1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. વાઇબ્રન્ટ ગુજરાત 2015
Written By
Last Updated : મંગળવાર, 6 જાન્યુઆરી 2015 (18:15 IST)

૭મી જાન્યુઆરીથી પ્રવાસી ભારતીય દિન સમારોહ (જુઓ ફોટા)

રાજયના પાટનગર ગાંધીનગરમાં આગામી તા.૭મી જાન્યુઆરીથી પ્રવાસી ભારતીય દિન સમારોહ અને તા.૧૧મીથી સાતમી વાયબ્રન્ટ સમિટમાં દેશ-વિદેશના અનેક મહાનુભાવો, ઉદ્યોગજગતના માંધાતાઓ ઉપસ્થિત રહેવાના હોવાથી તેમના માટે અમદાવાદની પંચતારક હોટલોમાં ઉતારાની વ્યવસ્થા કરવામાં આવી છે.

તેમજ ૧૫૦૦ જેટલી કાર અને ૫૦ લકઝરી બસો પણ ખાનગી ઓપરેટરો પાસેથી સેવામાં લેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે રાજયના પાટનગર ગાંધીનગરના મહાત્મા મંદિરમાં પ્રવાસી ભારતીય દિન ત્યાર બાદ સાતમી વાયબ્રન્ટ સમિટ યોજાશે. આ માટે છેલ્લા એક મહિનાથી તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. આ બન્ને સમારોહમાં દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી તથા ઉપરાષ્ટ્રપતિ સહિતના મહાનુભાવો અને વિદેશી પ્રતિનિધિમંડળો, ઉદ્યોગપતિઓ ઉપસ્થિત રહેવાના હોવાથી તેમના ઉતારા માટે અમદાવાદ અને ગાંધીનગરની થ્રી સ્ટારથી લઈને ફાઈવ સ્ટાર હોટલોના તમામ રૂમો બુક કરી લેવામાં આવ્યા છે.


સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, ગાંધીનગરના મહાત્મા મંદિરમાં યોજાનારા પ્રવાસી ભારતીય દિન તેમજ વાયબ્રન્ટ સમિટને એક આગવી ઓળખ આપવા રાજય સરકારે મોટાભાગની તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે. આ સમારોહમાં મલ્ટિનેશનલ કંપનીઓના પ્રતિનિધિઓ, વિદેશી મહેમાનો તથા દેશના જુદા-જુદા રાજયોના મુખ્યપ્રધાનો પણ ભાગ લેવા માટે આવવાના છે.



આ મહેમાનોને હોટલથી લઈને વાહનવ્યવસ્થાની જવાબદારી રાજય સરકારે ઈન્ડેત્ર-બીને સોંપી છે. એક ટ્રાવેલ્સ ઓપરેટરના જણાવ્યા પ્રમાણે વિદેશી મહેમાનોને અમદાવાદ એરપોર્ટથી હોટલ અને ત્યાંથી મહાત્મા મંદિર સુધી લાવવા-લઈ જવા માટે ૧૫૦૦ કાર બુક કરાવવામાં આવી છે. જેમાં ઓડી, બીએમડબલ્યુ, હોન્ડા, ફોર્ડ વગેરેનો સમાવેશ થાય છે.