તોગડીયા પત્રકાર પરિષદમાં રડી પડ્યાં, મારુ એન્કાઉન્ટર કરવાનું કાવતરૂ છે
વીએચપીના નેતા પ્રવિણ તોગડિયાએ આખરે પત્રકાર પરિષદ યોજીને આખા ઘટનાક્રમ અંગે થોડી વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે ઘણા સમયથી મારો અવાજ દબાવવા પ્રયાસ થઇ રહ્યાં છે. હિંદુઓની માંગણી હતી રામ મંદિર બનાવો, ખેડૂતોના પ્રશ્નો વગેરે. હું આ પ્રશ્નો માટે અવાજ ઉઠાવતો રહ્યો છું. જે કેસની જાણકારી પણ મને નથી, તેવા કેસો કાઢી ડરાવવાનો ખેલ ગુજરાતથી શરૂ થયો છે. આવા અનેક કેસ કાઢીને મને એક જેલમાંથી બીજી જેલમાં મોકલીને હિંદુત્વનો મુદ્દો બંધ કરાવવાની તૈયારીઓ કરી દેવામાં આવી છે.
હું હિંદુ સંગઠનોની એકતા માટે કામ કરતો રહ્યો છું અને કરીશ. તેમણે વધુમાં કહ્યું કે હું સવારે પૂજાપાઠ કરી રહ્યો હતો, ત્યારે એક વ્યક્તિ મારા રૂમમાં આવ્યો અને કહ્યું કે આ બધુ મૂકી દો. મને ફોન આવ્યો કે સાલો પોલીસ સ્ટેશનથી રાજસ્થાન પોલીસનો કાફલો ગુજરાત પોલીસના સહયોગથી નીકળ્યો છે. વિકટ પરિસ્થિતિ ઊભી ન થાય તે માટે પૈસાનો પર્સ લઇ રીક્ષા રોકી નજીકના કાર્યકરો સાથે નીકળ્યો હતો. મેં રસ્તામાં રાજસ્થાનના હોમ મિનિસ્ટરનો સંપર્ક કર્યો. તેમણે કહ્યું તમને પકડવા કોઇ પોલીસ આવી નથી. તે બાદ મે બધા ફોન બંધ કરી દીધા. ગઈ કાલનો ઘટનાક્રમ સંભળાવતાં તોગડિયા રડી પડ્યાં હતાં. તેમણે કહ્યું હતું કે હું સામેથી કોર્ટ સમક્ષ હાજર રહીશ, મારી કોઇ ગેરકાયદેસર સંપત્તિ નથી