ભાજપની બીજી યાદી જાહેર, ગુજરાતમાં સાતમાંથી બે ઉમેદવારો રીપિટ
ગુજરાતમાં લોકસભાની ચૂંટણીનો જંગ જામ્યો છે. ભાજપ અને કોંગ્રેસ દ્વારા ઉમેદવારોની જાહેરાત કરી દેવામાં આવી છે. ત્યારે ભાજપે આજે બીજી યાદી જાહેર કરી છે. જેમાં ગુજરાતના પાંચ ઉમેદવારો જાહેર થયાં છે. જેમાં વડોદરાથી રંજનબેન ભટ્ટને રિપીટ કરવામાં આવ્યાં છે. ભાવનગરથી ભારતીબેન શિયાળની ટીકિટ કપાઈ છે અને નિમુબેન બાંભણિયાને ટીકિટ આપવામાં આવી છે. તે ઉપરાંત અમદાવાદ પૂર્વ બેઠક પર હસમુખ પટેલને રિપીટ કરવામાં આવ્યાં છે. સુરતથી દર્શનાબેન જરદોશનું પત્તુ કપાયું છે અને તેમના સ્થાને મુકેશ દલાલને ટીકિટ આપવામાં આવી છે. છોટાઉદેપુરમાં ગીતાબેન રાઠવાના સ્થાને હવે જશુભાઈ રાઠવાને ઉમેદવાર બનાવવામાં આવ્યાં છે. જ્યારે વલસાડથી કે.સી. પટેલની જગ્યાએ ધવલ પટેલને ટીકિટ આપવામાં આવી છે. સાબરકાંઠાથી દિપસિંહ રાઠોડનું પત્તુ કપાયું છે અને ભીખાજી ઠાકોરને ટીકિટ આપવામાં આવી છે.
ભાજપે અત્યાર સુધીમાં કુલ 22 ઉમેદવારોની જાહેરાત કરી
ભાજપે અત્યાર સુધીમાં કુલ 22 ઉમેદવારોની જાહેરાત કરી છે. પહેલી યાદીમાં બનાસકાંઠા સીટ પરથી પરબતભાઈ પટેલનું પત્તુ કપાયું છે અને તેમની જગ્યાએ ડૉ. રેખાબેન ચૌધરીને ટિકિટ આપવામાં આવી છે. જ્યારે અમદાવાદ પશ્ચિમ પર કિરીટભાઈ સોલંકીના સ્થાને દિનેશભાઈ મકવાણાને ટિકિટ આપવામાં આવી છે. રાજકોટમાં મોહન કુંડારિયાનું પત્તુ કપાયું છે અને પુરૂષોત્તમ રૂપાલાને ટિકિટ અપાઈ છે. પોરબંદરથી રમેશ ધડૂકની ટિકિટ કાપીને કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાને ટિકિટ અપાઈ છે. પંચમહાલમાં રતનસિંહ રાઠોડના સ્થાને રાજપાલ જાદવને ટિકિટ મળી છે. બાકીની બેઠકો પર ઉમેદવારોને રીપિટ કરવામાં આવ્યા છે.
ભાજપની બીજી યાદીના 7 ઉમેદવારો
સીટ |
ઉમેદવાર |
અમદાવાદ ઈસ્ટ |
હસમુખ પટેલ |
છોટાઉદેપુર |
જસુ રાઠવા |
ભાવનગર |
નિમુબેન બાંભણીયા |
વડોદરા |
રંજન ભટ્ટ |
વલસાડ |
ધવલ પટેલ |
સાબરકાંઠા |
ભીખાજી ઠાકોર |
સુરત |
મુકેશ દલાલ |
પ્રથમ યાદીમાં 4 મંત્રીઓ
ભાજપે પોતાની પ્રથમ યાદીમાં 4 કેન્દ્રીય મંત્રીઓને ગુજરાતમાં મેદાને ઉતાર્યા છે. કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ, કેન્દ્રીય આરોગ્ય અને કેમિકલ્સ-ફર્ટીલાઇઝર્સ મંત્રી મનસુખ માંડવિયા, કેન્દ્રીય ડેરી અને મત્સ્યોદ્યોગ મંત્રી પરશોત્તમ રૂપાલા અને કેન્દ્રીય સંચાર રાજ્યમંત્રી દેવુસિંહ ચૌહાણને ટિકિટ આપી છે.
પ્રથમ યાદીમાં 10 રિપીટ
ભાજપે જાહેર કરેલી પ્રથમ યાદીમાં 10 ઉમેદવારોને રિપીટ કરાયા છે. ગાંધીનગરથી અમિત શાહ, નવસારીથી સી.આર.પાટીલ, ખેડાથી દેવુસિંહ ચૌહાણ, ભરૂચથી મનસુખ વસાવા, જામનગરથી પૂનમ માડમ, કચ્છથી વિનોદ ચાવડા, પાટણથી ભરતસિંહ ડાભી, આણંદથી મિતેશ પટેલ, દાહોદથી જસવંતસિંહ ભાભોર, બારડોલીથી પ્રભુ વસાવાને ફરી ટિકિટ અપાઇ.