1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 13 ઑગસ્ટ 2018 (12:20 IST)

ઉત્તર ગુજરાતમાં દારુની રેલમછેલ, જથ્થાબંધ વિદેશી દારૂ ઝડપાયો

મહેસાણા જિલ્લાની સીમ બુટલેગરો માટે દારૂનાં કટીંગ માટે સલામત સ્થળ બની ગઈ હોય તેમ એક જ દિવસમાં પકડાયેલાં લાખોની કિંમતનાં દારૂનાં જથ્થા પરથી પુરવાર થઈ રહ્યું છે. લાંઘણજ પોલીસે અંબાસણ ગામની સીમમાંથી ૨૧ લાખની કિંમતનો અને સાંથલ પોલીસે જાકાસણા ગામની સીમમાંથી ૮.૯૧ કિંમતનો દારૂ ઝડપી પાડ્યો હતો. આ બંને કેસમાં પોલીસે એક-એક આરોપીની ધરપકડ કરી છે. જ્યારે ચાર આરોપીઓ ફરાર બતાવાયા છે. અંબાસણ ગામની સીમમાં ભાસરીયાનાં કુખ્યાત બુટલેગર વિરસંગજી ઠાકોરનો દારૂ હોવાનું બહાર આવતાં ફરીથી તેણે જિલ્લામાં દારૂનું મોટાપાયે કટીંગ શરૂ કર્યું હોવાનો ખુલાસો થયો છે.
લાંઘણજનાં પીએસઆઈ આર.એચ.હડીયોલ અને સ્ટાફને મળેલી બાતમીનાં આધારે મહેસાણાનાં અંબાસણ ગામની સીમમાં શનિવારે મોડી રાત્રે રેઈડ કરી હતી. અંબાસણ ગામનાં રહીમખાન હસનખાન લોદીની માલિકીનાં ખેતરમાં મોટાપાયે વિદેશી દારૂનું કટીંગ થતું હોવાથી પોલીસે રેઈડ કરતાં લોકોમાં દોડધામ મચી ગઈ હતી. પોલીસે ઘટના સ્થળે તપાસ કરતાં રૂપિયા ૨૧,૦૦,૮૦૦ ની કિંમતની ૪૦૫ નંગ વિદેશી દારૂની પેટીઓ મળી આવી હતી. જ્યારે પોલીસે રહીમખાન હસનખાન લોદીને ઘટના સ્થળેથી પકડી લીધો હતો.આ શખ્સની પૂછપરછ કરતાં આ તમામ દારૂ ભાસરીયાનાં વિરસંગજી માનાજી ઠાકોરનો હોવાનું જણાવ્યું હતું. લાંઘણજ પોલીસે ઘટના સ્થળેથી રૂપિયા ૧૨ લાખની કિંમતની ત્રણ કાર સાથે દારૂના જથ્થા સાથે કુલ રૂપિયા ૩૩,૦૦,૮૦૦ નો મુદ્દામાલ કબજે કરીને રહીમખાન લોદી, વિરસંગજી ઠાકોર અને ૩ કાર માલિકો વિરૂદ્ધ ગુનો નોંધી ભાસરીયાનાં વિરસંગજીની ધરપકડ માટે ચક્રો ગતિમાન કર્યા છે.
બીજી તરફ અંબાસણની સીમમાંથી વિદેશી દારૂ ભરીને પીકઅપ ડાલુ નીકળ્યું હોવાની બાતમીનાં આધારે વોચ ગોઠવતાં જાકાસણા ગામની સીમમાંથી વિદેશી દારૂ ભરેલું જીજે-૦૮ ઝેડ-૬૭૫૬ નંબરનું પીકઅપ ડાલુ પકડાઈ ગયું હતું. મૂળ દેત્રોજ તાલુકાનાં દેકાવાડા ગામનો અને હાલમાં મહેસાણાનાં ટીબીરોડ પર ખોડીયાર નગરમાં રહેતો વનરાજ નટવરસિંહ સોલંકી અંબાસણની સીમમાંથી વિદેશી દારૂ ભરીને દેકાવાડાનાં ગીરીશસિંહ પ્રહલાદસિંહ સોલંકીને આપવા જતો હતો તે દરમિયાન પકડાઈ ગયો હતો.જ્યારે જીજે-૦૬ ટીટી-૪૭૬૯ નંબરનો ચાલક ભાગવા જતાં પીકઅપ ડાલુ પલ્ટી મારી ગયુ હતું.પોલીસે બંનેમાં તપાસ કરતાં તેમાંથી રૂપિયા ૮,૯૧,૦૦૦ ની કિંમતની ૧૬૭ પેટીમાંથી ૫૪૫૪ નંગ વિદેશી દારૂની બોટલો મળી આવી હતી.પોલીસે ૮,૯૧,૦૦૦ નો વિદેશી દારૂ, રૂપિયા ૪ લાખની કિંમતના બે પીકઅપ ડાલા મળીને કુલ રૂપિયા ૧૨,૯૬,૦૦૦ નો મુદ્દામાલ કબજે કરીને ચાર શખ્સો વિરૂદ્ધ ગુનો નોંધી વનરાજ સોલંકીની ધરપકડ કરી હતી.