પૂર્વ પીએમ ડૉ.મનમોહનસિંહ સહિતના નેતાઓ ગુજરાત આવશે
નોટબંધી,જીએસટીના મામલે નાના વેપારીઓથી માંડીને ઉદ્યોગકારો ભાજપથી ભારોભાર નારાજ છે. નવરાત્રી જ નહીં, દિવાળીમાં ય મંદીનો માહોલ છવાયેલો રહેશે. કોંગ્રેસે નોટબંધી અને જીએસટીના મુદ્દે ભાજપને ઘેરવા રણનીતિ ઘડી કાઢી છે. જેના ભાગરૃપે આગામી દિવસોમાં પૂર્વ વડાપ્રધાન અને અર્થશાસ્ત્રી ડૉ.મનમોહનસિંહ, પૂર્વ નાણાંમંત્રી પી.ચિદમ્બરમ સહિતના નેતાઓ ગુજરાતની મુલાકાતે આવી રહ્યાં છે. ત્રણ દિવસની ગુજરાતની મુલાકાત વખતે રાહુલ ગાંધીએ પણ જામનગર,રાજકોટ સહિતના શહેરોમાં વેપારીઓ સાથે મિટીંગ કરીને જીએસટીથી થતી મુશ્કેલી જાણવાનો પ્રયાસ કર્યો હતો. કોંગ્રેસને લાગે છેકે, વેપારી-ઉદ્યોગકારોના રોષનો લાભ મળી શકે છે. જીએસટીના મુદ્દે કોગ્રેસ શહેરી વિસ્તારોમાં પગપેસારો કરી શકે છે અને એટલે જ આ મુદ્દે રાજકીય લાભ લેવા કોંગ્રેસે જાણીતા ઇકોનોમિસ્ટનો સહારો લઇને નરેન્દ્ર મોદીએ જીએસટી,નોટબંધી લાગુ કરીને શું મોટી ભૂલ કરી છે તે વેપારીઓ,ઉદ્યોગકારો જ નહીં, ઉચ્ચવર્ગમાં પ્રસ્થાપિત કરવા માંગે છે. સામ પિત્રોડાની પણ ગુજરાત મુલાકાત ગોઠવાઇ રહી છે. નોંધનીય વાત તો એછેકે, અમદાવાદમાં જ નહીં, રાજ્યભરમાંથી ખુદ વેપારીઓ,ઉદ્યોગકારો જ કોંગ્રેસના નેતાઓ સાથે જીએસટીના મુદ્દે ચર્ચા કરવા ઇચ્છા વ્યક્ત કરી રહ્યાં છે. જે જાણીને ભાજપના નેતાઓની ચિંતા વધી છે.