શનિવાર, 20 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 12 જાન્યુઆરી 2018 (11:41 IST)

૧૭મીએ ઇઝરાયેલ-ભારતનાં વડાપ્રધાન ગુજરાતમાં, એરપોર્ટથી ગાંધી આશ્રમ સુધીમાં ૫૦ સ્ટેજ પર કલ્ચરલ પ્રોગ્રામ

ભારત અને ઇઝરાયેલના વડાપ્રધાન આગામી ૧૭ જાન્યુઆરીએ ગુજરાતની એક દિવસની મુલાકાતે આવી રહ્યા છે. બંને મહાનુભાવોના આગતા-સ્વાગતા કરવાની તેમજ સલામતિની પૂરજોશમાં તૈયારી ચાલી રહી છે. બંને વડાપ્રધાનનાં ભોજનની તેમજ પીવાના પાણીની સલામતી માટે પણ ૪૦ સભ્યોની પાંચ ટીમો બનાવાઈ છે. ગુજરાત ફૂડ એન્ડ ડ્રગ વિભાગ તેનું સીધુ મોનિટરીંગ કરશે. તેમજ આ પાંચેય ટીમો રાઉન્ડ ધી ક્લોક તૈનાત રહેશે. બંને વડાપ્રધાનોને પીરસનારા ભોજનની રજેરજની તપાસ કરાશે.

પીવાનું પાણી અને ભોજન માટેની સામગ્રી ક્યાંથી આવી છે, તેની ગુણવત્તા કેવા પ્રકારની છે, રસોઇયા સહિતનો કીચનનો સ્ટાફ કોણ છે, કઇ પદ્ધતિથી ખાદ્ય સામગ્રી બનાવાઈ છે વગેરે બાબતોની આ ટીમ તપાસ કરશે. એટલું જ નહીં મહાનુભાવોને ભોજન પીરસતા પહેલા અધિકારીઓ તેનું ટેસ્ટીંગ પણ કરશે. પીવાના પાણી માટે પણ આ જ વ્યવસ્થા છે. પાણી અને રસોઈ માટે ઉપયોગમાં લેવાતા વાસણોની પણ ચકાસણી કરાશે. નોંધનીય છે કે ૧૭મીએ બપોરે ૧ વાગ્યે બાવળામાં આવેલી આઇ ક્રીએટ સંસ્થા ખાતે ગુજરાતનાં ટોચના ઉદ્યોગપતિઓ સાથે બંને વડાપ્રધાનોનો ભોજન સમારંભ છે. ભોજનમાં જે કોઇ સામગ્રીનો ઉપયોગ થશે તેની ચકાસણી પણ હાઇટેક રીતે કરવાની હોય છે. કોઇપણ શાકભાજી જરાય વાસી ન હોય અને એકદમ તાજા હોય તેની ખાસ તકેદારી રાખવામાં આવે છે. કીચેનમાં આવ્યાના ત્રણ કલાકની અંદર જ આવા શાકભાજીનો ઉપયોગ કરી નાખવો પડે છે. કેન્દ્ર સરકારે જેને માન્યતા આપી હોય તેવી બ્રાન્ડનાં પાણીનો જ ઉપયોગ રસોઇમાં કરવો પડે છે. રસોઇથી લઇને ભોજન બનાવવામાં કઇ કઇ અને કેટલી વ્યક્તિઓ સામેલ હોય છે, તેની સંપૂર્ણ વિગતો અને માહિતી પોલીસને અગાઉથી જ આપી દેવામાં આવે છે. જ્યારે જે-જે પોલીસ અધિકારીઓ આ બાબતોમાં સામેલ હોય તેમની સંપૂર્ણ વિગતો ઇન્ટેલીજન્સ બ્યૂરો પાસે હોય છે.

સૂત્રો જણાવે છે કે, ઇઝરાયેલની વાનગી બનાવવા માટે અલગથી રસોઇયાઓની વ્યવસ્થા કરાઇ છે. આમ છતાં
મોટેભાગે શાકાહારી ભોજન પીરસવામાં આવે એવી સરકારની પ્રાથમિકતા રહેશે. થોડો સમય પહેલા જાપાનનાં વડાપ્રધાન અમદાવાદ આવ્યા ત્યારે જે રીતે તેમનું સ્વાગત કરાયું હતું એ જ પદ્ધતિથી એરપોર્ટથી ગાંધી આશ્રમ સુધી તેઓનું પણ ભવ્યાતિભવ્ય સ્વાગત કરાશે જેના માટે ૫૦ જુદા જુદા સ્ટેજ પણ બનાવાયા છે. મ્યુનિ. સ્ટેન્ડીંગ કમિટી દ્વારા આ માટેનો તમામ ખર્ચ કરવાની સત્તા મ્યુનિસિપલ કમિશનર મુકેશ કુમારને આપી દીધી છે. એરપોર્ટથી ગાંધી આશ્રમ સુધીના લગભગ ૯ કિલોમીટરના આ રૃટ પર રસ્તાની બંને બાજુએ જુદા જુદા રાજ્યોની વિશેષતાઓને રજૂ કરતાં સ્ટેજ બનાવાશે. જેમાં કલ્ચરલ પ્રોગ્રામ પણ રખાયો છે. પોતાના રાજ્યોનાં ભાતીગાળ પોષાકમાં કલાકારો તેની કલા રજુ કરશે. એરપોર્ટથી બંને વડાપ્રધાનો ખુલ્લી જીપમાં બેસીને ગાધી આશ્રમ પહોંચશે. તેમજ સમગ્ર રસ્તામાં તેઓ નાગરિકોનું અભિવાદન જીલતા રહેશે. મ્યુનિ. સ્કુલનાં બાળકો પણ યોગ સહિતનાં કરતબો બતાવશે.