શુક્રવાર, 29 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. બીબીસી ગુજરાતી સમાચાર
Written By
Last Modified: રવિવાર, 21 એપ્રિલ 2019 (07:38 IST)

નરેન્દ્ર મોદી હોય કે સોનિયા ગાંધી ચૂંટણીમાં તેમના વિશે કેવા ફેક ન્યૂઝ ફેલાયા?

રિયાલિટી ચેક ટીમ
બીબીસી ન્યૂઝ
વિશ્વની સૌથી મોટી લોકશાહી ધરાવતા ભારતમાં હાલ લોકસભાની ચૂંટણી ચાલી રહી છે.
ભારતના લોકો નિર્ણય લઈ રહ્યા છે કે આગામી પાંચ વર્ષ સુધી દેશનું શાસન કોના હાથમાં હશે.
જોકે, સાત તબક્કામાં થનારા મતદાનની વચ્ચે અનેક પ્રકારના ભ્રામક અને ખોટા સમાચાર ફેલાવવાનો પણ પ્રયાસ થઈ રહ્યો છે.
દેશની આ સામાન્ય ચૂંટણીમાં એક-એક મતનું મહત્ત્વ હોય છે ત્યારે ખોટી સૂચનાના આધારે મતદારોમાં ભ્રમણા ફેલાય તેની શક્યતા વધી જાય છે.
એજ કારણે ઘણી ફૅક્ટ ચેક કરતી સંસ્થાઓ અને સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ પર આવા ફેક ન્યૂઝની તપાસ કરવામાં આવી રહી છે.
આ ચૂંટણી અભિયાન દરમિયાન આવી જ કેટલીક ખોટી અને ભ્રામક સૂચનાઓનું જાણે પૂર આવી ગયું છે. આવો જોઈએ હાલ ફેલાયેલા એવા જ કેટલાક ભ્રામક સમાચાર.
સોનિયા ગાંધી અને મહારાણીની સંપત્તિ
એક સમાચાર છેલ્લા કેટલાક દિવસોથી સોશિયલ મીડિયા પર ફેલાઈ રહ્યા છે, જેમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે ભારતના મુખ્ય વિપક્ષ કૉંગ્રેસ પાર્ટીનાં નેતા અને ઇટલીમાં જન્મેલાં સોનિયા ગાંધી બ્રિટનનાં મહારાણી કરતાં પણ પૈસાદાર છે.
આ એક ખોટા સમાચાર છે. જેનું ખંડન છ વર્ષ પહેલાં થઈ ચૂક્યું હતું.
ભારત જેવો દેશ જ્યાં આવકમાં અસમાનતા એક મોટો મુદ્દો છે, ત્યાં કોઈ પણ મોટી સેલેબ્રિટી કે નેતા વિશે એ કહેવું કે તેમની પાસે અઢળક ખાનગી સંપત્તિ છે, તે નેતાની છબીને ભારે નુકસાન પહોંચી શકે છે.
સોનિયા ગાંધીની સંપત્તિ સાથે જોડાયેલા આવા સમાચાર વર્ષ 2012માં પ્રકાશિત થયા હતા.
વર્ષ 2013માં હફિંગ્ટન પોસ્ટે સમગ્ર દુનિયાના સૌથી ધનવાન લોકોની યાદી પ્રકાશિત કરી હતી જેમાં તેમણે સોનિયા ગાંધીનું નામ પણ સામેલ કર્યું હતું. જોકે, ત્યારબાદ જ્યારે સોનિયા ગાંધીએ પોતાનું નામ આ યાદીમાં સામેલ કરવા પર સવાલ ઉઠાવ્યા તો હફિંગ્ટન પોસ્ટે તેમનું નામ હટાવી દીધું હતું.
ગત લોકસભા ચૂંટણી એટલે કે વર્ષ 2014માં સોનિયા ગાંધીએ પોતાની કુલ સંપત્તિ 9 કરોડ રૂપિયા દર્શાવી હતી. જ્યારે બ્રિટનનાં મહારાણીની સંપત્તિ તેનાં કરતાં ઘણી વધારે છે.
આ મામલો ભલે પાંચ-છ વર્ષ જૂનો હોય પરંતુ આ વર્ષે યોજાઈ રહેલી લોકસભા ચૂંટણીમાં પણ તેને ઉઠાવવામાં આવી રહ્યો છે.
આ મામલો સત્તાધારી પક્ષ ભાજપના એક પ્રવક્તાએ ઉઠાવ્યો છે.
એટલું જ નહીં, ઘણા સમાચાર અને પોસ્ટમાં સોનિયા ગાંધીને તેમનાં રંગ-રૂપ અને ઉંમરથી વધારે સુંદર દેખાડવા પર પણ સવાલ ઉઠ્યા છે.
નકલી તસવીરોને સોનિયા ગાંધીના નામે શૅર કરવામાં આવી રહી છે. જોકે, ખરેખર આ તસવીરો હોલીવૂડનાં પ્રખ્યાત અભિનેત્રીની હતી.
 
