સોમવાર, 6 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. બીબીસી ગુજરાતી સમાચાર
Written By
Last Modified: શુક્રવાર, 12 એપ્રિલ 2019 (10:18 IST)

શું વડા પ્રધાન નરેન્દ્ર મોદી બાદ અમિત શાહ 'નંબર-ટુ' બનશે?

શુક્રવારે ભાજપના સ્ટારપ્રચારક અને કેન્દ્રીય ગૃહપ્રધાન રાજનાથસિંહ વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપના અધ્યક્ષ અમિત શાહના 'હોમસ્ટેટ' ગુજરાતમાં હશે અને પાર્ટી માટે મત માગશે. ભાજપના અધ્યક્ષ તરીકે શાહ ઉત્તર પ્રદેશ ભાજપના દિગ્ગજ નેતા રાજનાથસિંહના અનુગામી બન્યા હતા. રાજકીય વર્તુળોમાં શાહને કૅબિનેટમાં રાજનાથસિંહના અને મોદીના 'અનુગામી' તરીકે જોવામાં આવે છે. ગાંધીનગરની બેઠક પર અમિત શાહની ઉમેદવારી સમયે હાજર ભાજપ અને એનડીએના નેતાઓની યાદીમાં નિષ્ણાતો સંકેત જોઈ શકે છે.
 
મોદીના અનુગામી નંબર-ટુ
 
વરિષ્ઠ પત્રકાર ધીમંત પુરોહિતે બીબીસી ગુજરાતી સાથે વાત કરતા જણાવ્યું, "રાજ્યસભામાંથી સાંસદ શાહને લાલકૃષ્ણ અડવાણીની પરંપરાગત બેઠક ગાંધીનગરથી ચૂંટણી મેદાનમાં ઉતારવામાં આવ્યા છે."
 
"જે રીતે તેમના નૉમિનેશન સમયે એનડીએના નેતાઓને હાજર રાખવામાં આવ્યા હતા."
 
"તેમાં સ્પષ્ટ સંકેત છે કે એનડીએના નેતૃત્વમાં આગામી સરકાર બને તો મોદી પછી શાહ 'નંબર-ટુ' હશે અને તેમને મોદીના 'ઉત્તરાધિકારી' તરીકે પ્રોજેક્ટ કરાઈ રહ્યા છે."
 
"નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્ય પ્રધાન હતા, ત્યારે શાહ રાજ્યકક્ષાના ગૃહપ્રધાન હતા."
 
"તેઓ મોદીના મુખ્ય 'ટ્રબલ શૂટર' તરીકેની ભૂમિકા ભજવતા હતા. એ રાજકીય ભૂમિકા પરથી સંકેત મળે છે કે જો કેન્દ્રમાં ભાજપના નેતૃત્વમાં સરકાર બને તો શાહ 'નંબર-ટુ' બનશે."
 
નરેન્દ્ર મોદીએ ABP સાથેના ઇન્ટરવ્યૂમાં આ સવાલના જવાબમાં કહ્યું હતું, "આ પ્રકારના સવાલ દ્વારા તમે મારી પાર્ટીમાં આગ લગાડવા ઇચ્છો છો. આ બધી 'બેકાર'ની વાતો છે."
શાહ, સરકાર અને સંગઠન
 
રાજકીય વિશ્લેષક ડૉ. શિરીષ કાશીકરે બીબીસી ગુજરાતી સાથે વાત કરતા જણાવ્યું, "ભાજપના અધ્યક્ષ તરીકે અમિત શાહની બીજી ટર્મ પૂર્ણ થશે."
 
"ભાજપના બંધારણ મુજબ તેમને સંગઠનની જવાબદારીમાંથી મુક્ત કરવાના રહે, એટલે સ્વાભાવિક રીતે તેમને કદ પ્રમાણે, અન્ય કોઈ મોટી જવાબદારી આપવી પડે."
 
"આ સંજોગોમાં જો કેન્દ્રમાં એનડીએ સરકાર બને તો અમિત શાહનો કૅબિનેટમાં સમાવેશ થાય તે સ્વાભાવિક છે.
 
જરૂરી નથી કે તેમને ગૃહપ્રધાન કે નંબર-ટુનો હોદ્દો મળે, પરંતુ તેમને મળનારું મંત્રાલય તેમના કદ મુજબનું હશે."
 
ડૉ. કાશીકર ઉમેરે છે કે રાજનાથસિંહનું પદ શાહ કરતાં 'થોડું ઊંચું' જ હશે અને શાહ સિવાય ભાજપના 'પ્રમાણમાં યુવાન' અને 'સંગઠનમાં સક્રિય' સાંસદોને સ્થાન મળી શકે છે.
 
