શુક્રવાર, 15 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 30 ઑગસ્ટ 2022 (16:20 IST)

અંજારના ખોખરામાં ઘર સળગાવાતા માતા-2 પુત્ર ગંભીર દાઝ્યા, પિતાએ બચાવી લીધા

અંજાર તાલુકાના ખોખરા ગામે હૃદય કંપાવતી ઘટના સામે આવી છે. જેમાં મધરાત્રે ઘરમાં સુતેલા માતા અને બે યુવાન પુત્રોને જીવતા સળગાવી નાખવાના પ્રયત્નના ભાગ રૂપે રૂમમાં આગ ચાંપી દેવાઇ હતી. પરંતુ સદભાગ્યે ઘરના વડીલ અન્ય રૂમમાં હોવાથી ત્રણેયને સળગતા ઘરથી બહાર કાઢી લેવામાં આવ્યા હતા. એક પુત્રએ 10 મહીના પહેલા જેનાથી પ્રેમ લગ્ન કર્યા હતા તેના પરિજનોએ આ ઘટનાને અંજામ આપ્યો હોવાની શંકા પોલીસમાં વ્યક્ત કરાઇ છે.ખોખરાના પ્રેમજીભાઈ શામજીભાઈ ખોખરની ફરિયાદને ટાંકીને અંજાર પોલીસે આપેલી માહિતી મુજબ રવિવારે રાત્રે તેમની 50 વર્ષીય પત્ની લખીબેન, પુત્રો 27 વર્ષનો વિનોદ અને 22 વર્ષીય દિનેશ રસોડાની બાજુના રૂમમાં સૂતા હતા અને પિતા પ્રેમજીભાઇ અલગ રૂમમાં નિંદ્રાધીન હતા. તે દરમ્યાન રાત્રે 2 વાગ્યે પુત્ર દિનેશ ગંભીર રીતે દાઝેલી અવસ્થામાં રાડારાડી કરતો પિતા પાસે આવ્યો હતો અને ઘરમાં આગ લાગી હોવાનું કહેતા ફરિયાદીએ તાત્કાલિક આગ લાગેલા રૂમમાં જઈ પત્ની અને પુત્ર વિનોદને બહાર કાઢ્યા હતા.​​​​​​​જે બંને પણ ગંભીર રીતે દાઝી ગયા હતા. બૂમાબૂમથી આસપાસના લોકો પણ એકત્રિત થઇ ગયા હતા અને દાઝેલા ત્રણેયને અંજારની સરકારી હોસ્પિટલ બાદ વધુ સારવાર માટે ભુજની જી.કે. જનરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. આ બનાવમાં લખીબેન મોઢા, ગરદન તથા બંને હાથના ભાગે દાઝ્યા હતા, પુત્ર વિનોદ પીઠ, ગરદન તેમજ બંને હાથ અને દિનેશ મોઢા તથા બંને હાથના ભાગે દાઝી ગયા હતા. જેથી પોલીસે અજાણ્યા ઈસમો વિરુદ્ધ હત્યાના પ્રયાસ સહિતની કલમો ટાંકી ફરિયાદ નોંધી હતી.