સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 26 સપ્ટેમ્બર 2019 (13:26 IST)

નવરાત્રીમાં રોમિયોગીરી કરનારા માટે અમદાવાદ પોલીસે બનાવી 'She Team'

રાજ્ય અને શહેરોમાં નવરાત્રી દરમિયાન કોઈપણ પ્રકારની અઘટિત ઘટનાઓ ન બને તે માટે પોલીસ વિભાગ સતત સક્રિય રહે છે. ત્યારે અમદાવાદ પોલીસે આ નવરાત્રી માટે ખાસ She ટીમની રચના કરી છે. જેનાથી મહિલા અને યુવતીઓની છેડતી અટકાવી શકાય અને આવા અસામાજીક તત્વોને ઝડપી પાડવામાં આવે. આ 'શી ટીમ' એટલે મહિલાઓ દ્વારા, મહિલાઓ થકી અને મહિલાઓ માટે જ કાર્યરત એવી પોલીસ વિભાગની 'મહિલા પોલીસ' દ્વારા બનાવવામાં આવેલી એક સશક્ત અને સુજજ ટીમ. શી ટીમ'નો મૂળ ઉદ્દેશ મહિલાઓની સુરક્ષા કરવી અને તેમનું રક્ષણ કરવાનો છે. 

નવરાત્રી દરમિયાન ગરબાનું આયોજન થતી જગ્યાઓ ઉપરાંત કોલેજ કેમ્પસ,પીજી હોસ્ટેલ, જાહેર સ્થળો, બાગ-બગીચા, શોપિંગ મોલ,રિવરફ્રન્ટ અને જાહેર જગ્યાઓ પર કોઈપણ મહિલાઓ સાથે છેડતી ના બનાવ ન બને તે માટે આ 'શી ટીમ' દિવસ-રાત સતત પેટ્રોલીંગ કરશે. છેડતીખોરો અને રોમિયોગીરી કરતા વ્યક્તિઓને સ્થળ પર જ પકડવા માંટે આ ટીમ બનાવવામાં આવી છે. નોડલ ઓફિસર, પ્રવિણભાઇ માલે આ અંગે જણાવ્યું કે, ' આ વખતની નવરાત્રીમાં મહિલાઓની સુરક્ષા માટે ખાસ નિર્ણય લેવામાં આવ્યો છે. 

બહેનોની સુરક્ષા માટે મહિલા પોલીસની ટીમ તૈયાર કરવામાં આવી છે. જે સિવિલ ડ્રેસમાં હશે. બહેનોની છેડતી અને હેરાન કરનારા જાગ્રત થાય અને આવી ગેરકાયદેસર પ્રવૃત્તિ અટકે તે માટેનું આયોજન કર્યું છે. આ રીતનું આયોજન પહેલીવાર અમદાવાદ પોલીસ કરી રહી છે. દરેક પોલીસ સ્ટેશનમાં એક સી ટીમ બનાવવામાં આવી છે.' અમદાવાદ શહેરમાં જાહેર રોડ ઉપર કોલેજ-યુનિવર્સિટીની બહાર, શાક માર્કેટ અને અનેક જાહેર સ્થળો પર યુવતીઓની છેડતીઓની ઘટના સામે આ ‘શી ટીમ’ની હવે લાલ આંખ છે અને બાજ નજર છે.