બુધવાર, 24 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : શનિવાર, 13 જાન્યુઆરી 2018 (09:25 IST)

રાજકોટમાં શિબિરના ટેન્ટમાં આગ લાગતા 3 વિદ્યાર્થીનીઓના મોત ....50 ટેન્ટ સળગીને ખાખ

રાજકોટના ઉપલેટા નજીક પ્રાંસલા ખાતે વૈદિક મિશન ટ્રસ્ટ દ્વારા આયોજિત રાષ્ટ્રકક્ષા શિબિરના ટેન્ટમાં આગ ભભૂકી ઉઠતા ત્રણ વિદ્યાર્થીની જીવતી ગઈ છે. 15 કિશોરીઓ દાઝી જતાં ધોરાજી, પોરબંદર અને ઉપલેટાની સરકારી તેમજ ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાઇ છે. 50 ટેન્ટ સળગીને ખાખ થઇ ગયા હતા
 
રાજકોટઃ ઉપલેટાથી 30 કિલોમીટર દૂર આવેલા પ્રાંસલામાં વૈદિક મિશન ટ્રસ્ટ દ્વારા આયોજિત  રાષ્ટ્રકથા શિબિરમાં શોટસર્કિટના કારણે અચાનક આગ લાગતાં  ત્રણ વિદ્યાર્થીઓના મોત થયા છે જ્યારે 15 જેટલી કિશોરીઓ દાઝી જતાં ધોરાજી, પોરબંદર અને ઉપલેટાની સરકારી તેમજ ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાઇ છે. આ ઘટનામાં અંદાજે 60થી 70 ટેન્ટ બળીને ખાખ થઈ ગયા હોવાના અહેવાલ છે. કલેક્ટરના જણાવ્યા અનુસાર 300 વિદ્યાર્થીઓને બચાવી લેવામાં આવી છે.
 
13મીએ શનિવારે શિબિરની પૂર્ણાહુતિ થવાની છે, ત્યારે તેની આગલી રાત્રે જ વિદ્યાર્થીઓ જ્યાં સૂતા હતા, તે ટેન્ટમાં રાત્રે પોણાબાર વાગ્યે આગ ફાટી નીકળી હતી. શોર્ટ-સર્કિટને કારણે આગ લાગવાનું તારણ કાઢવામાં આવ્યું છે. દેશના ટોચના મહાનુભાવો જ્યાં આવે છે, ત્યાં આવી દુર્ધટના બનતા આયોજક સ્વામી ધર્મઅંબુજી પર આભ તૂટી પડ્યું છે. ઘટનામાં દાઝી ગયેલી કિશોરીઓ અને નાસભાગમાં જેઓને ઇજા થઈ હતી તેઓને હોસ્પિટલ લઈ જવા માટે 108 સહિત 40 જેટલી એમ્બ્યુલન્સની વ્યવસ્થા કરવામાં આવી હતી. આગ કાબુમાં લેવા માટે ધોરાજી, ઉપલેટા ઉપરાંત પોરબંદરથી પણ ફાયર ફાઇટરો બોલાવવામાં આવ્યા હતા. 
 
સૂત્રો મુજબ  પ્રાંસલામાં વર્ષોથી રાષ્ટ્રકથા શિબિરનું આયોજન થાય છે. આ વખતે 10 હજારથી વધુ શિબિરાર્થીઓએ ભાગ લીધો હતો અને દિવસ દરમિયાનની અલગ-અલગ ઇવેન્ટમાં ભાગ લીધો હતો. મોટાભાગના શિબિરાર્થીઓ ભોજન કર્યા બાદ આરામ કરી રહ્યા હતા. ત્યારે કિશોરીઓ જે વિભાગમાં ટેન્ટમાં સુતી હતી ત્યાં આગ લાગી હતી. રાષ્ટ્રકથા શિબિર શરૂ થાય તેના થોડા દિવસો પહેલાં જ આર્મી અને નેવીના જવાનો પ્રાંસલા આવી પહોંચે છે. ગત શુક્રવારથી શિબિર શરૂ થઇ ત્યારથી જ આર્મીના જવાનો ઉપસ્થિત હતા. શુક્રવારે રાત્રે આગ લાગી તેની સાથે જ આર્મીના જવાનો પણ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને આગને કાબૂમાં લેવાની કામગીરી શરૂ કરી હતી.