1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. વાઇબ્રન્ટ ગુજરાત 2015
Written By
Last Modified: સોમવાર, 5 જાન્યુઆરી 2015 (14:23 IST)

મુંબઈના બદલે સીધું સુરતથી ડાયમંડનું ટ્રેડિંગ શરૂ થાય એવી આશા

સુરતમાં ડાયમંડ બુર્સ બને અને મુંબઈના બદલે સીધું સુરતથી ડાયમંડનું ટ્રેડિંગ શરૂ થાય તેવી સુરતના ડાયમંડના વેપારીઓની મહેચ્છા ઉપર સરકારી મંજૂરીની મ્હોર દેશના હીરા ઉદ્યોગને નવી ચમક અપાવશે એવી આશા આ ઉદ્યોગ સાથે સંકળાયેલા મોટાગજાના ખેલાડીઓથી માંડીને નાન હીરાઘસુઓ સેવી રહ્યાં છે.

જાણકાર સાધનોએ કહ્યું હતું કે, સરકારના ઉચ્ચાધિકારીઓએ આ અંગેની નોટ તૈયાર કરી દીધી છે. સુરત ડાયમંડ બુર્સને રાજ્ય સરકારની મંજૂરી મળ્યા બાદ સરકાર તરફથી તાકીદના ધોરણે સ્પેશ્યલ પર્પઝ વ્હીકલ કંપનીની સ્થાપના કરવામાં આવશે.

સુરતમાં ગિફ્ટ સિટીની સાથે મેળ બેસે એ રીતે આશરે ૭૦૦ એકર જમીનમાં રૂપિયા ૧.૨૫ લાખ કરોડના ખર્ચે પાંચ માળના ૨૫ ટાવર ઊભા કરવામાં આવશે. વાઈબ્રન્ટ ગુજરાત સમિટમાં સુરત ડાયમંડ બુર્સ બનાવવા માટે રચાનારી બોડી (સમિતિ) દ્વારા ૧૧મી,જાન્યુઆરીએ ’ઈરાદા પત્ર’ ઉપર સહી કરવામાં આવશે.

અગ્રણી ડાયમંડ જ્વેલરે કહ્યું હતું કે, ડાયમંડ બુર્સ બનવાથી સુરતમાં નવી ડાયમંડ સિટી આકાર પામશે. સુરતમાં ડાયમંડ પોલિશિંગનું સૌથી મોટું અને મહત્ત્વનું માર્કેટ છે પણ તેના વેચાણ માટે તેમને અત્યારના તબક્કે મુંબઈ સ્થિત ભારત ડાયમંડ બુર્સ પર આધાર રાખવો પડે છે.

આ માટે તેમને કરોડો રૂપિયાના હીરા આંગડિયા મારફત મોકલવા પડે છે. આ પદ્ધતિ જોખમી હોવા છતાં અત્યારે સુરતથી આશરે એક લાખ કરોડ રૂપિયાનું ટર્નઓવર થાય છે.

હવે સુરતના ડાયમંડના વેપારીઓએ સુરતમાં જ ડાયમંડનું ટ્રેડિંગ થાય તેવી વ્યવસ્થા ઊભી કરવાનું નક્કી કરીને ગુજરાત સરકાર સાથે સતત બેઠકો યોજી હતી. એક તબક્કે આવું સેન્ટર ગાંધીનગર ગિફ્ટ સિટી ખાતે બનાવવાનું પણ નક્કી કરાયું હતું પરંતુ, આ ડાયમંડ બુર્સ સુરતમાં જ બને તેવી વેપારીઓની લાગણીના અનુસંધાને ગુજરાત સરકારે પણ આ માંગણી સ્વીકારી લીધી છે.

હવે વાઈબ્રન્ટ સમિટમાં પણ આ અંગે ઈરાદા પત્ર ઉપર સહી કરી દેવાશે. ગુજરાત સરકાર આ માટે આવશ્યક એવી જમીન બજાર ભાવે પૂરી પાડશે. આ ઉપરાંત આ બુર્સને ભારત સરકાર દ્વારા મળવાપત્ર તમામ સહાય અને રાહતો પણ પૂરી પડાય તે માટે ગુજરાત સરકાર મધ્યસ્થીની ભૂમિકા ભજવશે.

સુરતમાં અત્યારે ડાયમંડનું પોલિશિંગ કરાતું હોવા છતાં તેમને કાચા હીરા તો દુબઈ કે અન્ય કોઈ મધ્યસ્થી દેશ મારફત સુરત લાવવા પડે છે. તેના કારણ તેમનો ખર્ચ પણ વધી જાય છે.

હવે આ બુર્સ બની ગયા બાદ મુંબઈના બદલે સુરતમાં જ ટ્રેડિંગ સેન્ટર પણ શરૂ થશે તો રશિયા સહિતના અન્ય દેશોમાંથી કાચા હીરા પણ સીધેસીધા મેળવી શકાશે. સુરતને સીધા રફ ડાયમંડ મળતા થવાથી તેની પડતર કિંમતમાં પણ ખાસ્સો ઘટાડો થશે. આ ઉપરાંત ડાયમંડ બુર્સથી એક લાખ નવી રોજગારી સર્જાશે. સુરતમાં ડુમસ પાસે આશરે ૭૦૦ એકર જમીનમાં સુરત ડાયમંડ બુર્સ બનશે. ગિફ્ટ સિટીની તર્જ પર બનનારા આ બુર્સમાં પાંચ માળના ૨૫ ટાવર બનશે, જેમાં આશરે ૩૦૦૦ જેટલી ઓફિસો બનશે. તેમાં રફ હીરાનું પોલીશિંગથી લઈ તેના ટ્રેડીંગનું કામ શરૂ થતાં આશરે એક લાખ જેટલી નવી રોજગારીનું નિર્માણ થવાની શક્યતા છે.