અમિત શાહ અને આનંદીબેનનું અનુગામી કોણ બનશે એનું સસ્પેન્સ હવે ખૂલશે

ekta kapoor
Last Modified શુક્રવાર, 24 નવેમ્બર 2017 (14:41 IST)

ભાજપ એકાદ બે દિવસમાં અમદાવાદ મહાનગર અને જિલ્લાની પંદર બેઠકોના ઉમેદવારો જાહેર કરી શકે છે. નારણપુરામાં અને ઘાટલોડિયામાં પટેલના હશે તેને લઇને અમદાવાદ સહિત રાજ્યભરમાં ભારે ઉત્તેજના વ્યાપી છે. એકાદ બે દિવસમાં આ ઉત્તેજનાનો અંત આવી જશે. બીજી તરફ ભાજપ અધ્યક્ષ અમિત શાહે બે દિવસ દિલ્હીમાં રોકાણ કર્યા પછી અમદાવાદ આવી એસ.જી. હાઇવે ઉપર આવેલા મીડિયા સેન્ટર ખાતે મુખ્યપ્રધાન વિજય રૂપાણી તથા પ્રમુખ જીતુ વાઘાણી સાથે સમીક્ષા બેઠક યોજી હતી.

અમિતભાઇએ આ બેઠકમાં ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાંથી આવેલા વિવિધ કાર્યકરોને પણ મુલાકાત આપી હતી. જ્યારે પહેલા ચરણમાં નારાજ કાર્યકરોને પણ મળી એમની નારાજગી સાંભળી તેમને પક્ષ માટે કામ કરવા સમજાવ્યા હતા. ભાજપે અત્યાર સુધીમાં ત્રણ યાદી દ્વારા ૧૩૫ ઉમેદવાર જાહેર કર્યા છે. જેમાં અમદાવાદ મહાનગરની વટવા બેઠક માટે પ્રદીપસિંહ જાડેજા, ખાડીયા-જમાલપુર માટે ભૂષણ ભટ્ટ, નિકોલમાં જગદીશ પંચાલ તેમજ જિલ્લાની બેઠકમાં ધોળકામાં ભૂપેન્દ્રસિંહ ચુડાસમા અને દસક્રોઇમાં બાબુ જમના પટેલની જાહેરાત થઇ ચૂકી છે. હવે અમદાવાદની ૧૨ અને જિલ્લાની ૩ બેઠકોમાં સત્તાવાર ઉમેદવારો જાહેર કરવાના બાકી છે બીજા ચરણમાં ઉત્તર અને મધ્ય ગુજરાતની ૯૩ બેઠકો માટે ૧૪ ડિસેમ્બરે મતદાન થવાનું છે. આ માટે સોમવારે ઉમેદવારી પત્ર ભરવાનો છેલ્લો દિવસ છે. આથી ભાજપ એકાદ બે દિવસમાં ચોથી અને જરૂર પડ્યે પાંચમી યાદી બહાર પાડી શકે છે. આ યાદી આખરી કરતાં પહેલા અમિતભાઇએ નવી દિલ્હી જઇને વડાપ્રધાન સાથે પરામર્શ કર્યો હતો. આજે દિલ્હીથી આવીને ભાજપ અધ્યક્ષે બે દિવસની વિવિધ ગતિવિધિની સમીક્ષા કરી હતી અને આગામી ચૂંટણી વ્યવસ્થાઓની જાણકારી મેળવી જરૂરી સૂચનાઓ આપી હતી. કોડીનારના ધારાસભ્ય જેઠા સોલંકી અને ચોટીલાના ધારાસભ્ય શામજી ચૌહાણે ભાજપને રામરામ કરી દીધા છે. બન્ને જણાએ પોતાના વિસ્તારમાં કોંગ્રેસની તરફેણમાં કામ શરૂ કરી દીધું છે. જ્યારે ગણદેવીમાં પૂર્વ સાંસદ કાનજી પટેલ અને એમને પુત્રએ ભાજપમાંથી રાજીનામું આપ્યું છે. કાનજીભાઇના પુત્રએ અપક્ષ ઉમેદવારી નોંધાવી છે. આ જ પ્રમાણે ૨૦૧૨માં કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયેલા કુંવરજી હળપતીએ હળપતિ વિકાસ બોર્ડમાંથી રાજીનામું આપીને અપક્ષ ઉમેદવારી નોંધાવી છે. આ ત્રણ-ચાર બેઠકો પર ભાજપે વધારે ધ્યાન આપવું પડશે.


આ પણ વાંચો :