શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 1 જાન્યુઆરી 2018 (12:33 IST)

અમિત શાહના ફોનથી રૂપાણી માની ગયા પણ કોંગ્રેસની આશા પર પાણી ફરી વળ્યું

ગુજરાતમાં નવનિયુક્ત રૂપાણી સરકારમાં ખાતાઓની વહેચણીને લઈને મુખ્યપ્રધાન વિજય રૂપાણી અને નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ વચ્ચેના પરસ્પરના મતભેદો દૂર થઈ ગયા છે. સુત્રો દ્વારા જાણવા મળ્યું હતું  કે, રવિવારે સવારે અમિત શાહે નીતિન પટેલને ફોન કરી કહ્યું કે, તેમની માગો પર વિચાર કરવામાં આવી રહ્યો છે. અમિત શાહે તેમને પોતાનો પદભાર સંભાળી લેવા પણ અનુરોધ કર્યો. તે પછી નીતિન પટેલે ગાંધીનગર જઈ પોતાની ઓફિસમાં ચાર્જ સંભાળી લીધો. નીતિન પટેલને નાણાં મંત્રલાય આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આમ, ભાજપમાં છેલ્લા 48 કલાકથી ચાલતો વિવાદ ઉકેલાઈ ગયો. આમ, અમિત શાહના એક ફોને કેટલાય વિરોધીઓની ગણતરીઓ ઊંધી પાડી દીધી.

ભાજપમાં ખાતા ફાળવણીને લઈને ઊભા થયેલા ગજગ્રાહને જોતાં કોંગ્રેસમાં એક આશા ઊભી થઈ હતી. કોંગ્રેસ તરફથી તો નીતિન પટેલને ઓફર પણ કરી દીધી હતી. પણ, અમિત શાહનો ફોન આવ્યા બાદ નીતિન પટેલ માની ગયા હતા અને કોંગ્રેસની ઈચ્છા મનની મનમાં જ રહી ગઈ હતી.  પોતાનો પદભાર સંભાળ્યા બાદ નીતિન પટેલે સ્પષ્ટ કહ્યું કે, ‘હું કોઈ મહત્વપૂર્ણ મંત્રાલય નથી ઈચ્છતો. મારી બસ એ જ ઈચ્છા હતી કે, હું જે મંત્રાલયો પહેલા જોતો હતો, તે મને ફરીથી આપી દેવામાં આવે. મેં 40 વર્ષ ભાજપના કાર્યકર્તા તરીકે કામ કર્યું છે. મારા યોગદાનને જોતાં જ પાર્ટીએ મને ડેપ્યુટી સીએમ બનાવ્યો છે. હું પાર્ટી છોડવા વિશે વિચારી પણ ન શકું. ગુજરાત કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીએ આ સમગ્ર ડ્રામા અંગે કહ્યું કે, ભાજપ અને નીતિન પટેલે જનતાને જણાવવું જોઈએ કે તેમની વચ્ચે શું ડીલ થઈ કે તેઓ માની ગયા.વિજય રૂપાણી અને નીતિન પટેલ બંને જ ગૃહ ખાતું પોતાની પાસે રાખવા ઈચ્છતા હતા. પરંતુ, ખાતાઓની વહેંચણીમાં નીતિન પટેલ પાસેથી શહેરી વિકાસ, નાણાં. પેટ્રોકેમિકલ્સ, ટાઉન પ્લાનિંગ જેવા ખાતા લઈ લીધા, જે પાછલી સરકારમાં તેમની પાસે હતા. તેમને આ વખતે માત્ર માર્ગ અને મકાન, આરોગ્ય અને પરિવાર કલ્યાણ, તબીબી શિક્ષણ, નર્મદા, કલ્પસર, પાટનગર યોજનાની જવાબદારી સોંપવામાં આવી હતી.