મંગળવાર, 16 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 23 ઑગસ્ટ 2017 (12:53 IST)

પૂર રાહત ફંડ માટે ગુજરાત સરકારની નજર કેન્દ્ર તરફ, 4700 કરોડ રૂપિયા માંગશે

ગુજરાતમાં આવેલ ભયાનક પૂરના કારણે થયેલા જાન-માલના નુકસાન માટે ગુજરાત સરકારે કેન્દ્ર સરકાર પાસેથી ₹47000 કરોડનું પેકેજની માગ કરતો રીપોર્ટ તૈયાર કર્યો છે.રાજ્યના રેવન્યુ વિભાગે તૈયાર કરેલા આ રિપોર્ટ અંગે સૂત્રોએ જણાવ્યું કે ‘ખેતીવાડી અને પશુપાલન વિભાગ, રોડ રસ્તા વિભાગ, ઇરિગેશન, આરોગ્ય અને પરિવાર કલ્યાણ સહિતના વિભાગો પાસેથી માહિતી એકઠી કરી આ રીપોર્ટ તૈયાર કરવામાં આવ્યો છે.

આ અહેવાલને ખૂબ જ જલ્દી કેન્દ્ર સરકારને સુપરત કરવામાં આવશે.’રાજ્યમાં પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લેવા આવેલા વડાપ્રધાને જે તે સમયે રાજ્યને ₹500 કરોડનું પેકેજ જાહેર કર્યું હતું. વધારાના ₹4700 કરોડ પણ આ જ રાહત ફંડ હેઠળ માગવામાં આવશે. જે પૈકી ₹1700 કરોડ ખેત પેદાશો અને ખેતીવાડીના નુકસાન પેટે વળતર માટે ઉપયોગમાં લેવાશે. જ્યારે ₹700 કરોડ રોડ-રસ્તાના બાંધકામ માટે ઉપયોગમાં લેવામાં આવશે.જ્યારે જળ સિંચાઈની વ્યવસ્થાને ફરીથી યોગ્ય કરવા માટે ₹500 કરોડ અને ₹1000 કરોડથી વધુની રકમ સ્કૂલ, હોસ્પિટલ અને અન્ય બીજા જાહેર બાંધકામ માટે માગવામાં આવ્યા છે. આ પ્રપોઝલ સાથે મુખ્યમંત્રી વિજય રૂપાણી નજીકના ભવિષ્યમાં જ દિલ્હી જઈ પીએમ મોદી સાથે મુલાકાત કરશે. હવે એ જોવાનું રહેશે કે કેન્દ્ર સરકાર ગુજરાતને કેટલું રાહત ફંડ ફાળવે છે.