નરેન્દ્ર મોદીના સ્કૂલના દિવસો
એક સમાચાર જે છેલ્લા કેટલાંક દિવસો દરમિયાન સોશિયલ મીડિયા પર ખૂબ ફેલાયા તે ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીની શૈક્ષણિક યોગ્યતા સાથે જોડાયેલા છે.
ગુજરાત સાથે સંબંધ ધરાવતા નરેન્દ્ર મોદી એક ચા વેચતી વ્યક્તિના દીકરા હતા. તેમણે પોતાની ચાવાળાની છબીનો છેલ્લી ઘણી ચૂંટણીઓમાં ઉલ્લેખ કર્યો છે.
તેમણે પોતાની શૈક્ષમિક યોગ્યતામાં પોતાને પોસ્ટ ગ્રૅજ્યુએટ ગણાવ્યા છે.
આ વચ્ચે એક વીડિયો સોશિયલ મીડિયા પર ફેલાવવામાં આવી રહ્યો છે કે જેમાં નરેન્દ્ર મોદીને એવું કહેતા સાંભળી શકો છો કે તેમણે હાઈસ્કૂલ (ધોરણ 10)થી આગળ શિક્ષણ મેળવ્યું નથી. આ વીડિયોને કૉંગ્રેસ પાર્ટીના સમર્થકો ખૂબ શૅર કરી રહ્યા છે.
ખરેખર આ વીડિયો ખૂબ જૂનો છે અને શૅર કરવામાં આવી રહેલા વીડિયોને અસલી વીડિયોનો એક નાનો અંશ દર્શાવવામાં આવી રહ્યો છે.
આ જ વીડિયોમાં નરેન્દ્ર મોદી આગળ બોલે છે કે તેમણે પોતાનું ઉચ્ચશિક્ષણ ડિસ્ટન્સ એજ્યુકેશનના માધ્યમથી પૂર્ણ કર્યું છે.
આ સત્યતા છતાં નરેન્દ્ર મોદીના શિક્ષણ સાથે જોડાયેલો વીડિયો ફેસબુક, ટ્વિટર અને યૂટ્યૂબ પર ઝડપથી વાઇરલ થઈ રહ્યો છે.
 
એ 'સર્વે' જે ક્યારેય થયો નથી
સોશિયલ મીડિયા પર ઘણા બોગસ સર્વે અને એવા ઍવૉર્ડ્સ વિશે જણાવવામાં આવે છે કે જે ખરેખર ક્યારેય હોતા જ નથી.
આવા જ ખોટા સમાચાર સંયુક્ત રાષ્ટ્રના સંગઠન યૂનેસ્કોના હવાલાથી ફેલાવવામાં આવી રહ્યા હતા કે યૂનેસ્કોએ નરેન્દ્ર મોદીને દુનિયાના સર્વશ્રેષ્ઠ વડા પ્રધાન ઘોષિત કર્યા છે.
આ સમાચાર સંપૂર્ણપણે ખોટા છે કેમ કે યૂનેસ્કો ક્યારેય કોઈને ઍવૉર્ડ આપતું નથી.
છતાં એ સમાચાર ચૂંટણીપ્રચાર દરમિયાન ખૂબ ફેલાવવામાં આવી રહ્યા છે.
આ જ રીતે બીબીસીના નામે ઘણા ખોટા સર્વે ફેલાવવામાં આવે છે જેમ કે બીબીસીના નામે એક સર્વેના આધારે જણાવવામાં આવ્યું કે કૉંગ્રેસ પાર્ટી દુનિયાની સૌથી ભ્રષ્ટ રાજકીય પાર્ટી ઘોષિત થઈ છે.
 
