શનિવાર, 23 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 2 એપ્રિલ 2018 (12:06 IST)

દમણમાં દારુના બાર નજીક અંધાધૂંધ 15થી 20 રાઉન્ડ ફાયરિંગમાં 2નાં મોત

કેન્દ્ર શાસિત પ્રદેશ દમણમાં રવિવારે રાત્રે આડેધડ ફાયરીંગ કરી બે યુવકોને મોતને ઘાટ ઉતારવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. સ્કોર્પિયો કારમાં આવેલા હૂમલાખોરોએ ઘટનાને અંજામ આપીને ફરાર થઈ ગયાં હતાં. પ્રાપ્ત વિગતો પ્રમાણે રવિવારે રાત્રે દમણના ડાભેલ સ્થિત વિશાલ બારમાં ગન સાથે આવેલા હુમલાખોરોએ આડેધડ 15 થી 20 રાઉન્ડ ફાયર કરીને બે યુવાનોના મોત નિપજાવ્યા હતા. દમણના ભીમપોર ખાતે રહેતા અજય ઉર્ફે માંજરા પટેલ અને ધીરજ પટેલ પોતાની ગાડીમાં ડાભેલ તરફ આવી રહ્યા હતા. ત્યારે જ વાપી તરફથી આવી રહેલી સફેદ કલરની સ્કોર્પિયોમાં આવેલા હુમલાખોરોએ પ્રથમ અજયની કારને ટક્કર મારીને હત્યાનો પ્રયાસ કર્યો હતો. જોકે, અજય અને ધીરૂ પટેલ પોતાના બચાવમાં સામેની સાઇડે આવેલા વિશાલ બારમાં પહોંચી ગયા હતા. જયા હુમલાખોરોએ આધુનિક લોડેડ ગનથી આડેધડ 15 થી 20 રાઉન્ડ ફાયર કર્યા હતા. જેમાં અજય માંજરા અને ધીરૂ પટેલનું ઘટના સ્થળે જ મોત થયું હતું. બંને યુવકો પર હુમલો કર્યા બાદ હુમલાખોર સ્કોર્પિયો કારમાં ફરાર થઇ ગયા હતા.

ઘટનાની જાણ થતા જ દમણના ઉચ્ચ પોલીસ અધિકારી જેમાં ડીઆઇજી બ્રિજકિશોર સિંઘ, એસપી સેજુ કુરૂવિલ્લા, પીઆઇ પંકજ ટંડેલ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. હાલ તો પોલીસે વિશાલ બારના સીસીટીવી ફૂટેજ લઇને આરોપીની ઓળખ કરવાના પ્રયાસો હાથ ધર્યા છે. આ ઘટનાને લઇને સંઘપ્રદેશ દમણમાં અનેક તર્કવિર્તકો શરૂ થયા છે. મળતી માહિતી મુજબ હુમલાખોરો પોતાની સાથે આધુનિક ફાયરવાળી ગનની સાથે કોઇતા લઇને પણ આવ્યા હતા. આ સમગ્ર ઘટના વિશાલ બારમાં લગાવેલા સીસીટીવી કેમેરામાં કેદ થઇ છે. માત્ર મારી નાંખવાના ઉદૃેશ્યથી જ સ્કોર્પિયો કારમાં પાંચ અજાણ્યા ઇસમો હથિયારો સાથે આવ્યા હતા. હાલ તો દમણ પોલીસ તપાસ કરી રહી છે. નાની દમણના ભીમપોર ખાતે રહેતા અને કંપનીમાંથી સ્ક્રેપ ઉઠાવવાનો ધંધો કરનાર અજય માંજરા ઉપર એક વર્ષ અગાઉ જ જયારે તે પોતાના ગોડાઉનમાં જઇ રહ્યો હતો ત્યારે દમણ એરપોર્ટ રોડ ઉપર અજાણ્યા ઇસમોએ તેમના ઉપર ફાયરિંગ કર્યુ હતું. જોકે, તેમાં તેનો આબાદ બચાવ થયો હતો.