શુક્રવાર, 10 જાન્યુઆરી 2025
  1. ધર્મ
  2. તહેવારો
  3. શ્રાવણ મહિનો
Written By
Last Modified: મંગળવાર, 30 ઑગસ્ટ 2022 (12:21 IST)

અહીં કુદરતી સૌંદર્યના સાંનિધ્યમાં બિરાજમાન છે સ્વયંભૂ શ્રી વિરાટેશ્વર મહાદેવ

પ્રવાસન સ્થળ તરીકે વિકસીત થઈ રહ્યું છે શ્રી વિરાટેશ્વર મહાદેવનું મંદિર:  શિવલીંગની ઉંચાઈ 7 ફૂટ અને પહોંળાઈ 14 ફૂટ
 
ગોહીલવાડના પ્રવેશદ્વાર સમું બોટાદ શહેર એટલે સંતો અને શુરાની ભૂમિ. ત્યારે બોટાદ શહેરના સાળંગપુર રોડ પર સ્થિત ખાણ વિસ્તારમાં લોકોની આસ્થાનું સ્થળ એવું વિરાટેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે. 6 દાયકાથી પણ વધુ સમયથી લોકોની શ્રધ્ધા સાથે જોડાયેલા શ્રી વિરાટેશ્વર મહાદેવ કુદરતી સૌંદર્યના સાંનિધ્યમાં બિરાજમાન છે. વિશાળ અને સંખ્યાબંધ વૃક્ષો, પક્ષીઓનો કલરવ અને પવિત્ર વાતાવરણથી અહીં આવતા શ્રદ્ધાળુઓને અલૌકિક અનુભૂતિ થાય છે. 
 
શ્રી વિરાટેશ્વર મહાદેવની ઉત્પત્તિ પાછળ પણ એક કથા છે. લોકવાયકા મુજબ આશરે 61 વર્ષ પહેલા બોટાદ શહેરમાં શિક્ષક તરીકે કાર્યરત સ્વ. શ્રી પ્રેમશંકરભાઈ દવે જ્યોતિષાચાર્ય પરમ શિવ ઉપાસક હતા. એક દિવસ તેમને ભગવાન ભોળાનાથે સ્વપ્નમાં આવી સાળંગપુર રોડ ઉપર ખાણનાં વિસ્તાર પર ખોદકામ કરવા જણાવ્યું. 
 
પ્રેમશંકરભાઈએ તેમના આ સ્વપ્નની વાત ગામના પ્રબુધ્ધ નાગરીકોને તથા ધર્મપ્રેમી જનતાને કરતાં લોકોએ ત્યાં ખોદકામ કર્યુ અને તે જગ્યાએ એક વિરાટ શિવલીંગ સ્વરૂપે ભગવાન ભોળાનાથ પ્રગટ થયા. આ શિવલીંગની ઉંચાઈ 7 ફૂટ અને પહોળાઈ 14 ફૂટ હતી. આવા વિરાટ સ્વરૂપે શિવલીંગના દર્શન થતાં પ્રેમશંકરભાઈ ત્યાં સાફ સફાઈ કરીને વિરાટેશ્વર ભગવાનની સ્થાપના કરીને સેવા પૂજા કરવા લાગ્યા હતાં.ગામના આગેવાનોઓએ શ્રી વિરાટેશ્વર મહાદેવજી ટ્રસ્ટની સ્થાપના કરી અને અહીં આવતા સેવકોનું સંગઠન બનાવ્યું છે. 
 
આ શિખરબંધ ભવ્ય મંદિર બોટાદ શહેરમાં પ્રવાસન સ્થળ તરીકે આકાર પામી રહ્યું છે. તેમજ લોકોની આસ્થાનું કેન્દ્ર બની રહ્યું છે. અહીં આવતા લોકોને મંદિરનાં દિવ્ય વાતાવરણમાં શાંતિની અનુભૂતિ થાય છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ શ્રાવણ માસ દરમિયાન મોટી સંખ્યામાં શ્રધ્ધાળુઓએ મહાદેવજીના દર્શન કરી ધન્યતાનો અનુભવ કર્યો હતો.