શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 15 ઑક્ટોબર 2018 (11:46 IST)

અમદાવાદ રેલવે સ્ટેશનથી હવે 24 કોચની ટ્રેન ઉપાડી શકાશે

અમદાવાદ રેલવે સ્ટેશન પર હાલ ત્રણ ફીટલાઇનના વિસ્તરણની કામગીરી ચાલી રહી છે. જેના થકી હવે ૨૪ કોચની ટ્રેન અમદાવાદથી ચલાવવી શક્ય બનશે. આ કામગીરી પૂર્ણ થયે રાજધાની ટ્રેનને પ્લેટફોર્મ નંબર ૧ પરથી ચલાવી શકાશે. જેના કારણે મુસાફરોને મોટી રાહત મળશે. આ અંગે રેલવેના અધિકારીઓના જણાવ્યા મુજબ રાજધાની ટ્રેન હાલ જે પ્લેટફોર્મ નંબર ૧૦ પરથી ચલાવાઇ રહી છે. તેને પ્લેટફોર્મ નંબર ૧ પરથી ચલાવવાની મુસાફરોની માંગણી હતી. જે હવે આગામી વર્ષે પૂર્ણ થાય તેવી શક્યતા છે. અમદાવાદ રેલવે સ્ટેશન પર ૨૪ કોચની ટ્રેનો દોડાવવી ટેકનીકલી શક્ય નહોતું. હવે સમયની માંગને જોતા ૨૪ કોચની ટ્રેન દોડાવી શકાય તે માટેનું માળખું ઉભુ કરવામાં આવી રહ્યું છે. અમદાવાદ રેલવે સ્ટેશનના પ્રવેશ દ્વારની બાજુમાં ચાર ફીટલાઇનો આવેલી છે. જેમાં અત્યાર સુધી ૧૭ કોચની ટ્રેનની જ મરામત કામગીરી કરી શકાતી હતી. તેમાંથી એક ફીટલાઇનને વિસ્તારીને તેમાં ૨૧ કોચની મરામત કરી શકાય તેવી સુવિધા ઉભી કરાઇ છે. હવે બાકીની ચાર ફીટલાઇનોના વિસ્તરણની કામગીરી ચાલી રહી છે. જ્યાં ૨૧ કોચની ટ્રેન ઉભી રહી શકે તે માટેની કામગીરી આગામી ડિસેમ્બર સુધીમાં પૂર્ણ થશે. આ ચારેય ફીટલાઇનોમાં ૨૪ કોચની ટ્રેન ઉભી રહી શકે તે માટેની પણ કામગીરી કરાશે. જે આગામી માર્ચ માસ સુધીમાં પૂર્ણ થશે.