ગુરુવાર, 14 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શનિવાર, 23 એપ્રિલ 2022 (09:26 IST)

લક્ષ્મીપુરાના યુવાનને કેનેડાથી અમેરિકા મોકલવાનું કહી 31.50 લાખ ખંખેર્યા, ગોવાના જંગલમાં ગોંધી રાખ્યો

fraud
કલોલ અને અમદાવાદના 2 કબૂતરબાજોએ 2 વર્ષ અગાઉ કડીના લક્ષ્મીપુરા ગામના યુવાનને સ્ટુડન્ટ વિઝા ઉપર કેનેડાથી કાયદેસર અમેરિકા મોકલવાની લાલચ આપી એક મહિના સુધી ગોવાના જંગલમાં ગોંધી રાખી પરિવાર પાસેથી ત્રણ તબક્કે રૂ.37.50 લાખ ખંખેર્યા હતા. જીવ બચાવીને ઘરે પહોંચેલા યુવકે પરિવારને આપવીતી જણાવતાં યુવકના પિતાએ બંને ઠગોને પોલીસ ફરિયાદ કરવાનું કહેતાં રૂ.5 લાખ પરત આપી ફરી યુવકને કાયદેસર અમેરિકા મોકલવાનું નાટક કર્યું હતું.આખરે યુવકના પિતાએ બંને ઠગો રવિન્દ્ર મફતલાલ પટેલ (રહે.કલોલ, જિ.ગાંધીનગર) અને જીનલ રાજેન્દ્રકુમાર પટેલ વિરુદ્ધ નંદાસણ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.

લક્ષ્મીપુરા ગામના હિતેશ ગણેશભાઈ પટેલ નંદાસણની લક્ષ્મી એગ્રો ઈન્ડસ્ટ્રીઝના માલિક મફતલાલના દીકરા રવીન્દ્ર પટેલના પરિચયમાં આવ્યા હતા. ગત 1 સપ્ટેમ્બર 2020ના રોજ રવિન્દ્રએ હિતેશને કહેલું કે અમદાવાદમાં જેપી કન્સલ્ટન્ટની ઓફિસ ધરાવતો મારો મિત્ર જીનલ રાજેન્દ્રકુમાર પટેલ ગોવાના દિપકભાઇ અને મુંબઇના મમતાબેન દ્વારા કોઇ વિદ્યાર્થીઓને સ્ટુન્ડ વિઝા પર અમેરિકા મોકલવાની વાત કરી હતી.જે-તે સમયે હિતેશકુમારે તેમના પુત્ર દર્શિલને રૂ.65 લાખમાં અમેરિકા મોકલવા નક્કી કર્યું હતું. જેમાં દર્શિલ કેનેડા પહોંચે ત્યારે 50 ટકા રકમ અને બાકીની રકમ અમેરિકા પહોંચ્યા બાદ ચૂકવવાની હતી. દર્શિલ અમેરિકા જવા 22 સપ્ટેમ્બર 2020ના રોજ અમદાવાદ એરપોર્ટ પર ગયો હતો. પરંતુ જીનલ પટેલનું સેટિંગ ન હોવાથી તે બીજા દિવસે ઘરે પરત ફર્યો હતો અને 1 મહિના બાદ જવાનું નક્કી થયું હતું.

દરમિયાન રવિન્દ્રએ દર્શિલને ગોવાથી કેનેડાની ફ્લાઇટ માટે 5 ઓક્ટોબર 2020ના રોજ ગોવા મોકલ્યો હતો. 9 ઓક્ટોબરે રવિન્દ્રએ હિતેશકુમારને ફોન કરી રૂ.1 લાખ જીનલ પટેલના ખાતામાં નંખાવ્યા હતા.10 ઓક્ટોબરે દર્શિલે તેના પિતાને ફોન કરી પોતે કેનેડા પહોંચી ગયો હોવાનું જણાવતાં બીજા દિવસે હિતેશકુમારે રૂ.30 લાખ રવિન્દ્ર પટેલને રોકડા ચૂકવ્યા હતા. બાદમાં હિતેશકુમારે વધુ રૂ.5.50 લાખ જીનલને આપ્યા હતા. જોકે, એકાદ મહિના બાદ દર્શિલ ઘરે પરત આવી આપવીતી જણાવતાં પરિવાર હચમચી ગયો હતો. ત્યાર બાદ હિતેશકુમારે રવિન્દ્ર પટેલ અને જીનલ પટેલને પોલીસ ફરિયાદ કરવાનું કહેતાં રૂ.2.50 લાખના 2 ચેક અને રૂ.5 લાખનો એક ચેક આપ્યો હતો. જોકે, ચેક બાઉન્સ થતાં હિતેશકુમારે બંને ઠગોને પોલીસ ફરિયાદ કરવાનું કહેતાં રૂ.5 લાખ પરત કર્યા હતા.દર્શિલને દિલ્હીથી કાયદેસર અમેરિકા મોકલી આપવાનો વિશ્વાસ આપ્યો હતો અને રૂ.300ના સ્ટેમ્પ પર નોટરી સાથેનું લખાણ કરી આપ્યું હતું. જે મુજબ 23 ફેબ્રુઆરી 2022ના રોજ અમદાવાદ રેલવે સ્ટેશનથી દર્શિલ દિલ્હી ગયો હતો. જોકે, સામે કોઇ લેવા ન આવતાં દર્શિલ ઘરે પરત ફર્યો હતો. હિતેશ પટેલે બંને ઠગો વિરુદ્ધ નંદાસણ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.6 ઓક્ટોબર 2020ના રોજ ગોવા પહોંચ્યા બાદ તેને કેટલાક શખ્સો પણજીના જંગલમાં એક મકાનમાં લઇ ગયા હતા. તેની સાથે બીજા સાતેક યુવાનોને કપડાં કાઢી માર માર્યો હતો.