બાળકોની લાગણીઓ સાથે છેડછાડ

કલ્યાણી દેશમુખ|

આજના હરીફાઈના યુગમાં પ્રત્યેક માતાપિતાને લાગે છે, તેમની સંતાન સૌથી આગળ રહે. આ લાલસા પાછળ તેઓ એ નથી જોતા કે, તેમના પુત્ર કે પુત્રીમાં એ ઈચ્છાને પુરી કરવાની આવડત છે કે નહિ ? બાળકો બિચારા બોલી પણ નથી શકતા કે તેમના મનમાં શુ છે અને તે પોતે શુ કરવા માગે છે ? પરિણામ એ આવે છે કે તેઓ કોઈ એક ક્ષેત્રમાં પણ પ્રગતિ કરી શકતા નથી. આજના માતાપિતાનું આ માનવું કેટલી હદે ઠીક કહેવાય કે તેઓ પોતાના બાળકોનુ ભલું ઈચ્છે છે ? એટલે તેઓ જે પણ કરે છે તે જ સાચુ, અને ઠીક છે.

સંતાનોના વિકાસની ઈચ્છા રાખવી એ સારી વાત છે પણ પોતાના બાળકોને સમજ્યા વગર, તેમની સાયકોલોજી નો અભ્યાસ કર્યા વગર તમે પોતાની મરજી એમની પર લાદો એ આજના ભણેલા માબાપ ને કેવી રીતે શોભે? આજે કેટલાંક માતાપિતા ને ધણીવાર વાત કરતા સાંભળ્યા છે કે પોતાના વડીલોએ જે ભૂલ તેમના સાથે કરી તે પોતાના સંતાનો સાથે કરવા નથી માંગતા,પણ તેઓ એવુ કેમ નથી વિચારતા કે પોતાની મરજી મુજબનુ કેરિયર બાળકો પર થોપી ને પોતે પણ તો એજ કરી રહ્યા છે. !
આજના માબાપ બાળકોના રિઝલ્ટમાં પણ પોતાના માન અપમાન નો અનુભવ કરે છે, બાળકોની રેંક ન બને તો તેમને શરમ આવે છે. બાળકો ફેલ થાય તો તેમનું નાક કપાય છે. બીજાની દેખાદેખીમાં બાળકોને મોટી શાળામાં મૂકી દેવાથી સારા અને જવાબદાર માબાપ નથી બની જવાતું. તેમની પાછળ મહેનત પણ કરવી પડે છે. તે કયા વિષયમાં કમજોર છે? તેને શાળામાં કોઈતકલીફ તો નથી ને ? આ બધી વાતોનો ખ્યાલ રાખવો પડે છે. દરેક માતાપિતાએ બાળકોની માટે રોજ એક બે કલાક તો ફાળવવા જ જોઈએ. બને ત્યાં સુધી તેમને જાતેજ ભણાવવાં જોઈએ, કોઈ કારણસર તમારી પાસે સમય ન હોય તો એટલુ તો ધ્યાન રાખવું જ જોઈએ કે તેઓ જે ભણી રહ્યા છે તેમાં કોઈ ભૂલ તો નથી કરતાને?
બાળકોનુ કેરિયર નક્કી કરતી વખતે તેમને કયાં વિષયમા વધારે રસ છે? અને તેમની કેપેસિટી કેટલી છે તેનો ખ્યાલ જરૂર રાખવો જોઈએ. બાળક પોતાના મિત્રની દેખાદેખ કશું કરવા માગતો હોય તો તેને સમજાવવો જોઈએ કે તેની પરિસ્થિતિ શુ છે અને પોતાની શું છે.

તમે ડૉક્ટર બનવા માંગતા હતા પણ પૈસાના અભાવે ન બની શક્યા તેથી તમે તમારા સંતાન ને ડૉક્ટર બનાવવા માંગો છો, પણ તમારા સંતાનને સાયંસમાં કોઈ રસ જ નથી કે એ એમાં કમજોર છે તો તમે તેની પાસે ડૉક્ટર બનવાની અપેક્ષા કેવી રીતે રાખી શકો? તમારી ઈચ્છાને માન આપી જેમ તેમ કરીને તે ડૉક્ટર બની તો જશે પણ બિઝનેસમેન બનવાં માંગતો તમારો પુત્ર ડૉક્ટર બન્યા પછી પોતાના પ્રોફેશન સાથે કેટલો ન્યાય કરી શકશે? તે તો દવાખાંનાને જ એક બિઝનેસ માની લેશે. તેનામા સેવા ભાવના જોવા જ નહિ મળે.
દરેક માતાપિતાને આજે આ બહુ જરૂરી બની ગયુ છે કે તેઓ પોતાના સંતાનોને સમજે, અને તેમની ઈચ્છા અને તેમના સ્વભાવને અનુરૂપ તેમની કારકિર્દિનું ચયન કરે.


આ પણ વાંચો :