુદ્રઢ બનાવાઈ હોવાનો સરકાર દાવો કરી રહી છે. જેમ કે વાહન વ્યવહાર, ઇન્ટરનેટ કનેક્ટિવિટી, પાણી-ગટર સહિતનાં વિકાસનાં કામો કરવામાં આવે છે. અમદાવાદમાં આવાસ, ગટર વ્યવસ્થા, સ્માર્ટ કાર્ડ, નેટ સહિતનાં કામો હાથ ધરાયા છે. આગામી વર્ષોમાં અમદાવાદના ૧૧ કામો પાછલ રૃ. ૨૪૯૪ કરોડ, સુરતમાં ૩૯ કામો પાછળ ૨૫૯૭ કરોડ અને વડોદરામાં ૪૩ કામો પાછળ ૨૦૦૯ કરોડ ખર્ચાશે. કેન્દ્ર સરકાર દ્વારા પણ કુલ ખર્ચની રકમમાં ૫૦ ટકા જેટલી ગ્રાન્ટ આપવામાં આવે છે.

મુખ્ય શહેરો ઉપરાંત ગુજરાતનાં ૩૧ જેટલા નાના ગામડાઓ શહેરોને પણ 'સ્માર્ટ' બનાવવાની વાત છે. પરંતુ આશ્ચર્યની વાત એ છે કે, સ્માર્ટ સિટીના પ્રોજેક્ટોમાં અને ટેન્ડરો આપવાની પ્રક્રિયામાં મોટા ગોટાળા ચાલતા હોવાની ફરીયાદો છે. પોતાના લાગતા વળગતા કોન્ટ્રાકટરોને કરોડો રૃપિયાનું કામ આપી દેવામાં આવે ચે. અન્ય કોઈ પાર્ટી કામ ન લઇ શકે અથવા તો ટેન્ડર જ ન ભરી શકે એ પ્રકારની શરતો રાખવામાં આવે છે. ઉપરાંત કરોડો રૃપિયાનો ખર્ચ કર્યા પછી પણ આ ત્રણેય શહેરોમાં સ્થિતિ સુધરી હોવાનું જમાતું નથી. શહેરનાં ઠેર ઠેર ગંદકીના કચરાના ઢગલા જોવ મળે છે. પાણી-ગટરની વ્યવસ્થામાં પણ ફરીયાદો છે. ઇન્ટરનેટ કનેકશનો કે વાઇફાઈની સુવિધા ક્યાંય મળી નથી. ટૂંકમાં પ્રજાના કરોડો રૃપિયા ખર્ચાઈ ગયા હોવા છતાં 'સ્માર્ટ સિટી'નો કોઈ જ લાભ લોકોને મળ્યો નથી. ઉચ્ચ અધિકારીઓ અને રાજકીય નેતાઓ 'સ્માર્ટ સિટી'માંથી ખુબ જ સ્માર્ટ બનીને 'મલાઈ' ખાઈ રહ્યા છે.