શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. રમત
  3. રમત સમાચાર
Written By
Last Modified: શનિવાર, 15 નવેમ્બર 2014 (17:25 IST)

ગડબડ-ગોટાળા જેને જ્યાં પણ કરવા છે તેને કોઇ રોકી શકતુ નથી

રાજયકક્ષાની તરણ સ્પર્ધામાં સામાન્ય રીતે એક હજારથી ૧૨૦૦ સ્પર્ધકો ભાગ લેતા હોય છે, પરંતુ આ વખતે ૩૮,૦૦૦ એન્ટ્રી આવી છે. તેના લીધે રમત ગમત વિભાગના અધિકારીઓના હોશકોશ ઉડી ગયા છે. અને ખરેખર કેટલા સ્પર્ધકો ભાગ લેશે એ વિશે મુંઝવણમાં મૂકાઈ ગયા છે.

ખેલમહાકુંભ અંતર્ગત રાજયકક્ષાની ભાઈઓની સ્પર્ધા રાજકોટ અને બહેનોની સ્પર્ધા સુરતમાં યોજાવાની છે. સામાન્ય રીતે બંને સ્પર્ધામાં એક - એક હજાર જેટલી એન્ટ્રી હોય છે. છેલ્લા બે વર્ષથી રાજયકક્ષાની સ્પર્ધા માટેની એન્ટ્રી ઓનલાઈન સ્વીકારવામાં આવે છે. પરંતુ ખેલ મહાકુંભનું આયોજન કરતા રાજયકક્ષાના અધિકારીઓએ આ વખતે બહુ મોટો ભગો વાળ્યો છે. તરણ સ્પર્ધામાં કુલ ૧૭ કેટેગરી છે. સામાન્ય રીતે એવું હોય છે કે, જિલ્લા કક્ષાએ વિજેતા બનતા સ્પર્ધકો જ રાજયકક્ષાએ રમવા જતા હોય છે, પરંતુ રાજયકક્ષાના અધિકારીઓએ આ વખતે નિયમમાં છૂટછાટ કરી છે. ૧૭માંથી ૧૧ કેટગરી ઓપન કરી નાખવામાં આવી છે. મતલબ ૧૧ કેટેગરી એવી છે કે જેમાં ભાગ લેવા માટે જિલ્લા કક્ષાએ વિજેતા બનવું જરૃરી નથી. તમે સીધેસીધા સ્ટેટ લેવલની સ્વિમિંગ સ્પર્ધામાં ભાગ લઈ શકો છો અને જો વિજેતા ન બનો તો પણ રાજય લેવલે ભાગ લેવાનું ગૌરવ તો મળે જ છે.
આવી છૂટછાટને જિલ્લા લેવલે વિજેતા થયેલા ખેલાડીઓને અન્યાય થયો ગણાય. રાજયકક્ષાની તરણ સ્પર્ધામાં ભાગ લેવા માટેના દરવાજા ખોલી નાખવામાં આળ્યા હોવાથી એક બે હજારને બદલે ૩૮૦૦૦ એન્ટ્રી આવી હોવાનું માનવામાં આવે છે.
૨૦૦૯ અને ૨૦૧૩માં રાજકોટમાં સરદાર વલ્લભભાઈ પટેલ સ્નાનાગૃહમાં માસ્ટર્સ નેશનલ કોમ્પીટીશન યોજાઈ હતી ત્યારે બે દિવસમાં એક હજાર સ્પર્ધકોએ ભાગ લીધો હતો. પુરુષની રાજયકક્ષાની તરણ સ્પર્ધા અહીં યોજાવાની છે. અને તેમાં ૧૩૦૦૦ એન્ટ્રીઓ આવી છે ત્યારે જો ખરેખર આટલા સ્પર્ધકો ભાગ લેવા આવે તો આ સ્પર્ધા પૂરી કરવામાં બે દિવસ નહીં પરંતુ ૩૦થી ૩૫ દિવસ લાગે બહેનોની સ્પર્ધા સુરતમાં યોજાવાની છે. અને તેના માટે ૨૫૦૦૦ એન્ટ્રી આવી છે.

સરકાર ફોર્મ ભરવા માટે ખાનગી કંપનીને ફોર્મ દીઠ રૃા ૨૦ કે ૨૫ લેખે કોન્ટ્રાકટ આપતી હોય છે. ભૂતકાળમાં વધુ એન્ટ્રીઓ આવે એ માટે કલેકટરે શાળાઓને એન્ટ્રી દીઠ રૃા પાંચ આપવાની જાહેરાત કરી હતી. આથી શાળાઓએ અથવા ખાનગી કંપનીઓએ પૈસાની લાલચે મોટાપાયે ફોર્મ ભરવાનું કૌભાંડ આચર્યું હોવાની પણ આશંકા નકારી ન શકાય. રાજયકક્ષાએ સૌ પ્રથમ તો તરણ સ્પર્ધામાં કોઈપણ વ્યક્તિ ડાયરેકટ રાજયકક્ષાએ ભાગલઈ શકે એવો નિયમ બનાવનારા અધિકારી સામે કડક પગલાં લેવા જોઈએ. આ ઉપરાંત ખાનગી કંપનીએ કે શાળાઓએ પૈસા માટે આ કૌભાંડ આચર્યું છે કે કેમ એ અંગે તાત્કાલીક તપાસ કરવી જોઈએ.

જો ખરેખર આટલી મોટી સંખ્યામાં સ્પર્ધકો ભાગ લેવામાં આવે તો સ્પર્ધા પૂરી કરવામાં એકથી દોઢ મહિનો લાગે. આવું પ્રેકટીકલ રીતે સંભવ છે ખરા?