શુક્રવાર, 24 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શનિવાર, 27 ઑક્ટોબર 2018 (12:40 IST)

સુરતના હીરા ઉદ્યોગના એક લાખથી વધુ કારીગરો બેકાર થવાના નિવેદનથી હોબાળો

ડયૂટીમાં વધારો, ધંધો કરવામાં સરળતાનો અભાવ અને નાણાંભીડને કારણે આગામી છ મહિનામાં હીરા ઉદ્યોગમાં એક લાખ કારીગરો નોકરી ગુમાવશે, એવાં જીજેઈપીસીના ઉપપ્રમુખ કોલીન શાહના અખબારમાં આવેલા નિવેદનથી હીરા ઉદ્યોગમાં હોબાળો મચ્યો છે. જો કે બીજી તરફ કટ એન્ડ પોલીશ્ડ ડાયમંડના ઈમ્પોર્ટ ડયૂટીમાં ૨.૫ ટકાના વધારાથી ડાયમંડ મેન્યુફેક્ચરીંગની એવી કોઈ અસર થશે નહિં એમ સુરત ડાયમંડ એસો.એ જણાવ્યું છે.

કટ એન્ડ પોલીશ્ડ ડાયમંડના ઈમ્પોર્ટ ઉપરની ડયૂટી પહેલાં જે ૫ ટકા હતી, તે તા. ૨૬ સપ્ટેમ્બરથી ૭.૫ ટકા કરવામાં આવી છે અને તેને કારણે કટ એન્ડ પોલીશ્ડના ઈમ્પોર્ટ વગર ૩૧ ટકાનો ઘટાડો આવ્યો હોવાનું શાહે જણાવ્યું હતું. ઈમ્પોર્ટ એક વર્ષ પહેલા રૂા. ૭૭૫૯ કરોડ હતું, તે ચાલુ નાણાંકીય વર્ષના પ્રથમ છ માસમાં રૂા. ૫૨૮૯ કરોડ થયાનું જણાવાયું છે.

ડાયમંડ એસો.ના પ્રમુખ બાબુ ગુજરાતીએ જણાવ્યું કે, રફ હીરાની આયાત સામે કટ એન્ડ પોલીશ્ડ ડાયમંડની આયાત દસેક ટકા (૨૦૧૬-૧૭) જેટલી છે, કટ એન્ડ પોલીશ્ડની જે ઈમ્પોર્ટ કરવામાં આવે છે, તે મોટાંભાગે બ્રોકન ડાયમંડ (દાગીનામાં જડાયેલાં હીરા) માટેનાં હોય છે. આ ઉપરાંત બેંક ફેસીલીટી મેળવવા માટે પણ કટ એન્ડ પોલીશ્ડની આયાત કરવામાં આવતી હોય છે.

ઈમ્પોર્ટ ડયૂટીમાં વધારાને કારણે કટ એન્ડ પોલીશ્ડ ડાયમંડની આયાતમાં પ્રોડક્ટ ૨.૫ ટકા જેટલી મોંઘી બની હોવાથી, ઘટાડો આવ્યો છે, એમ જણાવવામાં આવ્યું છે તે છતાં બ્રોકન ડાયમંડની આયાત રફની આયાત સામે ખુબ ઓછી હોવાથી તેની કોઈ અસર થશે નહિ કે કારીગરોની રોજગારી ઉપર તેની કોઈ અસર દેખીતી રીતે નહિ આવે એમ ડાયમંડ એસો.નું કહેવું છે.
જીજેઈપીસીના ઉપપ્રમુખ કોલીન શાહે ટેલિફોનીક વાતચીતમાં જણાવ્યું કે, છેલ્લાં એક વર્ષમાં ડોલરની સામે રૂપિયો જે પ્રકારે તૂટયો છે, ઈમ્પોર્ટ કટ એન્ડ પોલીશ્ડ ઉપરની ડયૂટી વધી છે અને બેકિંગ ક્રાઈસીસને કારણે જે સ્થિતિ ઉભી થઈ છે, તેની અસર હીરા ઉદ્યોગની રોજગારી ઉપર આવવાની ભીતિ વ્યક્ત કરી છે.
ડોલરની સામે રૂપિયો આશરે ૧૦ ટકા જેટલો તૂટયો છે અને રફ એન્ડ કટ-પોલીશ્ડની આયાતમાં ડોલર ટર્મમાં ૧૦ ટકાનો ઘટાડો આવી ગયો છે. આંકડાઓ દર્શાવે છે કે, આયાત ઘટી છે અને ઈમ્પોર્ટ ડયૂટીમાં ૨.૫ ટકાના વધારાની અસર પણ ઉદ્યોગ ઉપર આવી છે.
હીરાઉદ્યોગનું જે ચિત્ર છે તે આંકડાઓ સાથે જણાવ્યું છે. જો કે, અમારો હેતુ, સરકાર આ ઉદ્યોગને બચાવવા માટે તાકીદે પગલાંઓ લે એવું અમે ઈચ્છીએ છીએ. મેન્યુફેક્ચરીંગ, જીએસટીના રિફંડ અને ધંધો કરવામાં સરળતા થાય એવું અમે ઈચ્છીએ છીએ. હીરા ઉદ્યોગમાં અંદાજે દસેક લાખ કારીગરો, દેશભરના સંકળાયેલાં છે અને તેમાંથી ૧૦ ટકાને આની અસર પડશે, એવી આશંકા બતાવી હતી.