શનિવાર, 28 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Updated : મંગળવાર, 14 નવેમ્બર 2017 (11:41 IST)

2012ની વિધાનસભાની ચૂંટણીમાં ૭૬% ઉમેદવારોની ડિપોઝિટ ડૂલ થઈ હતી

વર્ષ ૨૦૧૨માં યોજાયેલી ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કુલ ૧૬૬૬ ઉમેદવારોમાંથી ૧૨૮૮ ઉમેદવારોને ડિપોઝિટ ગુમાવવી પડી હતી. આમ, ચૂંટાયેલા ૧૮૨ ધારાસભ્યો સાથે કુલ ૩૯૮ ઉમેદવારો જ એવા હતા જેમણે ડિપોઝિટ ગુમાવી નહોતી. અલબત્ત, કેટલાક અપવાદોને બાદ કરતા ડિપોઝિટ ગુમાવનારા મોટાભાગના ઉમેદવારો અપક્ષ અથવા નાના પક્ષના હતા. ગુજરાત વિધાનસભાની ગત ચૂંટણીમાં રાષ્ટ્રીય પક્ષમાંથી બહુજન સમાજ પાર્ટીના તમામ ૧૬૩, સીપીઆઇના ૩, સીપીએમના ૯ ઉમેદવારોએ ડિપોઝિટ ગુમાવી હતી.

રાજ્ય કક્ષાની પાર્ટીમાંથી જેડી (યુ)ના ૬૫માંથી ૬૪, લોક જનશક્તિ પાર્ટીએ તમામ ૪૪, આરએલડીએ તમામ ૩ અને એસપીએ તમામ ૬૭ બેઠક પરથી ડિપોઝિટ ગુમાવી હતી. આમ, ગત ચૂંટણીમાં ડિપોઝિટ ગુમાવનારા ઉમેદવારનું પ્રમાણ ૭૬% હતું. વધુ રસપ્રદ વાત એ છે કે વિધાનસભાની ગત ચૂંટણીમાં કુલ ૪૦ નાના-મોટા પક્ષોએ ઝુકાવ્યું હતું. આ પૈકી ૩૧ પક્ષ એવા છે જેમની બિનસંગઠિત પાર્ટી તરીકે નોંધણી થઇ હતી. આ પક્ષોના કુલ ૨૭૪ ઉમેદવારોમાંથી ૨૬૬ને ડિપોઝિટ ગુમાવવી પડી હતી. બીજી તરફ વર્ષ ૨૦૦૭ની વિધાનસભાની ચૂંટણીમાં કુલ ૧૨૬૮ ઉમેદવારોમાંથી ૮૯૨ ઉમેદવારોએ ડિપોઝિટ ગુમાવી હતી. જોકે, ગુજરાતમાં એક જ વિધાનસભાની ચૂંટણીમાં સૌથી વધુ ઉમેદવારોએ ડિપોઝિટ ગુમાવી હોય તેનો રેકોર્ડ ૧૯૯૫માં થયો હતો, એ સમયે ૨૫૪૫માંથી ૨૧૨૭ને ડિપોઝિટ ગુમાવવી પડી હતી. આ સિવાય ૧૯૯૦ની વિધાનસભાની ચૂંટણીમાં ૧૮૮૯માંથી ૧૪૬૧ ઉમેદવારોએ ડિપોઝિટ ગુમાવી હતી. આમ, સૌથી વધુ ઉમેદવારોએ ડિપોઝિટ ગુમાવી હોય તેના મામલે ૨૦૧૨ની વિધાનસભા ચૂંટણી ત્રીજા સ્થાને છે. ૨૦૧૨ની વિધાનસભાની ચૂંટણીમાં કુલ ૩૯ બેઠક એવી હતી જેમાં ૧૦ કે તેથી વધુ ઉમેદવારોએ પોતાની ડિપોઝિટ ગુમાવી હતી. દક્ષિણ ગુજરાતની લિંબાયત બેઠકમાં કુલ ૨૦માંથી સૌથી વધુ ૧૮ ઉમેદવારોને ડિપોઝિટ ગુમાવવાનો વારો આવ્યો હતો. આ સિવાય જેતપુર ખાતેથી ૧૯માંથી ૧૭, હિંમતનગરમાંથી ૧૬, ધોરાજી-ખંભાળિયામાંથી ૧૭માંથી ૧૫ ઉમેદવારોએ ડિપોઝિટ ગુમાવી હતી. ગત ચૂંટણીમાં બે તત્કાલીન ધારાસભ્યો કનુભાઇ કલસરિયાએ ગારિયાધર જ્યારે ચંદુ વઘાસિયાએ ગોંડલમાંથી ડિપોઝિટ ગુમાવવાનો વારો આવ્યો હતો. ભૂતપૂર્વ ગૃહ મંત્રી હરેન પંડયાના પત્ની જાગૃતિ પંડયા એલિસબ્રિજ બેઠક પરથી જીપીપી માટે ચૂંટણી લડયા હતા અને તેમને પણ ડિપોઝિટ ગુમાવવી પડી હતી.