મંગળવાર, 24 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: અમદાવાદ, , બુધવાર, 27 જૂન 2018 (11:34 IST)

નેતાઓની માનસિકતામાંથી કટોકટી આવે છે - અમિત શાહ

ભાજપાના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે ગઇકાલે અમદાવાદમાં કટોકટીકાળ દરમ્યાન કોંગ્રેસ સરકાર દ્વારા જેલમાં બંધ કરેલ લોકતંત્રના પ્રહરી મિસાવાસીઓ અને જનસંઘના કાર્યકર્તાઓના સંમેલનને સંબોધીત કર્યુ અને લોકતંત્રનું ગળુ ઘોંટનારી માનસિકતા માટે કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા.

અમિતભાઈ શાહે કટોકટીના કાળાકાળના સંઘર્ષના સાથીઓ અને લોકતંત્રના રખેવાળ સૌ મીસાબંધુઓને વંદન કરતા જણાવ્યું હતું કે, ઈતિહાસના કાળાકાળને ભૂલી જવું ઉચિત હોય છે, પરંતુ દેશની જનતા આ કાળાકાળને ન ભૂલે અને ભવિષ્યમાં પણ ક્યારેય કોઈપણ કટોકટી લાદવાની હિમંત ન કરે તે માટે ભારતીય જનતા પાર્ટીએ આ કટોકટીના દિવસને કાળા દિવસ તરીકે મનાવવાનો નિર્ણય કર્યો છે. જન્મદિવસ, સ્મૃતિ દિવસ, એ કોઇપણ વ્યક્તિ કે કોઇપણ સારા કાર્ય અથવા તો સારા વિચારની યાદ અપાવે છે, તેવી જ રીતે દોઢ લાખથી પણ વધુ લોકોને ૧૯ મહિના સુધી જેલમાં કોંગ્રેસે પૂરી રાખ્યા તે અંગે કોઈને કોઈ સ્વરૂપે નવી પેઢી સુધી વાત પહોંચાડી શકાય કે તેમના પૂર્વજોએ કટોકટી કાળ દરમ્યાન તેઓ કલ્પના પણ ન કરી શકે તેટલી યાતનાઓ વેદનાઓ તેમને સહન કરવી હતી. એક કારમા વ્રજઘાતનું કામ કોંગ્રેસે દેશના લોકો પર કર્યું હતું. તે દેશના લોકો આજે પણ ભૂલી શક્યા નથી. કટોકટીકાળ બાબતે વારંવાર ચર્ચા કરવાના કારણે આપણામાં લોકતંત્રને બચાવવાની ભાવના, લોકતંત્રને દબાવવા માટે પ્રચાર માધ્યમોને બંધક બનાવ્યા હતા તેને મુક્ત કરાવવાના આંદોલનોની શીખ તેમાંથી મળી રહે છે. 

અમિતભાઇ શાહે જણાવ્યુ હતુ કે, વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી લિખિત ‘‘સંઘર્ષમાં ગુજરાત’’ પુસ્તકમાંથી કટોકટીકાળના સંઘર્ષને વાંચી યુવાપેઢીએ તેમાંથી પ્રેરણા લેવી જોઇએ. નરેન્દ્રભાઇ મોદીએ પરિવારવાદ, જાતિવાદ અને તૃષ્ટિકરણની રાજનીતિને દેશમાંથી તિલાંજલિ આપી વિકાસની રાજનીતિ એટલે કે પોલિટિક્સ ઓફ પર્ફોમન્સના નવા આયામો દેશ સમક્ષ મુક્યા છે. 

રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતભાઈ શાહે કોંગ્રેસ દ્વારા ફેલાવાતા જુઠાણા અને અપપ્રચાર સામે તીવ્ર પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, અભિવ્યક્તિની આઝાદી બાબતે વાત કરનાર લોકો થોડુક પાછળ વળીને જુએ તો તેમના પૂર્વજો દ્વારા આકાશવાણીને કોંગ્રેસ વાણીમાં ફેરવી નાખી હતી. અભિવ્યક્તિની સ્વતંત્રતાની વાતો કરનાર કોંગ્રેસે તે સમયે આર.એસ.એસ. અને જનસંઘના કાર્યકર્તાઓ પર સૌથી વધારે જુલ્મ કર્યો હતો. અત્યારની ભારતીય જનતા પાર્ટીના તે સમયના આર.એસ.એસ. અને જનસંઘના યુવા કાર્યકર્તાઓને બંધક બનાવીને જેલમાં પૂરી રાખ્યા હતા. ૧ લાખ ૫૬ હજાર મિસાવાસીઓમાંથી ૯૫ હજાર કાર્યકર્તાઓએ ભાજપાના વિચાર પરિવારના હતા કે જેમને કોંગ્રેસે બંધક બનાવી દીધા હતા. 