ભાજપ 'એક વ્યક્તિ, એક હોદ્દા'ના સિદ્ધાંતને અનુસરે છે. સંગઠનમાં હોદ્દો ધરાવનારને સરકારમાં અને સરકારમાં હોદ્દો ધરાવનારને સંગઠનમાં સ્થાન નથી અપાતું.
હાલમાં રાજનાથસિંહ કેન્દ્ર સરકારમાં ગૃહપ્રધાન છે અને મોદીની ગેરહાજરીમાં કૅબિનેટની બેઠકની અધ્યક્ષતા કરે છે, જે તેમને સરકારમાં 'નંબર-ટુ' તરીકે પ્રસ્થાપિત કરે છે.
ગાંધીનગરની બેઠકના સંકેત
 
વરિષ્ઠ પત્રકાર પ્રદીપસિંહ માને છે, "અડવાણીની બેઠક ઉપરથી અમિત શાહનું ચૂંટણી લડવું ભાજપના એક વરિષ્ઠ નેતાનું ચૂંટણીના મેદાનમાં ઊતરવું માત્ર નથી, તેમાં અન્ય સંદેશ પણ છે."
 
"અમિત શાહ લોકસભામાં એક સાધારણ સભ્યની જેમ લડવાના નથી. આ ચૂંટણીથી ભાજપમાં પદાનુક્રમ નક્કી થઈ રહ્યો છે."
 
"મોદીની સાથે જે નેતાઓની ઉંમર 60 વર્ષ કરતાં વધારે છે તેમની માટે સંદેશ છે કે પદાનુક્રમમાં હવે અમિત શાહ ઔપચારિક રૂપે નંબર બે પર હોઈ શકે છે."
 
"લોકસભા ચૂંટણી બાદ ભાજપની ફરીથી સરકાર બને તો એવી પ્રબળ શક્યતા છે કે અમિત શાહ દેશના ગૃહમંત્રી અને કૅબિનેટમાં બીજાક્રમે હશે."
 
માર્ચ મહિનાના અંતભાગમાં અમિત શાહે ગાંધીનગરની બેઠક ઉપરથી ઉમેદવારી કરી ત્યારે રાજનાથસિંહ પણ હાજર હતા. વરિષ્ઠ પત્રકાર ધીમંત પુરોહિત માને છે, "હાલમાં ભાજપ અને સંઘમાં જે પ્રકારના રાજકીય સમીકરણો પ્રવર્તે છે, તેને જોતાં રાજનાથસિંહ પાસે આવેલી પરિસ્થિતિને સ્વીકારવા સિવાયનો કોઈ વિકલ્પ દેખાતો નથી."
 
"ગાંધીનગરમાં ભાજપના પ્રમુખ તરીકે શાહની ઉમેદવારી સમયે રાજનાથસિંહે જે રીતે તેમની કામગીરીના વખાણ કર્યાં, તેમાં આ વાતના સંકેત મળે છે."
 
શાહની પ્રગતિમાં વર્ષ 2014ની લોકસભા ચૂંટણી દરમિયાન ઉત્તર પ્રદેશના પરિણામોએ ચાવીરૂપ ભૂમિકા ભજવી છે.
 
યૂપીના 'શાહ'
 
વરિષ્ઠ પત્રકાર આર. કે. મિશ્રાના કહેવા પ્રમાણે, "2013માં ભાજપે વડા પ્રધાનપદના ઉમેદવાર તરીકે નરેન્દ્ર મોદીને જાહેર કર્યા. એ સમયે રાજનાથસિંહ ભાજપના અધ્યક્ષ હતા."
 
"મોદીએ રાજનાથસિંહને કહીને શાહને ઉત્તર પ્રદેશના પ્રભારી બનાવવા માટે રાજી કર્યા હતા."
 
"2014ની લોકસભા ચૂંટણીમાં યૂપીની 80માંથી 73 બેઠક એનડીએને અપાવીને શાહે પોતાની કાબેલિયત સિદ્ધ કરી હતી."
 
ઉત્તર પ્રદેશ રાજનાથસિંહનું ગૃહરાજ્ય છે અને ભાજપ અગાઉ ક્યારેય આટલી જ્વલંત સિદ્ધિ હાંસલ નહોતો કરી શક્યો.
 
મિશ્રા કહે છે કે 'જો તમે નરેન્દ્ર મોદીને મગજ ગણતા હો, તો અમિત શાહની ભૂમિકા સ્નાયુઓની છે. જે વિચારોને વાસ્તવિક્તામાં બદલી નાખે છે.'
 
લગભગ અઢી દાયકા કરતાં વધુ સમયથી ભાજપના આંતરિક રાજકારણ ઉપર નજર રાખનારા વરિષ્ઠ પત્રકાર સબા નક્વી માને છે, "શાહ ઉત્તમ ચૂંટણી પ્રબંધક છે. ગુજરાતમાં તેમની ખાસિયત હતી કે ભાજપના વિરોધીઓની સામે નાના અને અપક્ષ ઉમેદવારોને ઊભા રાખવા, જેથી તેમના મતો કપાઈ જાય."
 
"ગુજરાતની આ વ્યૂહરચનાને તેમણે દેશના અન્ય ભાગોમાં પણ સફળતાપૂર્વક અમલમાં મૂકી છે. ચૂંટણી પંચના આંકડા અનુસાર, મોદી-શાહના રાજમાં ભાજપ સૌથી ધનવાન પક્ષ છે."
 
"કાર્યકર્તાઓને નાણાંની તંગી વર્તાતી નથી અને જરૂર પડ્યે સાથી પક્ષોને પણ આર્થિક મદદ કરવામાં આવે છે. રાજકારણના આ ક્રૂર મૉડલને ભાજપમાં લાવવાનો 'શ્રેય' શાહને ફાળે જાય છે."