12માની બોર્ડ પરીક્ષા - સુપ્રીમ કોર્ટનો આદેશ, 31 જુલાઈ સુધી દરેક રાજ્ય જાહેર કરે પરિણામ, 10 દિવસમાં રજુ કરે મૂલ્યાંકન સ્કીમ
સુપ્રીમ કોર્ટે બધા રાજ્ય બોર્ડને 10 દિવસની અંદર 12માની ધોરણની મૂલ્યાંકન સ્કીમ રજુ કરવાનો આદેશ આપ્યો. ટોચની કોર્ટે કહ્યુ કે બધા રાજ્ય બોર્ડ સીબીએસઈ અને આઈસીએસઈની જેમ નક્કી સમયમાં 31 જુલાઈ સુધી પરિણામ જાહેર કરે. ન્યાયાધીશ એ.એમ.ખાનવીલકર અને દિનેશ મહેશ્વરીની ખંડપીઠે એડવોકેટ અનુભા સહાય શ્રીવાસ્તવ તરફથી દાખલ અરજી પર સુનાવણી કરી રહ્યા હતા જેમા રાજ્ય બોર્ડોની 12માની પરીક્ષા રદ્દ કરવાની માંગ કરવામાં આવી હતી.
આંધ્ર પ્રદેશ સરકાર દ્વારા 12માની પરીક્ષા (સંભવિત જુલાઈમાં) લેવાના નિર્ણય અંગે સુપ્રીમ કોર્ટે કહ્યું કે રાજ્ય સરકાર પાસે તેના માટે સ્પષ્ટ યોજના હોવી જોઈએ. આપણે વિદ્યાર્થીઓના જીવન સાથે કેવી રીતે રમી શકીએ છીએ ?
ઉલ્લેખનીય છે કે સીબીએસઇ, સીઆઈએસસીઇ, યુપી બોર્ડ, એમપી બોર્ડ, રાજસ્થાન બોર્ડ, પંજાબ બોર્ડ, હરિયાણા બોર્ડ, મહારાષ્ટ્ર બોર્ડ, ગુજરાત બોર્ડ સહિતના દેશના મોટાભાગના બોર્ડ્સે કોરોનાને કારણે તેમની 12માની પરીક્ષાઓ રદ કરી છે. પરંતુ આંધ્રપ્રદેશે હજી સુધી 12માની પરીક્ષાઓ રદ કરી નથી.
કોર્ટે એમ પણ કહ્યું હતું કે તમામ રાજ્ય બોર્ડમાં સમાન મૂલ્યાંકન યોજના હોઈ શકતી નથી. તે આવી સૂચના આપી શકતી નથી.
ખંડપીઠે કહ્યું કે દરેક બોર્ડ સ્વતંત્ર અને અલગ છે. આવી સ્થિતિમાં, કોર્ટ એક સમાન મૂલ્યાંકન સ્કીમ નક્કી કરવાનો આદેશ આપી શકતી નથી.