બુધવાર, 13 નવેમ્બર 2024
  1. ગુજરાતી સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી સમાચાર
Written By
Last Modified: ગાંધીનગર , મંગળવાર, 20 ફેબ્રુઆરી 2024 (17:10 IST)

રાજ્યસભા ચૂંટણીમાં ગુજરાતમાં ભાજપના ચારેય ઉમેદવારો સત્તાવાર બિનહરીફ જાહેર

gujarati news
ગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણીમાં ભાજપે ચાર ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા હતાં. આ ચારેય ઉમેદવારોએ 15મી ફેબ્રુઆરીએ ફોર્મ ભરી દીધા છે. આજે ફોર્મ પરત ખેંચવાનો અંતિમ દિવસ હતો. ભાજપ તરફથી રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા, મયંક નાયક, સુરતના ઉદ્યોગપતિ ગોવિંદ ધોળકિયા અને જશવંતસિંહ પરમારે નામાંકન દાખલ કર્યું હતું. જે.પી.નડ્ડાના ડમી ઉમેદવાર તરીકે રજની પટેલે ફોર્મ ભર્યું હતું જે તેમણે પરત ખેંચી લીધું હતું. આ ઉપરાંત અપક્ષ ઉમેદવાર પરેશ મુલાણીનું ફોર્મ ધારાસભ્યોનું સમર્થન નહીં મળતા રદ્દ થયું હતું. જ્યારે કોંગ્રેસે સંખ્યાબળ નહીં હોવાથી એક પણ ઉમેદવાર મેદાનમાં ઉતાર્યો નહોતો. જેથી આજે ભાજપના ચારેય ઉમેદવારોને બિનહરીફ થયા હોવાની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. 
 
ત્રણ સાંસદોને એપ્રિલના પહેલા સપ્તાહ સુધી રાહ જોવી પડશે
રાજ્યસભામાં ભાજપના ચાર ઉમેદવારોમાંથી ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડા પહેલાથી હિમાચલ પ્રદેશથી રાજ્યસભાના સાંસદ છે. તેઓ છઠ્ઠી એપ્રિલ સુધી સાંસદ પદે યથાવત રહેશે અને ત્યારપછી નવેસરથી શપથ લેશે. તે સિવાય ગોવિંદ ધોળકીયા, મયંક નાયક, ડો. જશવંતસિંહ પરમારને સાંસદ, રાજ્યસભાના સભ્ય તરીકે અધિકૃત ઓળખ મેળવવા સવા મહિના સુધી રાહ જોવી પડશે. રાજ્યસભામાં ચારેય સાંસદોની ટર્મ છઠ્ઠી એપ્રિલ 2024ના રોજ પૂર્ણ થાય છે.પાર્લામેન્ટરી પ્રોસેડિંગના શબ્દોમાં રિટાર્યડમેન્ટ તરીકે પ્રચલિત આ અવધિ પૂર્ણ થાય તેના એક-બે દિવસોમાં ખાલી પડેલી જગ્યાઓ પર ચૂંટાયેલા નવા સભ્યોની શપથવિધી યોજાય છે. આ ચારેય સાંસદોની નિવૃતિના આગળ પાછળના દિવસે રાજ્યસભાના સાંસદ તરીકે પદ અને ગોપનિયતાની શપથ લેવડાવામાં આવશે.