ગુરુવાર, 14 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. લોકસભા ચૂંટણી 2019
  3. લોકસભા ચૂંટણી સમાચાર 2019
Written By
Last Modified: બુધવાર, 10 એપ્રિલ 2019 (12:05 IST)

ગુજરાતમાં બંને પક્ષોના વિવાદિત વાણીવિલાસ, જીતુ વાઘાણી સામે તપાસનો આદેશ

લોકસભાની ચૂંટણી પ્રચાર દરમિયાન ગુજરાતના ભાજપ અધ્યક્ષ જીતુ વાઘાણીએ સુરતમાં પોતાના ભાષણમાં કોગ્રેસ માટે અપશબ્દો ઉચ્ચારતા ચૂંટણી પંચને થયેલી ફરિયાદ બાદ ચૂંટણી અધિકારી એવા જિલ્લા કલેકટરે આ બાબતે તપાસના આદેશ કરી વિસ્તૃત અહેવાલ મગાવ્યો છે. સુરતના અમરોલી વિસ્તારમાં ભારતીય જનતા પાર્ટી  દ્વારા રાખવામાં આવેલી જાહેરસભામાં ગુજરાત ભાજપ પ્રદેશના અધ્યક્ષ જીતુ વાઘાણીએ પોતાના પ્રવચન દરમ્યાન કોગ્રેસ માટે હરામજાદા શબ્ધનો પ્રયોગ કર્યો હતો. તેમના આ વાણીવિલાસ અંગે કોંગ્રેસ દ્વારા ચૂંટણી પંચને ફરિયાદ કરાઇ હતી. 
તેમાં જણાવાયું હતું કે, ચૂંટણીના ફોર્મ ભરવાના દિવસે કલેકટર કચેરીની બહાર ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે મારામારીની ઘટનાને ટાંકીને જીતુ વાઘાણીએ કોંગ્રેસ કાર્યકરો માટે દાદાગીરી, લુખ્ખાગીરી જેવા શબ્દોનો પ્રયોગ પણ કર્યો હતો. તેમણે ભાષણમાં એવું પણ કહયું હતું કે, તમારી લુખ્ખાગીરીનો એક બનાવ બન્યો છે. જો બીજો બનાવ બનશે તો સુરત મુકાવી દઇશું. ફરિયાદને ગંભીર ગણી ચૂંટણી અધિકારી એવા જિલ્લા  કલેકટર ડો.ધવલ પટેલે તપાસના આદેશ કર્યા છે. અને સબંધિત ચૂંટણી અધિકારીને ફરિયાદ અંતર્ગત તપાસ કરીને વિસ્તૃત રિપોર્ટ આપવા જણાવ્યું છે.દરમિયાન વાપીમાં કાર્યકર્તા સંમેલનમાં પણ જીતુ વાઘાણીએ આજે કોંગ્રેસ માટે હરામજાદા શબ્દનો પ્રયોગ કર્યો હતો.