શુક્રવાર, 29 નવેમ્બર 2024
  1. મનોરંજન
  2. ગુજરાતી સિનેમા
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: શુક્રવાર, 23 ફેબ્રુઆરી 2018 (15:34 IST)

પેટ પકડીને હસાવશે ગુજરાતી ફિલ્મ ‘ગુજ્જુભાઈ મોસ્ટવોન્ટેડ’

ગુજરાતી સિનેમામાં ફરીએક વાર એક કોમેડી ફિલ્મ રિલિઝ થઈ ગઈ છે. ગુરૂવારે એક રેકોર્ડ સર્જવાની સાથે સિદ્ધાર્થ રાંદેરિયા અભિનિત ફિલ્મ ગુજ્જુભાઈ મોસ્ટ વોન્ટેડ દર્શકોને પેટ પકડીને હસાવી રહી છે. સિદ્ધાર્થ રાંદેરિયાના ગુજરાતી નાટક પરથી બનેલી આ ફિલ્મમાં તેમણે જાતે જ ગુજ્જુભાઈની ભૂમિકા અદા કરી છે. આ ફિલ્મમાં સિદ્ધાર્થભાઈની સાથે તેમના દિકરાનો રોલ અદા કરનાર અક્ષય કુમારની ફિલ્મ ભૂલભૂલૈયામાં ગોટી તરીકે જોવા મળેલો જિમિત ત્રિવેદી છે. બંને જણાની જુગલબંધી દર્શકોને ખુરશી પકડી રાખવા માટે મજબૂર કરી નાંખે છે.

આ ફિલ્મની વાર્તા જાણે એમ છે કે અરવિંદ દિવેટિયા ( સિદ્ધાર્થ રાંદેરિયા) અને તેમનો પુત્ર ખગેશ ( જિમિત ત્રિવેદી) એક બિલ્ડરને તેના નાણાં પરત નથી કરતાં, અરવિંદ દિવેટિયા જ્યારે અમેરિકાથી આવી રહેલી તેમની સાસુને એરપોર્ટ પર લેવા માટે જાય છે ત્યાંજ પેલો નાગડા બિલ્ડર તેમને અથડાય છે અને અહીંથી જ ફિલ્મની કોમેડી શરુ થાય છે. બંને જણા નાગડાથી બચવા માટે અવનવા રસ્તા અપનાવે છે પણ નાગડા તેમનો ઘરનો સામાન અને ગાડી જપ્ત કરી નાંખે છે. ત્યાં જ તેઓ ગુજરાતમાં અમદાવાદની મુલાકાતે આવી રહેલા પાકિસ્તાનના વડાપ્રધાનની હત્યા કરવા માટે પાકિસ્તાનના મંત્રી દ્વારા રચવામાં આવેલા એક ષડયંત્રનો ભોગ બને છે અને ત્રાસવાદી સાબિત થઈ જાય છે. વધુ જાણકારી માટે ફિલ્મ જોવી પડે. આ ફિલ્મમાં દરેક પાત્રનો અભિનય કાબિલે તારિફ છે. સંગીત અને ફિલ્મનું દિગ્દર્શન અદભૂત છે. આ ફિલ્મનો સ્ક્રિનપ્લે અને દિગ્દર્શન સિદ્ધાર્થ રાંદેરિયાના પુત્ર ઈશાન રાંદેરિયાએ કર્યું છે.