ગુરુવાર, 2 ઑક્ટોબર 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 24 ફેબ્રુઆરી 2022 (08:21 IST)

શિક્ષણમંત્રીએ SC- ST કેટેગરીના વિદ્યાર્થીઓને માટે કરી મોટી જાહેરાત, જાણો શું મળશે લાભ

The Minister of Education made a big announcement for SC-ST category students
રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી જીતુભાઇ વાઘાણીએ જણાવ્યું છે કે રાજ્યના SC અને ST કેટેગરીના વિદ્યાર્થીઓના શિક્ષણના વિશાળ હિત માટે રાજ્ય સરકારે ફ્રી-શીપ કાર્ડ યોજના અંતર્ગત મળતી શિષ્યવૃતિનો બોજ વિદ્યાર્થીઓ વતી રાજ્ય સરકાર ઉપાડશે અને આ ફિ સીધે સીધી જે તે સંસ્થામાં સરકાર દ્વારા જ જમા કરાવી દેવાશે.
 
રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી જીતુભાઇ વાઘાણીએ આજની કેબિનેટમાં બેઠકની વિગતો આપતા જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલના દિશાનિર્દેશ મુજબ આજે વિદ્યાર્થીઓના હિતમાં વધુ એક ઐતિહાસિક નિર્ણય લીધો છે. ઉચ્ચ શિક્ષણના નોન FRC અભ્યાસક્રમોમાં ખાનગી કોલેજ/યુનિવર્સીટીમાં પ્રવેશ મેળવતા SC અને ST કેટેગરીના વિદ્યાર્થીઓના વિશાળ શૈક્ષણિક હિતોને ધ્યાને રાખી આ યોજના હેઠળની શિષ્યવૃત્તિની રકમ ચૂકવવામાં આવશે. 
 
તે માટે નવી FRC/Fee Fixation Committee અંગે વિચારણા કે નિર્ણય ન થાય ત્યાં સુધી (૧) સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા શૈક્ષણિક વર્ષ ૨૦૧૯-૨૦ માટે તા.૯/૨/૨૦૨૨ના પત્રથી જે નિર્ણય લેવામાં આવેલ છે. તે મુજબની વ્યવસ્થા (નિર્ણય) શૈક્ષણિક વર્ષ ૨૦૨૦-૨૧ અને તે પછીના વર્ષોમાં પણ યથાવત રહે અને (૨) આદિજાતી વિકાસ વિભાગ દ્વારા પણ ST કેટેગરીના વિદ્યાર્થીઓને થતી શિષ્યવૃત્તિની ચુકવણી સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા લેવાયેલ નિર્ણય અનુસાર થાય તે અંગે નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્ય સરકારે લીધેલા આ ઐતિહાસિક નિર્ણયને પરિણામે અંદાજિત ૬ હજાર જેટલા એસ.સી કેટેગરીના વિદ્યાર્થીઓને લાભ થશે જેની પાછળ રૂ.૧૨ કરોડનો ખર્ચ થશે. જ્યારે એસ.ટી કેટેગરીના ૧૨ હજાર વિદ્યાર્થીઓને લાભ મળશે જેની પાછળ રૂ.૨૪ કરોડનું ચૂકવણી સરકાર કરશે.
 
પ્રવકતા મંત્રીએ ઉમેર્યું કે ખેડૂતોને તેમના પાક ઉત્પાદનના પોષણક્ષમ ભાવો મળી રહે એ માટે પણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ દેશભરમાં ટેકાના ભાવે ખરીદી થઇ રહી છે. જે અંતર્ગત ગુજરાતમાં કપાસ, રાયડો, દિવેલા, વરીયાળી, ચણા સહિત અન્ય કઠોળ પાકોની ખરીદી ચાલુ છે. સૌરાષ્ટ્ર વિસ્તારમાં મબલખ ચણાનું ઉત્પાદન થયું છે ત્યારે, કેન્દ્ર સરકાર વધુ ચણા પાકની ટેકાના ભાવે વધુ ખરીદી થાય એ માટે કેન્દ્રમાં દરખાસ્ત કરાશે. ચણાના પાકનું ઉત્પાદન કરનાર ખેડૂતોએ સહેજ પણ ચિંતા કરવાની જરૂર નથી રાજ્ય સરકાર વ્યવસ્થાઓ ગોઠવી રહી છે. 
 
પ્રવકતા મંત્રીએ ઉમેર્યું કે, રાજ્યના નાગરિકોને જનસુખાકારીના લાભો સત્વરે મળી રહે એ માટે આગામી વર્ષના અંદાજપત્રને મુખ્યમંત્રીના માર્ગદર્શન હેઠળ આખરી ઓપ આપીને સંપૂર્ણ તૈયારીઓ કરી દેવાઈ છે. કેન્દ્ર અને રાજ્ય સરકારના જે પ્રોજેક્ટો હાલ પ્રગતિ હેઠળ છે તે તમામ કામો સત્વરે પૂરા કરવા તથા પૂર્ણ થયેલ કામોના લોકાર્પણ કરવા પણ સંબંધિતોને સૂચના આપી છે. જેથી નાગરિકોને લાભ મળતો શરૂ થઈ જાય.
 
તેમણે ઉમેર્યું કે વિવિધ વિકાસકામોના આયોજનો માટે વિવિધ વિભાગો દ્વારા SOR બનાવાયેલા હોય છે એ માટે એકસૂત્રતા જળવાય અને ત્વરિત કામો હાથ ધરી શકાય એ હેતુસર માર્ગ-મકાન વિભાગને નવા SOR બનાવવા માટે પણ સૂચનાઓ આપી દેવાઈ છે.
 
પ્રવકતા મંત્રીએ ઉમેર્યું કે, રાજ્યના ગરીબ પરિવારોને સ્વરોજગાર માટે સહાયરૂપ થવા આગામી તા. ૨૪, ૨૫ અને ૨૬ ફેબ્રુઆરીના રોજ રાજ્યવ્યાપી ગરીબ કલ્યાણ મેળાઓનું આયોજન કરાયું છે. તેની તમામ તૈયારીઓ રાજ્ય સરકાર દ્વારા પૂર્ણ કરી દેવાઈ છે અને લાભાર્થીઓને લાભ સત્વરે મળે એ માટે સંપૂર્ણ તકેદારી રખાશે.
 
મંત્રી વાઘાણીએ જણાવ્યું કે, રાજ્યમાં ખેલ મહાકુંભના રજિસ્ટ્રેશન શરૂ થઈ ગયા છે જેમાં રમતવીરો ખૂબ જ ઉત્સાહપૂર્વક રજિસ્ટ્રેશન કરી રહ્યા છે. અત્યાર સુધીમાં ૩.૧૧ લાખથી વધુ ખેલાડીઓ રજીસ્ટ્રેશન કરાવી ચૂક્યા છે. હજુ પણ રસ ધરાવતા ખેલાડીઓએ વધુને વધુ રજીસ્ટેશન કરી ‘રમશે ગુજરાત જીતશે ગુજરાત’ને સાર્થક કરવા અપીલ કરી હતી.