 
આ જ રીતે બીબીસીના નામે વધુ એક ખોટા સમાચાર ફેલાવવામાં આવી રહ્યા છે જેમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે બીબીસીએ ચૂંટણીમાં ભાજપની જીત દર્શાવી છે.
બીબીસીના જ નામે વધુ એક સમાચારમાં કૉંગ્રેસ ચૂંટણીમાં આગળ છે એવી વાત પણ ફેલાવવામાં આવી રહી છે.
બીબીસીએ આ પ્રકારના કોઈ સર્વે કરતી નથી અને બીબીસીના નામે ફરતા આવા સર્વે ખોટા છે.
નકલી આંગળીઓ
ચૂંટણી અભિયાન દરમિયાન મતદાન પ્રક્રિયા સાથે જોડાયેલી ઘણી ખોટી જાણકારીઓ પણ ફેલાવવામાં આવી રહી છે.
ભારતમાં મતદાન દરમિયાન મતદાતાની આંગળી પર બ્લૂ રંગની શાહી લગાવવામાં આવે છે. જેનાથી એ જાણી શકાય કે તમે મત આપી દીધો છે.
 
ચૂંટણી દરમિયાન એક ખોટા સમાચાર ફેલાવવામાં આવી રહ્યા છે કે જેમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે એક પ્રકારની નકલી આંગળીની મદદથી લોકો ફરી મત આપવામાં સફળ થઈ રહ્યા છે.
આ સમાચારમાં જણાવવામાં આવી રહ્યું છે કે પહેલી વખત મત આપતા સમયે નકલી આંગળી પર બ્લૂ શાહી લગાવવામાં આવી અને બીજી વખત મત આપવા માટે અસલી આંગળીનો ઉપયોગ કરવામાં આવ્યો.
 
ફેક ન્યૂઝ સામે કેવી રીતે લડવું?
ફેક ન્યૂઝનો સામનો કરવા માટે ઘણી સમાચાર સંસ્થાઓ અને સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ અલગ-અલગ પ્રકારના પગલાં ભરી રહ્યાં છે. તેમ છતાં આ એક મોટો પડકાર છે.
મેલબર્નની ડીકિન યુનિવર્સિટીમાં સોશિયલ મીડિયા અને ભારતીય રાજકારણનો અભ્યાસ કરનારાં પ્રોફેસર ઊષા રોડ્રિગ્ઝ કહે છે કે કોઈના ખાનગી મૅસેજ બૉક્સમાં કેવી સૂચનાઓ આવી રહી છે અને તે આગળ શૅર કરે છે કે નહીં તેના પર નિયંત્રણ મેળવવું ખૂબ મુશ્કેલ છે.
તેઓ કહે છે, "જે લોકો કોઈ ખાસ વિચારધારા કે ખબરના પ્રભાવમાં આવે છે, તેમને જો સાચા સમાચાર જણાવવામાં આવે તો પણ તેઓ માનતા નથી."
"તેનો જ ફાયદો ઉઠાવતા રાજકીય પક્ષોના આઈટી સેલ સતત ખોટી સૂચનાઓથી ભરપૂર સમાચાર ફેલાવતા રહે છે."
 
 
એક આંતરરાષ્ટ્રીય ફૅક્ટ ચેક નેટવર્ક સાથે કામ કરતાં કંચન કૌર જણાવે છે કે ખોટી જાણકારીઓ ધરાવતા સંદેશ એ ગ્રૂપ્સમાં ફેલાવવામાં આવે છે જ્યાં પહેલાંથી જ એ મામલે પૂર્વાગ્રહ બનેલો હોય.
આ પ્રકારના સંદેશ તેને વધારે મજબૂત કરી નાખે છે.
ઇન્ડિયા કનેક્ટ નામનાં પુસ્તકનાં સહ લેખિકા શાલિની નારાયણના જણાવ્યા અનુસાર સામાન્યપણે ફૅક ન્યૂઝ સાથે જોડાયેલા વીડિયો વાઇરલ કરવામાં આવે છે કેમ કે લોકોને પોતાની આંખે જોયેલી વાતો પર વધારે વિશ્વાસ આવે છે.