શુક્રવાર, 29 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 19 ઑક્ટોબર 2021 (17:28 IST)

અમદાવાદમાં બીમાર પત્ની પથારીએ તરફડિયાં મારતી હતી, એમ છતાં પતિ શારીરિક સંબંધ બાંધવા જબરદસ્તી કરતો

અમદાવાદના પોશ વિસ્તારમાં રહેતી પરિણીતાને બે બાળક સાથે પતિ અને સાસરિયાંએ હાથ પકડીને ઘરની બહાર કાઢી મૂકી હોવાની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાઈ છે. આ પરિણીતા સાથે બે બાળકને લઈને મિત્રના ઘરે જવાની ફરજ પડી. એટલું જ નહીં, પરિણીતાએ જ્યારે પોલીસને કહ્યું હતું કે તે બીમારીમાં પથારીમાં તરફડિયાં મારતી હતી ત્યારે પતિ શારીરિક સંબંધો માટે મજબૂર કરતો હતો, જે સાંભળીને પોલીસ ચોંકી ઊઠી છે.

હાલ મહિલા વેસ્ટ પોલીસ સ્ટેશનમાં આ પરિણીતાએ ફરિયાદ નોંધાવતાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. શહેરના પોશ વિસ્તારના વૈભવી એપાર્ટમેન્ટમાં રહેતી 35 વર્ષીય આશા (નામ બદલ્યું છે)ના લગ્ન 2007માં થયા હતા. હાલ આશા બે સંતાન સાથે રહે છે. લગ્ન બાદ આશા તેના શાહીબાગ ખાતે સાસરે રહેવા ગઈ હતી. એ દરમિયાન તે તેનાં સગાં-સંબંધીઓ સાથે વાત કરે તો તેનો પતિ શંકા વહેમ રાખી ઝઘડા કરી તેને માર મારતો હતો. આશા આ બાબતની ફરિયાદ તેનાં સાસુ-સસરાને કરે તો તે લોકો નિશાના પતિનો પક્ષ લેતાં અને બાદમાં આશા સંસાર બચાવવા આ ત્રાસ સહન કરતી હતી. 2010 અને 2013માં આશાએ બાળકોને જન્મ આપ્યો હતો. ત્યારે તેના પતિએ બાળકોની સોનોગ્રાફી કરવાનું કહેતાં આશાએ મનાઈ કરી હતી. બાદમાં આશાને કામ કરવામાં તકલીફ પડે અને સાસુને મદદ કરવાનું કહે તો તેને મદદ ન કરતાં અને ગાળો બોલી મારઝૂડ કરતાં હતાં, જેની ફરિયાદ આશાએ તેના પતિને કરી તો પતિ અને સાસુએ ભેગા મળી આશાને માર માર્યો હતો.

આશાની તબિયત સારી ન હોય ત્યારે પણ તેનો પતિ તેને શારીરિક સંબંધ કરવા દબાણ કરતો હતો અને ઘરસંસાર ન બગડે એ માટે આશા આ બધું સહન કરતી હતી. વર્ષ 2019માં આશાના પતિએ તેની સાથે ઝઘડો કરતાં તેણે તેનાં સાસુ-સસરાને કહેતાં તેને બાળકો સાથે પહેરેલાં કપડે કાઢી મૂકી હતી, જેથી આશા તેની બહેનપણીના ભાઈના ઘરે ગઈ અને ત્યાં તેનાં પિયરજનો આવી તેને લઈ ગયાં હતાં. વર્ષ 2020માં નિશાના પતિએ તેની જાણબહાર ફેમિલી કોર્ટમાં કેસ કરતાં કોર્ટે બાળકોને રવિવારે મળવાની મંજુરી આપી હતી. એક દિવસ આશાનો પતિ બાળકોને મળવા આવ્યો અને બાદમાં બાળકોને લઈ ગયો હતો. રાત સુધી બાળકોને ન મૂકી જતાં આશા ગભરાઈ અને તેના કાકાજીને ફોન કર્યો હતો. બીજા દિવસે બાળકોને મૂકી જઇ આશાના પતિએ આજે પણ નહીં અને કાલે પણ નહીં મૂકી જઈશ એવી ધમકી આપતાં આખરે આશાએ આ બાબતથી કંટાળી પોલીસ ફરિયાદ કરતાં પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.