1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક
Written By
Last Modified: બુધવાર, 29 એપ્રિલ 2015 (12:49 IST)

ત્રણ જાડિયા બાળકોનું વજન ઉતારવાની જવાબદારી સરકારે ઉપાડી

ગીર-સોમનાથ જિલ્લાના ઊના તાલુકાના વાજડી ગામમાં રહેતા રમેશ નંદવાણાનાં ત્રણ બાળકોનું વજન અતિશય વધી ગયું હોવાથી ૩૪ વર્ષના રમેશનાં આ ત્રણ બાળકોની જવાબદારી ગુજરાત સરકારે લીધી છે. રમેશે થોડા દિવસ પહેલાં જ જાહેર કરેલું કે આ બાળકોને સારવાર માટે હવે મારે કિડની વેચવી પડશે. કદાચ આ જ જાહેરાતને પગલે ગુજરાત સરકાર તેની મદદે આવી છે. આ ત્રણ બાળકોમાં પાંચ વર્ષની યોગિતાનું વજન બત્રીસ કિલો છે, ચાર વર્ષની અમિષાનું વજન ૪૫ કિલો અને સૌથી નાના દોઢ વર્ષના દીકરા હર્ષનું વજન પંદર કિલો છે. મજૂરીકામ કરીને ગુજરાન ચલાવતા રમેશ નંદવાણા આ બાળકો માટે ખાધાખોરાકી પૂરતું કમાઈ શકતા ન હોવાથી તેમણે ગુજરાતનાં મુખ્ય પ્રધાન આનંદીબહેન પટેલને આ બાબતમાં મદદરૂપ થવા માટે લેટર મોકલ્યો હતો અને એમાં આપવીતીમાં લખ્યું હતું કે ‘આટલાં વષોર્ દરમ્યાન અમે બધું વેચીને પણ સંતાનોને ખવડાવ્યું છે, પણ હવે અમારી પાસે કંઈ વધ્યું નથી. જો કોઈ મદદ નહીં મળે તો હવે મારે બાળકોને ઝેર ખવડાવવાનો વારો આવશે.’

આ પત્રની અસર આનંદીબહેનને થઈ હતી અને તેમણે તાત્કાલિક મદદનો ઑર્ડર કર્યો હતો. ગીર-સોમનાથ જિલ્લાના કલેક્ટર ડૉ. અજયકુમારે કહ્યું હતું કે ‘મુખ્ય પ્રધાનના આદેશ પછી હવે એ ત્રણેય બાળકોને તમામ પ્રકારની સુવિધા અને જરૂરી મેડિકલ સારવાર આપવામાં આવશે. જો મેડિકલ ઍડ્વાઇઝ મળશે તો આજે આ બાળકોને ટ્રીટમેન્ટ માટે અમદાવાદ મોકલવામાં આવશે. ત્યાં તેમની સર્જરી કરવામાં આવશે.’

દિવસે નહીં એટલાં રાતે અને રાતે નહીં એટલા દિવસે વજનમાં વધી રહેલાં આ ત્રણે બાળકોને પૂરતા પ્રમાણમાં ફૂડ પણ આપવાનો ઑર્ડર સરકારે આપ્યો છે. આ ઑર્ડરને આધારે ગઈ કાલે સવારે રમેશ નંદવાણાના ઘરે પચીસ કિલો ઘઉંનો લોટ, તેલના બે ડબ્બા અને અન્ય જરૂરી રૅશન મોકલવામાં આવ્યું હતું તો ડૉક્ટરની એક ટીમ પણ મામલતદાર દ્વારા એ બાળકોના ઘરે રાખવામાં આવી હતી.

હૉર્મોનલ પ્રૉબ્લેમ ધરાવતાં આ ત્રણ બાળકો ઉપરાંત પણ રમેશભાઈને એક દીકરી છે જે બિલકુલ સામાન્ય છે. સૌથી મોટી એવી આ દીકરીનું નામ મીરા છે. સાત વર્ષની મીરાનું વજન તેર કિલો છે. મીરા સિવાયનાં ત્રણેય બાળકો ખાવાનું ન આપો તો રડી-રડીને આખું ઘર માથે લે છે. યોગિતા અને અનિશાનો રોજનો ખોરાક જોઈએ તો એ પુખ્ત વયના પહેલવાનના ખોરાકને પણ ટપી જાય એવો છે. બન્ને જણ થઈને રોજની ૧૮ રોટલી, દોઢ કિલો ભાત, પોણો કિલો શાક, છ પૅકેટ ચિપ્સ અને પાંચ પૅકેટ બિસ્કિટ, ૧૨ કેળાં અને એક લિટર દૂધ જમે છે. મમ્મી પ્રજ્ઞાનો આખો દિવસ રાંધવામાં જ જાય છે. જ્યારે રમેશ છોકરાંવને ખવડાવવા માટે જરૂરી પૈસા કમાવા મજૂરી કરે છે. મહિને માંડ ૩૦૦૦ રૂપિયા કમાતા રમેશને દર મહિને છોકરાઆને ભરપેટ ખવડાવવામાં જ દસ હજાર રૂપિયાનો ખર્ચ જોઈએ છે. મિત્રો, સંબંધીઓ પાસેથી ઉછીના લઈને તેમ જ જૂની મિલકત વેચીને અત્યાર સુધી પૂરું કરતો રમેશ હવે કોઈ પણ ભોગે દીકરીઓની સારવાર કરાવવા મક્કમ છે. અત્યાર સુધી તેણે ડૉક્ટરોને બતાવવામાં જ ૫૦,૦૦૦ રૂપિયા ખર્ચી નાખ્યા છે અને બધા ડૉક્ટરો તેમને મોટી હૉસ્પિટલમાં લઈ કહેતા હતા એટલે તેણે પોતાની કિડની વેચીને સ્પેશ્યલિસ્ટ ડૉક્ટરો પાસે બે દીકરીઓ અને એક દીકરાની સારવાર કરાવવાનું વિચાર્યું હતું.