શનિવાર, 16 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 14 મે 2018 (14:43 IST)

અમદાવાદમાં નેતાઓના સેવક બાઉન્સરોનો પગાર ફાયરબ્રિગેડના સ્વયંસેવક કરતા પણ વધારે

શહેરના મ્યુનિ. કોર્પોેરેશનના ભાજપના શાસકોની સેવા અને દરવાજા બહાર ઉભા રહીને રક્ષણ કરનારા બાઉન્સરોનો પગાર લોકોને આપત્તિ સમયે મદદમાં દોડી જતા ફાયર બ્રિગેડના સ્વયં સેવકો કરતા પણ વધારે છે. શહેરના ૬૫ લાખ નાગરિકોની રક્ષામાં ખડેપગે રહેતા ફાયરના જવાનો (સ્વયંસેવકો)ને માસિક રૂ.૧૦,૫૦૦નું ચૂકવણું કરાય છે જ્યારે ભાજપના શાસકો અને અધિકારીઓનો વટ પડે તે માટે મૂકાયેલા બાઉન્સરોને માસિક રૂ.૧૭,૦૦૦નું ચૂકવણું કરાય છે. એક દાયકાથી વધુ સમયથી ફાયરબ્રિગેડના સ્વયંસેવક તરીકે ફરજ બજાવતા કર્મચારીઓને કાયમી કરાતાં નથી સાથે તેમને સન્માજનક વળતર પણ અપાતુ નથી. આવી સ્થિતિ માત્ર ફાયરબ્રિગેડ સર્વિસની નથી. આ સ્થિતિ હેલ્થ ખાતાની પણ છે. હેલ્થ ખાતામાં વિવિધ મેડિકલની કામગીરી સાથે સંકળાયેલા કોન્ટ્રાક્ટ કે ફિક્સ પેના કર્મચારીઓને તો બાઉન્સર કરતાં અડધો પણ પગાર ચૂકવવામાં આવતો નથી. એટલું જ નહીં ગરીબ પરિવારોના બાળકોની સેવા કરતા આંગણવાડી કેન્દ્રોની બહેનો પગાર કરતા બાઉન્સરોને ત્રણ ગણો વધારે પગાર ચૂકવવામાં આવે છે.

મનપાની ૨૨૦૦ આંગણવાડી ચાલે છે. એક આંગણવાડીમાં આંગણવાડી વર્કર અને હેલ્પર એમ બે મહિલા કર્મચારી રાખવામા આવે છે. આ મહિલા કર્મચારીઓની સંખ્યા અંદાજે ૪૪૦૦ જેટલી છે તેઓને માસિક વેતનના નામે અપાતાં રૂપિયા કરતાં ત્રણ ગણા રૂપિયા બાઉન્સરોને માસિક ચૂકવવામાં આવે છે. મ્યુનિ. દ્વારા આંગણવાડી વર્કરને માસિક રૂ.૬૩૦૦ તો આંગણવાડી મહિલા હેલ્પરને રૂ.૩૩૦૦ ચૂકવવામાં આવી રહ્યાં છે. આઉટસોર્સિંગ કંપનીથી મેનપાવર સપ્લાય કરાય તો તેવા કિસ્સામાં માસિક ૪થી ૫ હજારનો પગાર ચૂકવવામાં આવે છે તો ફુલટાઇમ કામ કરતાં ફાયરબ્રિગેડના સ્વયંસેવક જવાનને રૂ. ૧૦,૫૦૦નું ચૂકવણું કરાય છે પણ મ્યુનિ.ના અધિકારીઓનો વટ પડે તે માટે મૂકાયેલા બાઉન્સરોને માસિક રૂ.૧૭ હજાર ચૂકવવામાં આવી રહ્યાં છે. મલેરિયા વર્કર તરીકે ભરતી કરાયેલા કર્મચારીને ૭૫૦૦ હજાર રૂપિયા ચૂકવવામાં આવે છે.