બુધવાર, 27 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શનિવાર, 4 માર્ચ 2017 (12:21 IST)

દલિતો પર અત્યાચાર મુદ્દે વિધાનસભા ગૃહમાં ભાજપ-કોંગ્રેસમાં તૂ તૂ મે મેં

ભાજપના રાજમાં દલિતો પર અત્યાચારના કિસ્સા વધ્યા છે, તાજેતરમાં જ પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના પલ ગામે દલિતોએ મરેલા પશુઓનો નિકાલ કરવાની ના પાડતાં ગામ લોકોએ દલિતોનો બહિષ્કાર કર્યો હતો, આ સ્થિતિમાં ૧૪ દલિત પરિવારોને હિજરત કરવાની ફરજ પડી હતી, સમગ્ર પ્રકરણમાં કોંગ્રેસે તાકીદની જાહેર અગત્યની બાબતનો મુદ્દો ઉપસ્થિત કરી સરકારે શું પગલાં ભર્યા તેનો હિસાબ-કિતાબ માગ્યો હતો. અલબત્ત, દલિતો પરના અત્યાચારના મુદ્દે ભાજપ અને કોંગ્રેસ રીતસર આમને-સામને આવી ગયા હતા, મંત્રી આત્મારામ પરમારે આ ઘટના કોંગ્રેસની જ દેન હોવાનો આરોપ મૂકતાં વિપક્ષ કોંગ્રેસે ગૃહમાં હો હા કરી મૂકી હતી. કોંગ્રેસના કયા ધારાસભ્ય આ પ્રકરણમાં સંડોવાયેલા છે તેવા આરોપોનો સ્પષ્ટ જવાબ આપવા વિપક્ષે માગણી કરી હતી, પણ મંત્રીએ છેક સુધી કોઈ જ જવાબ આપ્યો ન હતો.

વિપક્ષ કોંગ્રેસના ધારાસભ્ય રમેશ ચાવડાએ નિયમ ૧૧૬ મુજબ નોટિસ આપી દલિતો પરના અત્યાચાર મુદ્દો ઉઠાવતાં કહ્યું કે, ગત ૬-૧૦-૨૦૧૬ના રોજ સરપંચ હસુભા જાડેજા અને અન્યોએ દલિતોનો બહિષ્કાર કર્યો હતો. તા. ૧૪-૧૦ના રોજ ફરિયાદ નોંધાઈ હતી, પોલીસે માંડ બે આરોપી પકડયા હતા, બાકીના ૨૦ આરોપી ગામમાં છુટ્ટા ફરી રહ્યા હતા, આખરે દલિતોએ ધરણાં જેવા કાર્યક્રમ યોજી દબાણ ઊભું કરતાં બાકીના આરોપી પકડાયા, અલબત્ત, એ પહેલાં કેમ પોલીસે કોઈ પગલાં ન ભર્યા? સરકારે હિજરતીઓને સલામત જગ્યા આપવી જોઈએ તેવી માગ કરાઈ હતી. દરમિયાન મંત્રી આત્મારામ પરમારે આ બનાવ કોંગ્રેસની દેન છે તેવું કહેતાં હોબાળો મચ્યો હતો. તેમણે આરોપ લગાવ્યો કે, કોંગ્રેસના જ ધારાસભ્ય તેમાં સામેલ છે, ભાજપને બદનામ કરવા પ્રયાસ કરાય છે.
આ આક્ષેપો બાદ વિપક્ષે ઊભા થઈ ‘દલિત વિરોધી યે સરકાર નહિ ચલેંગી, નહિ ચલેંગી’ના નારા લગાવ્યા હતા, કોંગ્રેસે સામો પ્રશ્ન કર્યો કે, કોંગ્રેસના આગેવાનો હતા તો તમને પગલાં ભરતાં કોણે રોક્યા હતા, તાકીદે કાર્યવાહી કરવી હતી ને, દરમિયાન ધારાસભ્ય શૈલેષ પરમારે ઉનાકાંડ બાદ આ સ્થિતિ ઊભી થયાનો ઉલ્લેખ કરી કહ્યું કે, ભાજપ ગાય માતાના નામે વાતો કરે છે પણ તેમના જ રાજમાં ગાયને ચારો આપવાની ના પડાઈ હતી અને દલિતને દંડ કરાયો હતો. એક તબક્કે મંત્રીએ વિપક્ષને ઉશ્કેરતા કહ્યું કે, કોંગ્રેસને આંબેડકરનું નામ લેવાનો અધિકાર નથી. આખરે મંત્રીએ બાંયધરી આપી કે, સરકાર કોઈ પણ ચમરબંધીને છોડવા માગતી નથી.