અમિતભાઈ શાહે દેશના સ્વર્ણિમ ઈતિહાસને યાદ કરતા જણાવ્યું કે ભારતમાં લોકશાહી એ માત્ર આઝાદીકાળથી નહિ પરંતુ આદિકાળથી ચાલી આવે છે. દ્રારકા અને મગધ જેવા ગણતંત્રો અખંડ ભારતમાં અસ્તિત્વ ધરાવતા હતા તે આપણા માટે ગૌરવ લેવાની બાબત છે. લોકશાહીને નેસ્તનાબુદ કરવાનું સૌ પ્રથમ પ્રયાસ દેશમાં જો કોઈએ કર્યો હોય તો તે કોંગ્રેસના શ્રીમતી ઇન્દિરાજી દ્વારા કરવામાં આવ્યો હતો. આઝાદી પછી લાંબા સમય સુધી કોંગ્રેસની સરકાર હતી. કોંગ્રેસ સરકારની કાર્ય પદ્ધતિના કારણે લોકોમાં ભયંકર રોષ ફેલાયો હતો. તેના ફળ સ્વરૂપે દેશમાં કોંગ્રેસની સામંતશાહી માનસિકતાના વિરોધીઓ એક થયા ત્યારથી જ કટોકટીના બીજ કોંગ્રેસના મનમાં રોપી ગયા હતા. ૩૫૬ની કલમનો ઉપયોગ કરીને સરકારોને બરતરફ કરવામાં આવી હતી અને કોંગ્રેસીઓના મોઢે માત્ર એક જ વાત હતી કે ‘ઇન્ડિયા ઈઝ ઇન્દિરા, ઇન્દિરા ઈઝ ઇન્ડિયા’. ઇલાહાબાદ હાઇકોર્ટમાં નિર્ણય થયો પણ તેની સામે સંસદની અંદર મત આપવાના અધિકારને કોંગ્રેસે છીનવી લીધો અને તેમની સામે આવેલા ફેસલાના સામે લોકશાહીની હત્યા કરી કટોકટી લાદી દીધી. 

શાહે કોંગ્રેસની લોકશાહી વિરોધી માનસિકતાને છતી કરતા જણાવ્યું કે, પરિસ્થિતિઓના કારણે અથવા તો અધ્યાદેશના કારણે નહિ પરંતુ નેતાઓની માનસિકતા જ કટોકટી લાદી શકે. કોંગ્રેસમાં કટોકટી લાદવાના બીજ રોપણ ૧૯૬૫ પછી જ થઇ ગયું હતું. કોંગ્રેસે પાર્ટીની આંતરિક લોકશાહીની ૧૯૬૫માં જ ખત્મ કરી દીધી હતી. જેના કારણે કટોકટીનો મૂળ વિચાર કોંગ્રેસના મનમાં આકાર લેવા લાગ્યો હતો. વંશવાદ, પરિવારવાદ, જાતિવાદ અને તુષ્ટિકરણના ઝેરના કારણે લોકશાહીની ઊંડાઈઓ ખત્મ થવા લાગી હતી. કોર્ટના ફેસલાથી બચવા શ્રી ઇન્દિરાજીએ કટોકટી લગાડી દીધી હતી જનસંઘના શીર્ષસ્થ નેતૃત્વની ધરપકડ કરી હતી. સામાજિક સંસ્થાઓ પણ પ્રતિબંધ લાદી દીધો હતો. અખબારો, વાણી સ્વતંત્રતા, બીજી રાજકીય પાર્ટીઓની ગતિવિધિઓ પૂર્ણ રૂપે પ્રતિબંધિત કરી દેવામાં આવી હતી. આખા દેશમાં ભય અને આંતકનો માહોલ વ્યાપી ગયો હતો. ૧ લાખ ૪૦ હાજર જેટલા લોકો જેલમાં હતા પણ તેમની જમાનતને રોકી શકાય તે માટે એક કમીટેડ જ્યુડીશીયરી કોંગ્રેસે સ્થાપી દીધી હતી. હાઇકોર્ટ અને સુપ્રીમકોર્ટના ફેસલાઓ પર કોંગ્રેસનો અંકુશ આવી ગયો હતો. આ બધાની સામે ભારતીય જનસંઘની આગેવાનીમાં દેશભરમાં સંઘર્ષ શરુ થયો દેશભરમાં કટોકટી સામે ગતિવિધિઓ થવા લાગી હતી. આજે ન્યાયતંત્રની સ્વતંત્રતાની વાતો કરનાર કોંગ્રેસે લાદેલ કમીટેડ જ્યુડીશીયરીની વાત યાદ કરવી જોઈએ. આજેપણ કોંગ્રેસના પક્ષમાં કોઈપણ જજમેન્ટ આવે તો કોર્ટ મહાન થઇ જાય છે અને વિપક્ષમાં કોઈપણ નિર્ણય થાય તો કોંગ્રેસ ઈમ્પીચમેન્ટ લાવે છે. સત્તામાં હોઈ ત્યારે કોંગ્રેસ માટે કમિટેડ જ્યુડિશિયરી અને વિપક્ષમાં હોઈ ત્યારે ઈમ્પીચમેન્ટને હથિયાર તરીકે ઉપયોગ કરે છે.