શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. લોકસભા ચૂંટણી 2014
  4. »
  5. લોકસભા ચૂંટણી સમાચાર
Written By
Last Updated : ગુરુવાર, 17 એપ્રિલ 2014 (14:45 IST)

વલસાડના ચૂંટણી તંત્રએ 11 લાખ મતદારોને પોસ્ટકાર્ડ લખીને મતદાન કરવાનું આમંત્રણ આપ્યું

આઈટીના જમાનામાં પોસ્ટકાર્ડને વલસાડના ચૂંટણી તંત્રએ હવે નવી ઓળખ આપી

પોસ્ટકાર્ડ ખૂટી પડ્યા, અન્ય રાજ્યોમાંથી મંગાવવા પડ્યા
 
મોબાઈલ મેસેજ, ઈ-મેલ અને ફેસબુક સહિતના આઈટીના જમાનામાં ખોવાઈ ગયેલા ટપાલના પોસ્ટકાર્ડને વલસાડના ચૂંટણી તંત્રએ હવે નવી ઓળખ આપી છે. જિલ્લાના મતદારોને અચૂક મતદાન કરવાના સંદેશ સાથે તંત્ર દ્વારા ૧૧ લાખ મતદારોને પોસ્ટકાર્ડ લખવામાં આવી રહ્યા છે. મતદાર જાગ્ાૃતિ અભિયાન તળે ગુજરાત સિવાય હૈદરાબાદ, ચેન્નઈ, જયપુર, દિલ્હી અને નાસિક ખાતેથી વધારે પોસ્ટકાર્ડ મંગાવાઈ રહ્યા છે. વલસાડના ચૂંટણીતંત્ર દ્વારા કર્તવ્ય બોધ નામના આ કાર્યક્રમને કારણે લિમ્કા બુક ઓફ રેકોર્ડઝમાં વલસાડ જિલ્લાનું નામ નોંધાશે.
 
આદિવાસી જાતિ માટેની અનામત એવી વલસાડ લોકસભા બેઠકમાં અનોખું મતદાર જાગ્ાૃતિ અભિયાન શરૂ કરાયું છે. જિલ્લા કલેક્ટર અને ચૂંટણી અધિકારી ડો. વિક્રાંત પાંડે, જિલ્લા વિકાસ અધિકારી ઉદિત અગ્રવાલ અને જિલ્લા પોલીસ અધિક્ષક શ્રીમતી નિપૂણા તોરવણેની ટીમ દ્વારા લોકસભા બેઠક હેઠળના પાંચ વિધાનસભા મત વિસ્તારના ૧૦ લાખ ૯૫ હજાર ૬૭૬ મતદારોને પોસ્ટકાર્ડ લખીને ૩૦મી એપ્રિલે અચૂક મતદાન કરવાનું આમંત્રણ પાઠવવામાં આવી રહ્યું છે.
 
આ નવતર પ્રયોગની વિગતો આપતા કલેકટર ડો. વિક્રાંત પાંડેએ જણાવ્યું હતું કે, સ્વાભાવિક રીતે જ વલસાડની એક પોસ્ટ ઓફિસમાંથી ૧૧ લાખ જેટલા પોસ્ટકાર્ડ ઉપલબ્ધ ન થઈ શકે ? પરંતુ પોસ્ટ વિભાગે જ્યારે આ કાર્યક્રમનો હેતુ જાણ્યો ત્યારે તેણે પણ યોગદાન આપવાનું નક્કી કર્યું છે તેમજ હૈદરાબાદ, ચેન્નઈ, જયપુર, દિલ્હી અને નાસિક ખાતેથી લાખો પોસ્ટકાર્ડ પૂરા પાડવામાં આવ્યાં છે. પોસ્ટકાર્ડ લખવા માટે સ્વયંસેવકોની ફોજ અને શાળા-કોલેજોના શિક્ષકો-બાળકો તથા જાગ્ાૃત નાગરિકોને કામે લગાડાયા છે. પોસ્ટકાર્ડ પર લખાણ લખનારાને પ્રોત્સાહન આપવા માટે ત્રણ જણને પારિતોષિક અપાશે તેમજ આ માટેના ખર્ચ માટે કલેક્ટર સહિત જિલ્લાના ૫૦ ક્લાસવન અધિકારીઓ તેમનો એક દિવસનો પગાર આપશે.
 
એક સાથે ૧૫,૦૯૫ પોસ્ટકાર્ડ લખવાનો રેકોર્ડઝ લિમ્કા બુકમાં આંધ્રપ્રદેશના શ્રીરામા ગુંડમના નામે નોંધાયો છે તે આ મહાઅભિયાનથી તૂટશે. લખાઈને તૈયાર થયેલા ૧૧ લાખ પોસ્ટકાર્ડ મતદારો સુધી પહોંચાડવા માટે પોસ્ટ ઓફિસોને અપાશે. ઉપરાંત જરૂર પડ્યે સ્વયં સેવકોના નેટવર્કનો ઉપયોગ પણ પોસ્ટ ઓફિસ દ્વારા કરવામાં આવશે. ગ્રામ્યકક્ષાએ સ્વયંસેવકો સહયોગ આપશે. જોકે ટપાલ લઈને જનારા કર્મચારીઓ અને સ્વયંસેવકોને મતદાર જાગ્ાૃતિના સંદેશવાળી એકસરખી કેપ-ટીશર્ટ, લોગો કે બિલ્લા પહેરવાના રહેશે એવું તેમણે ઉમેર્યું હતું.
 
વોટ્સએપ, ફેસબુક, ટ્વિટર, ટેલીગ્રામ - ઈમેલ જેવી થ્રીજી-ફોર્મ્યુલાના યુગમાં પોસ્ટકાર્ડથી મતદારોને મતદાન કરવાનો સંદેશો પહોંચાડવાનું આ અભિયાન આખા દેશમાં નવતર બની રહેશે.