શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : મંગળવાર, 14 સપ્ટેમ્બર 2021 (17:47 IST)

કાદવ કીચડમાં ચાલીને CM ભૂપેન્દ્ર પટેલ લોકોની સમસ્યા જાણવા પહોંચ્યા જામનગર, પૂરગ્રસ્ત ધુંવાવ ગામની મુલાકાત કરી

જામનગર સહિત સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદના કારણે પૂરની સ્થિતિ સર્જાઈ છે. ત્યારે મુખ્યમંત્રી પદે શપથ લીધા બાદ ભૂપેંદ્ર પટેલે પોતાનો પ્રથમ પ્રવાસ જામનગરના પૂરગ્રસ્ત વિસ્તારમાં કર્યો હતો. મુખ્યમંત્રી આજે પોતાના કાફલા સાથે જામનગરના પૂરગ્રસ્ત ધુંવાવ ગામની મુલાકાતે પહોંચ્યા હતા.

અહીં ભૂપેંદ્ર પટેલે કોમનમેનની માફક કાદવ-કીચડમાં ચાલીને લોકોની સમસ્યા જાણવા પહોંચ્યા હતા. લોકોની વચ્ચે બેસીને લોકોને બનતી તમામ મદદ કરવાની ખાતરી આપી હતી.ભૂપેન્દ્ર પટેલે સોમવારે ગુજરાતના 17માં મુખ્યમંત્રી તરીકે શપથ ગ્રહણ કર્યા હતા.

શપથ ગ્રહણ સમયે જ જામનગર શહેર અને જિલ્લામાં પૂરની સ્થિતિ સર્જાયેલી હતી. શપથ ગ્રહણ પહેલા અને શપથ ગ્રહણ બાદ મુખ્યમંત્રીએ જામનગર કલેકટર સાથે સંપર્કમાં રહી સ્થિતિની સમીક્ષા કરી હતી.

આજે વાતાવરણ ચોખ્ખુ થતા જ મુખ્યમંત્રી પોતાના પ્રથમ પ્રવાસે જામનગરના પૂરગ્રસ્ત વિસ્તારમાં પહોંચ્યા હતા. તેઓની સાથે જામનગરના સાંસદ પૂનમબહેન માડમ, ધારાસભ્ય રાઘવજી પટેલ, રાજ્યકક્ષાના મંત્રી હકુભા જાડેજા સહિત ભાજપના આગેવાનો જોડાયા હતા.સોમવારે આવેલા પૂરના કારણે ધુંવાવ ગામમાં ભારે ખાનાખરાબી સર્જાઈ હતી. ગામના 50 ટકા વિસ્તારમાં પાણી ઘૂસી ગયું હોવાના કારણે લોકોની જીવન જરુરિયાતની ચીજવસ્તુઓ બગડી હતી અથવા તો પાણીમાં તણાઈ હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જામનગર આવ્યા બાદ આજે સીધા જ ધુંવાવ ગામની મુલાકાતે પહોંચ્યા હતા. અહીંની પૂરના કારણે થયેલા નુકસાનની સ્થિતિની સમીક્ષા કરી હતી.સોમવારે ધુંવાવ ગામમાં પૂર આવ્યું હોવાના કારણે ઠેર ઠેર કાદવ કીચડનું સામ્રાજય છે. ત્યારે ધુંવાવ ગામમાં આવેલા મુખ્યમંત્રી પગે ચાલીને જ લોકોને સાંભળવા માટે પહોંચ્યા હતા. અહીં લોકોના મુખે જ લોકોની આપવીતી સાંભળી હતી. લોકોને સાંભળ્યા બાદ મુખ્યમત્રી દ્વારા સરકાર તરફથી તમામ બનતી મદદ કરવાની ખાતરી આપવામા આવી હતી.