1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 17 જાન્યુઆરી 2020 (12:26 IST)

હવામાન વિભાગની કોલ્ડવેવની આગાહીઃ પવન અને ભેજનું પ્રમાણ વધતાં ઉત્તર ગુજરાતમાં ઠંડી વધી

weather updates
ઉત્તર પૂર્વના ઠંડા પવનો સાથે ભેજનું પ્રમાણ વધતાં અચાનક કોલ્ડ વેવ જેવી સ્થિતિ સર્જાતાં ઉત્તર ગુજરાત ઠુંઠવાયુ હતું. ગુરુવારે ઉત્તર ગુજરાતમાં દિવસનું 20.2 ડિગ્રી તાપમાન સાથે 3.2 ડિગ્રી પારો અને રાત્રિનું 9.4 ડિગ્રી સાથે 0.4 ડિગ્રી પારો ઘટતાં હાડ થીજવતી ઠંડીના કારણે જનજીવન પ્રભાવિત બન્યું હતું. ઉત્તર ભારતમાં થયેલી હિમવર્ષાના પગલે ઉત્તર પૂર્વિય પવનો ફૂંકાતા અચાનક કોલ્ડ વેવની સ્થિતિ સર્જાઇ હતી. ઉત્તર ગુજરાતમાં ગુરુવારે અચાનક પવનની ગતિ પ્રતિકલાકે 9 કિમી રહી હતી અને ભેજનું પ્રમાણ 78 ટકા રહેતાં દિવસ અને રાત્રિનો પારો ગગડયો હતો. ગુરુવારે સવારે 8.30 કલાકે તાપમાન 10.6 ડિગ્રી રહ્યું હતુ. જ્યારે 11.30 કલાકે 17.6 ડિગ્રી જ્યારે બપોરે 2.30 કલાકે 20.2 ડિગ્રી જ્યારે સાંજે 5.30 કલાકે 18.8 ડિગ્રી તાપમાન નોંધાયુ હતું. ડીસામાં દિવસનું 3.2 ડિગ્રી તથા રાત્રે 0.4 ડિગ્રી પારો ઘટતાં જનજીવન પ્રભાવિત બન્યું હતું. હાડ થીજવતી ઠંડીના કારણે બાળકોએ શાળાએ જવાનું પણ ટાળ્યું હતું. જ્યારે ઉત્તર ગુજરાતવાસીઓએ ગરમ કપડાં સાથે તાપણાનો સહારો લેવાની ફરજ પડી હતી. હવામાન વિભાગે જણાવ્યું કે 24 કલાક બાદ ઉત્તર ગુજરાતમાં કોલ્ડ વેવની સ્થિતિ સર્જાય તો નવાઈ નહી.ઠંડીથી ઉત્તરગુજરાતનું જનજીવન પ્રભાવિત બન્યુ હતુ. ઉત્તર પૂર્વિય પવનો ફૂંકાય છે. તેની સીધી અસર ઉત્તર ગુજરાત પર થાય છે અને ઠંડીની અસર વધારે લાગે છે. બીજી તરફ બનાસકાંઠા રણ વિસ્તાર તરફ આવેલ હોવાથી માટી જલ્દી ઠંડી થઇ જાય છે. પરિણામે ઠંડીનુ પ્રમાણ પણ વધી જાય છે.હવામાન વિભાગ દ્વારા જણાવાયું હતુ.