રવિવાર, 1 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 25 ઑક્ટોબર 2019 (17:34 IST)

ચૂંટણી હાર્યા પછી સોશિયલ મીડિયામાં અલ્પેશ ઠાકોરની મજાક ઉડવા માંડી

પહેલાં ઠાકોર સમાજના હિતરક્ષકની છાપ ઊભી કરી તેના આધારે કોંગ્રેસના ધારાસભ્ય બન્યા પછી પક્ષ પલટો કરીને ભાજપમાં જોડાઇને મંત્રી બનવાની મહેચ્છા રાખનારા અલ્પેશ ઠાકોર આ પેટા ચૂંટણીનો સૌથી ચર્ચિત ચહેરો હતા. એક જાહેર સભામાં હવે હું લીલી પેનથી સહી કરીને સચિવાલયમાં ઓર્ડર આપીશ તેવો વીડિયો પણ ચૂંટણીમાં વાઇરલ થયો હતો. જોકે, અલ્પેશ હારી જતા હવે તેમના જ ઉદ્દગારોને આધાર બનાવીને સોશિયલ મીડિયામાં તેમની ફિરકી લેવાઇ હતી. લીલી પેનથી સહી કરીને હવે સચિવાલયમાં ઓર્ડર કોણ આપશે તેવા સંદેશા ફરતા થયા હતા. તો અલ્પેશને સાંકળીને ‘બના કે ક્યું બિગાડા રે’ ગીત પણ વાયરલ થયું હતું. જે રીતે પેટા ચૂંટણીમાં ભાજપ તમામ છ બેઠક જીતશે તેવી ગણતરી રાખીને બેઠો હતો અને વિજયોત્સવ મનાવવાની એડવાન્સ જાહેરાત કરી દીધી હતી તે અંગે પણ સોશિયલ મીડિયાએ જે રીતે ફિફ્ટી-ફિફ્ટી પરિણામો આવ્યા તેને લઇને વિવિધ પ્રતિભાવ આપ્યા હતા
અલ્પેશ અને ઝાલાની ફિરકી ઉતારતા પ્રશ્નોની વણઝાર થઈ
- મુખ્યમંત્રીની બાજુની ચેમ્બરમાં હવે કોણ બેસશે?
-અલ્પેશ ઠાકોરને હવે ફરીથી દારૂના અડ્ડાઓનું લિસ્ટ શોધીને નવેસરથી શરૂઆત કરવી પડશે
- અલ્પેશનો ઉલ્લેખ કેવી રીતે કરવો: ઠાકોર-ક્ષત્રિય  સમાજના ભૂતપૂર્વ અગ્રણી, કોંગ્રેસના ભૂતપૂર્વ ધારાસભ્ય કે પછી ભાજપના રાધનપુરના હારી ગયેલા ઉમેદવાર?
- અલ્પેશ અને ધવલસિંહે ભાજપની દિવાળી બગાડી પણ ભાજપના જ કેટલાક નેતાઓની દિવાળી સુધારી પણ ખરી....
- અલ્પેશ ઠાકોર એકમાત્ર એવા ઉમેદવાર હશે કે જેના હારવાના કારણે હરીફ પક્ષ અને પોતાના પક્ષના ઘણા લોકો પણ ખુશ હશે
- અલ્પેશ હવે વિચારતા રહેશે કે મને મતદારોએ હરાવ્યો, ભાજપના કેટલાક નેતાઓએ હરાવ્યો કે પછી કોંગ્રેસે હરાવ્યો?
- ૨૦૧૭ની વિધાનસભા અને હવે આ પેટાચૂંટણીના પરિણામોમાં પણ ભાજપના કાર્યકરોને ફટાકડા ફોડવા કે નહીં તેની મૂંઝવણ પડી
- લાંબા સાથે ટૂંકો જાય મરે નહીં તો માંદો થાય- અલ્પેશે પોતાની જોડે ધવલસિંહની નૈયા પણ ડૂબાડી
- ઠાકોર તો ગીયો, સાથ મેં ઝાલા કો ભી લે કે ગયો...
- સૂર્યદેવની સાક્ષીએ સોગંદ ખાઉ છું કે રાજકારણમાં નહીં આવું....એકાદશીના સૂર્યદેવની સાક્ષીએ નેતાગીરી પૂરી
- ધારો તો.......અલ્પેશને કયા બોર્ડ-નિગમમાં મૂકી શકાય?
- સગાઓને ટિકિટ અપાવવા નીકળેલા ભાજપના નેતાઓને મતદારોએ થરાદમાં પાઠ ભણાવ્યો
- ભાજપ કેમ ૩ બેઠક ઉપર હાર્યો?-નરેન્દ્ર મોદી-અમિત શાહને એમ કે ભાજપના કાર્યકરો છે ને અને કાર્યકરોને એમ કે નરેન્દ્ર મોદી-અમિત શાહ છે ને.....
- દિવાળીમાં પક્ષ પલટુઓને પ્રજાએ પરચો આપીને થરાદની બેઠક પણ બોનસ તરીકે કોંગ્રેસને આપી દીધી
- દિવાળી પહેલા અમિત શાહ આવે છે અને દિવાળી પછી નરેન્દ્ર મોદી આવે છે ત્યાં સુધી ભાજપના નેતાઓ હારનું ઠીકરૂ કોને માથે ફોડવું તે શોધી રાખે
- મતદારોને વિશ્વાસ ન હોય તેવા અને કાર્યકરોને અંધારામાં રાખીને સ્કાયલેબ ઉમેદવારોને ઉતારવાનું હવે ભાજપના મોવડીઓ બંધ કરશે?
- ફક્ત પક્ષ પલટુઓને પ્રજાની લપડાક નથી તેમને પસંદ કરનારા ભાજપના નેતાઓને પણ છે
- ભાજપના કાર્યકરોને આશા જાગી-હવે મોવડીઓ પક્ષ પલટુઓને લાવતા અટકાવે તો સારૂ