શુક્રવાર, 3 જાન્યુઆરી 2025
  1. ગુજરાતી સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી સમાચાર
Written By
Last Modified: શુક્રવાર, 17 મે 2024 (12:13 IST)

રિવરફ્રન્ટ ખાતે ચાલતી વોટર સ્પોર્ટ્સ એક્ટિવિટી અને બોટિંગ 3 મહિનાથી બંધ

Water sports activities and boating at riverfront closed for 3 months
Water sports activities and boating at riverfront closed for 3 months
અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ખાતે ત્રણ મહિના બાદ પણ વોટર સ્પોર્ટ્સ એક્ટિવિટી શરૂ કરવામાં આવી નથી. હાલમાં વેકેશનનો સમય ચાલી રહ્યો છે. સાબરમતી રિવરફ્રન્ટ પર વોટર સ્પોર્ટ્સ એક્ટિવિટી માણવા માટે અનેક લોકો તત્પર હોય છે, પરંતુ હાલમાં રિવરફ્રન્ટ પર બોટિંગ બંધ રહેવાના કારણે લોકો બોટિંગ અને વોટર સ્પોટ એક્ટિવિટીની મજા માણી શકતા નથી. પોલીસ તરફથી લાયસન્સ ન મળવાના કારણે આ એક્ટિવિટી શરૂ થઈ શકી નથી.

સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશનના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર અને ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર આઈ.કે. પટેલે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, સાબરમતી રિવરફ્રન્ટ પર વોટર સ્પોર્ટ્સ અને બોટિંગ એક્ટિવિટી ચાલુ કરવા માટે એજન્સી પાસે રાજ્ય સરકારની નવી ગાઈડલાઈન પ્રમાણેના MOU અને તમામ પ્રકારના લાયસન્સની પ્રક્રિયા પૂર્ણ કરી દેવામાં આવી છે. બિલ્ડીંગ અને અન્ય એજન્સીઓના લાયસન્સ પણ મેળવી લેવામાં આવ્યા છે, પરંતુ પોલીસ કમિશનર તરફથી હજી સુધી લાયસન્સ આપવામાં આવ્યું નથી. વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, સાબરમતી રિવરફ્રન્ટ પર ચાલતી વોટર સ્પોર્ટ્સ અને બોટિંગ એક્ટિવિટી શરૂ કરવા માટે પોલીસને 15 દિવસ પહેલા પત્ર લખી જાણ કરવામાં આવી હતી. પોલીસ તરફથી પરમિશન ઝડપી મળે તેના માટે જાણ કરવામાં આવી છે, પરંતુ પોલીસ પરમિશન ન મળવાના કારણે આ એક્ટિવિટી ચાલુ થઈ શકતી નથી.

આ ઉપરાંત રાજ્ય સરકારમાં પણ આ બાબતે અમે જાણ કરી છે. કારણ કે વેકેશનનો સમયગાળો હોવાથી અત્યારે લોકો વધારે રિવરફ્રન્ટ પર આવતા હોય છે. ત્યારે જો વોટર સ્પોર્ટ અને બોટિંગ એક્ટિવિટી બંધ રહે તો લોકો તેની મજા માણી શકશે નહીં.સાબરમતી રિવરફ્રન્ટ પર વલ્લભ સદન પાસે એટલાન્ટા વર્લ્ડ નામની કંપનીને વોટર સ્પોર્ટ્સ અને બોટિંગ એક્ટિવિટી માટેનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે. હાલમાં એટલાન્ટા વર્લ્ડની ઓફિસ બંધ છે અને તમામ બોટો રિવરફ્રન્ટના વોકવે ઉપર લાવીને મૂકી દેવામાં આવી છે. સાંજના સમયે જ્યાં મ્યુઝિક અને બોટિંગ એક્ટિવિટી જોવા મળતી હતી તે હવે જોવા મળતી નથી. લોકો માત્ર બોટિંગ સ્થળ ઉપર આવીને પરત જતા રહે છે. સાબરમતી રિવરફ્રન્ટ પર સરદાર બ્રિજ નજીક કાયા કિંગ નામની પણ વોટર સ્પોર્ટ્સ એક્ટિવિટી ચાલતી હતી. જે એક્ટિવિટી હાલમાં બંધ છે.