બુધવાર, 27 નવેમ્બર 2024
  1. ગુજરાતી ન્યુઝ
  2. ક્રિકેટ
  3. વર્લ્ડ કપ 2023
Written By
Last Updated : ગુરુવાર, 16 નવેમ્બર 2023 (23:31 IST)

વર્લ્ડકપ: આફ્રિકા ફરી સેમિફાઇનલમાં હાર્યું, હવે અમદાવાદમાં ભારત-ઑસ્ટ્રેલિયા વચ્ચે ટક્કર

team india
કોલકાતાના ઇડન ગાર્ડન્સ ખાતે રમાયેલી વનડે વર્લ્ડકપની સેમિફાઇનલમાં રોમાંચક મુકાબલામાં ઑસ્ટ્રેલિયાએ દક્ષિણ આફ્રિકાને ત્રણ વિકેટ માત આપી હતી.
 
આ જીત સાથે ઑસ્ટ્રેલિયન ટીમ ફરી એક વાર વનડે ક્રિકેટ વર્લ્ડકપની ફાઇનલમાં પહોંચવામાં સફળ રહી હતી.
 
1991ના વર્લ્ડકપથી શરૂ કરીને પાંચ વખત સેમિફાઇનલમાં પહોંચનારી સાઉથ આફ્રિકન ટીમ આ વખત પણ સેમિફાઇનલનો પડકાર પાર પાડી ફાઇનલ સુધી પહોંચવામાં નિષ્ફળ રહી હતી.
 
નોંધનીય છે કે પાંચ સેમિફાઇનલ પૈકી ચારમાં સાઉથ આફ્રિકન ટીમને હારનો સામનો કરવો પડ્યો છે. જ્યારે 1999ના વર્લ્ડકપમાં ઑસ્ટ્રલિયા સામેની મૅચ અનિર્ણિત (ટાઈ) રહી હતી.
 
જોકે, માત્ર 213 રનનો પીછો કરવા મેદાને ઊતરેલી ઑસ્ટ્રેલિયાની ટીમ માટે આ જીત અપેક્ષા પ્રમાણે સરળ રહી શકી નહોતી.
 
હવે આગામી રવિવારે ઑસ્ટ્રેલિયન ટીમ ભારત સામે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ફાઇનલમાં ટકરાશે.
 
નોંધનીય છે કે આ અગાઉ ઑસ્ટ્રેલિયાની ટીમ કુલ સાત વખત ફાઇનલમાં પહોંચી ચૂકી છે, જે પૈકી પાંચમાં તેને જીત પણ હાંસલ થઈ છે.
 
ટૉસ જીતીને પ્રથમ બેટિંગ કરવા ઊતરેલી દક્ષિણ આફ્રિકાની ટીમ આ તકનો લાભ લઈ મોટો સ્કોર ખડકવામાં નિષ્ફળ રહી હતી.
 
પ્રારંભિક ફટકા બાદ ટીમ માંડ માંડ 212 રન બનાવી શકી હતી. જેમાં ડેવિડ મિલરની લડાયક સદીએ મહત્ત્વપૂર્ણ ભાગ ભજવ્યો હતો.
 
મિલરની સાથોસાથ બૅટ્સમૅન હાઇનરિક ક્લાસેને આક્રમક બેટિંગ પ્રદર્શન કરીને ટીમને સન્માનજનક સ્કોર સુધી લઈ જવામાં ભૂમિકા ભજવી હતી.
 
દક્ષિણ આફ્રિકાના કૅપ્ટન ટેમ્બા બાવુમાએ ટીમની હાર વિશે કહ્યું કે, “હાર વિશે કહેવું મુશ્કેલ છે. ઑસ્ટ્રેલિયાને ફાઇનલ પ્રવેશ માટે અભિનંદન. તેઓ સારું રમ્યા. બીજા હાફમાં અમે લડત આપી પણ છતાં સફળ ન રહ્યા. ઑસ્ટ્રેલિયાએ તમામ પરિસ્થિતિનો ફાયદો ઉઠાવ્યો અને પરિણામ મેળવ્યું. મિલર અને ક્લાસેનની પાર્ટનરશિપની જરૂર હતી, કેમ કે એ મહત્ત્વનું હતું, પણ એ થયું નહીં. જોકે મિલરે છતાં ખૂબ પ્રભાવક બેટિંગ કરી.”
 
“અમને લાગ્યું કે સ્કોર કરી શકાય એવો છે. અમે શરૂઆત સારી કરી. વૉર્નરની વિકેટ પણ લીધી. શમ્શીએ ઑસ્ટ્રેલિયાનું દબાણ વધારી દીધું હતું. અમારી પાસે તક હતી પણ અમે ગુમાવી. યુવા બૉલરોએ સારું પ્રદર્શન કર્યું. અમારી ટીમ માટે તે ખૂબ મહત્ત્વનું છે. આ ટુર્નામેન્ટ સારી રહી અમે વિશ્વકપ જીતવા માગતા હતા પણ છતાં જેટલું રમ્યા એટલો આનંદ છે.”