રવિવાર, 10 નવેમ્બર 2024
  1. ગુજરાતી સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી સમાચાર
Written By
Last Modified: વડોદરા , બુધવાર, 31 જાન્યુઆરી 2024 (12:47 IST)

અમદાવાદ-મુંબઈ નેશનલ હાઈવે પર બે ટ્રક વચ્ચે અકસ્માત થતાં ટ્રાફિક જામ, એકનું મોત

accident news
accident news
એક્સપ્રેસ હાઇવે ટોલનાકા પાસે રેલવેના પાટા ભરેલી ટ્રક અને પાવડર ભરેલી ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો છે. આ અકસ્માતમાં એક ટ્રકનો ડ્રાઇવર કેબિનમાં ફસાઇ ગયો હતો. જ્યારે અન્ય એકને ગંભીર ઇજા પહોંચતા હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે. ફાયરબ્રિગેડે ફસાયેલા ડ્રાઇવરને બહાર કાઢી હોસ્પિટલ ખસેડ્યો છે. બન્ને ઇજાગ્રસ્તમાંથી એકનું મૃત્યુ નિપજ્યું હોવાની વિગતો મળી રહી છે. મૃતકની ઉંમર 30 વર્ષ હતી. જ્યારે ગંભીર ઇજા પહોંચી છે તેની સારવાર ચાલી રહી છે.હાલમાં આ બંને વ્યક્તિના નામ જાણવા મળ્યા નથી. 
 
ડુમાડ ચોકડીથી ટોલનાકાની વચ્ચે અકસ્માત સર્જાયો
પ્રાપ્ત વિગતો પ્રમાણે વડોદરા એક્સપ્રેસ હાઈવે પર ડુમાડ ચોકડીથી ટોલનાકાની વચ્ચે બે ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત થયો હતો. એક ટ્રકનું ડીઝલ ખૂટી જતા ચાલકે ટ્રક રોકી હતી. આ દરમિયાન અચાનક પાછળથી આવતી ટ્રક તેની પાછળ ઘૂસી ગઈ હતી. અકસ્માતને પગલે વડોદરા ટોલપ્લાઝાથી ડુમાડ ચોકડી સુધી ભારે ટ્રાફિકજામ થયો છે. વહેલી સવારે ધુમ્મસના કારણે સર્જાયેલા આ અકસ્માતને પગલે અમદાવાદથી વડોદરા તરફનો ટ્રાફિક વ્યવહાર ખોરવાઇ ગયો છે. વાહનોની લાંબી કતારો શરૂ થઈ ગઈ છે.
 
ટ્રકના કેબિનમાં એક ચાલક ફસાઇ ગયો હતો
આ બનાવની જાણ વડોદરા ફાયર બ્રિગેડને કરવામાં આવતા તુરંત જ ટીમ સ્થળ પર દોડી ગઈ હતી અને કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. ફાયરબ્રિગેડના  જણાવ્યા પ્રમાણે, ટ્રકના કેબિનમાં એક ચાલક ફસાઇ ગયો છે. તેને બહાર કાઢીને હોસ્પિટલ ખસેડાયો છે. જ્યારે અન્ય એક ટ્રક સવારને ગંભીર ઈજાઓ પહોંચતા તેને પણ સારવાર અર્થે ખસેડાયો છે. હાલમાં બંનેમાંથી એકનું મૃત્યુ થયું હોવાની વિગતો મળી છે. આ બનાવને પગલે એક્સપ્રેસ હાઇવે ઉપર ટ્રાફિકને અસર થઇ છે. પોલીસ કાફલો આવી પહોંચતા ટ્રાફિક નિયંત્રણ કરવામાં આવી રહ્યું છે.અકસ્માતને કારણે હાઈવે પર પાંચેક કિ.મી સુધીનો ટ્રાફિક જામ થઈ જતાં પોલીસે ટ્રાફિક હળવો કરવાની પ્રક્રિયા શરૂ કરી દીધી છે.