શનિવાર, 30 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 27 મે 2022 (09:25 IST)

અમદાવાદમાં આજથી ક્રિકેટ કાર્નિવલ : ચાહકોમાં અનેરો ઉત્સાહ

ઈન્ડિયન પ્રીમિયર લીગ ટ્વેન્ટી૨૦ ની વર્તમાન સિઝન અંતિમ તબક્કા તરફ આવી પહોંચી છે. આવતીકાલે ક્વોલિફાયર-૨માં રાજસ્થાન રોયલ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલોરનો ટકરાશે જ્યારે રવિવારે ફાઇનલ ખેલાશે. આ બંને રોમાંચક મુકાબલાની યજમાની અમદાવાદનું નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમ કરશે.

 આજના મુકાબલામાં વિજય મેળવનારી ટીમ ફાઇનલમાં ગુજરાત ટાઇટન્સ સામે ટકરાશે. 1.32 લાખની ક્ષમતા સાથે વિશ્વનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ આ બંને મુકાબલાની યજમાની માટે સજ્જ થઇ ગયું છે. ચાહકોમાં પણ આ બંને મુકાબલાને લઇને ઉત્સાહ પરાકાષ્ઠાએ છે. આવતીકાલની 'સેમિફાઇનલ' સાંજે 7 થી અને ફાઇનલ રાત્રે 8 થી શરૃ થશે.અમદાવાદમાં હાલ મોટાભાગના દરેક સ્થાને આઇપીએલના આ બંને મુકાબલાની જ ચર્ચા થઇ રહી છે. આવતીકાલની મેચમાં જે પણ ટીમ વિજય મેળવે પણ રવિવારે મોટાભાગના પ્રેક્ષકો ગુજરાત ટાઇટન્સનો જ ઉત્સાહ વધારતા હશે તે  નિશ્ચિત છે. નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમ આવતીકાલની સેમિફાઇનલમાં પણ ચાહકોથી ચિક્કાર ભરાઇ જાય તેવો આશાવાદ છે. સ્ટેડિયમના ઉદ્ઘાટન બાદ એકસાથે ૧.૩૨ લાખ પ્રેક્ષકો હોય તેવું આવતીકાલે પ્રથમવાર બનશે. અમદાવાદ અગાઉ રાજસ્થાન રોયલ્સનું હોમગ્રાઉન્ડ રહી ચૂક્યું છે.

 આજ સંજુ સેમસનની રાજસ્થાન રોયલ્સ અને ફાફ ડુ પ્લેસિસની રોયલ ચેલેન્જર્સ બેંગલોર વચ્ચે ફાઇનલમાં પ્રવેશવા માટે રસાકસીભર્યો જંગ ખેલાશે. ચાહકો માટે વધુ આનંદની વાત એ છે કે 'સેમિફાઇનલ'  અને ફાઇનલ બંને મુકાબલામાં પિચ રીપોર્ટ પ્રમાણે રનની રમઝટ જોવા મળી શકે છે. બીજી ઇનિંગ્સમાં ઝાકળની સાધારણ સમસ્યા નડે તેની સંભાવના છે.રાજસ્થાન રોયલ્સની ટીમમાં સંજુ સેમસન, જોસ બટલર, શિમરોન હેટમાયેર, રવિચંદ્રન અશ્વિન, યુઝુવેન્દ્ર ચહલ, ટ્રેન્ટ બૌલ્ટ જ્યારે રોયલ ચેલેન્જર્સ બેંગલોરની ટીમમાં ફાફ ડુ પ્લેસિસ, વિરાટ કોહલી, દિનેશ કાર્તિક, હર્ષલ પટેલ, જોશ હેઝલવૂડ જેવા સ્ટારપ્લેયર્સ છે. રાજસ્થાનની ટીમમાંથી જોસ બટલર ટુર્નામેન્ટમાં સૌથી વધુ રન કરવામાં જ્યારે યુઝુવેન્દ્ર ચહલ સૌથી વધુ વિકેટ ખેરવવામાં મોખરે છે. હર્ષલ પટેલ સાણંદમાં જન્મ્યો છે અને હાલમાં તે હરિયાણા માટે રણજી ટ્રોફીમાં રમી રહ્યો છે.સ્ટેડિયમમાં પ્રેક્ષકો માટે પાણીની બોટલ, હેલ્મેટ, લાઇટર્સ, ટિન્સ, ધાતુની વસ્તુઓ, ગેરકાયદે વસ્તુ, ફટાકડા, હથિયાર, બેનર, ફ્લેગ સ્ટેડિયમની અંદર લઇ જવાની મનાઇ છે. આ ઉપરાંત સ્ટેડિયમની અંદર નાસ્તો પણ નહીં લઇ જઇ શકાય. જેના કારણે પ્રેક્ષકોને સ્ટેડિયમના ફૂડ સ્ટોલ પરથી જ નાસ્તા-પાણીનો આધાર રાખવો પડશે.પ્રેક્ષકોને સ્ટેડિયમમાં પ્રવેશ કેટલા વાગ્યાથી આપવો તેને લઇને આયોજકો દ્વારા કોઇ સ્પષ્ટતા નહીં કરવામાં આવતા ચાહકો દ્વિધામાં મૂકાયા હતા. જોકે, આઇપીએલની ઓનલાઇન ટિકિટ આપતી મોબાઇલ એપમાં દર્શાવ્યા પ્રમાણે આવતીકાલના મુકાબલામાં મેચના ૩ કલાક પહેલા અને ફાઇનલમાં મેચના ૪ કલાક પહેલા સ્ટેડિયમની અંદર પ્રવેશ આપવામાં આવશે. જોકે, ચાહકો આવતીકાલે બપોરથી જ સ્ટેડિયમ પાસે ઉમટવાનું શરૃ કરી દેશે.